• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Bain Circuit Old Coronary Patients In Vadodara Treated With Old Method Of Oxygen, Experiment On 300 Patients, 60 Patients Did Not Need Ventilator

બેઇન સર્કિટ ટેક્નિક:વડોદરામાં કોરોનાના દર્દીઓને ઓક્સિજન આપવાની જૂની પદ્ધિતિથી સારવાર, 300 દર્દી પર પ્રયોગ, 60 દર્દીને વેન્ટિલેટરની જરૂર ન પડી

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાની સયાજી અને સમરસ હોસ્પિટલમાં 20-25 દિવસથી આ ટેક્નિકનો સફળ ઉપયોગ વેન્ટિલેટરના વિકલ્પ તરીકે કરવામાં આવી રહ્યો છે - Divya Bhaskar
વડોદરાની સયાજી અને સમરસ હોસ્પિટલમાં 20-25 દિવસથી આ ટેક્નિકનો સફળ ઉપયોગ વેન્ટિલેટરના વિકલ્પ તરીકે કરવામાં આવી રહ્યો છે
  • દર્દીને જ્યારે વધુ ઓક્સિજનની જરૂર હોય, ત્યારે બાયપેપના વચગાળાના વિકલ્પ તરીકે આ સિસ્ટમ ખૂબ ઉપયોગી છે
  • સયાજી અને સમરસ હોસ્પિટલમાં 20-25 દિવસથી આ ટેક્નિકનો સફળ ઉપયોગ વેન્ટિલેટરના વિકલ્પ તરીકે કરાયો

કોરોના એક એવો નવો રોગ છે, જેના ફેફસાં પર ઘાતક પ્રભાવને લીધે શ્વાસ લેવા અને બહાર કાઢવાની કુદરતી વ્યવસ્થા ખોરવાઈ જાય છે. એટલે આ રોગમાં દર્દીની જીવન રક્ષા માટે જરૂર પ્રમાણે નાક વાટે, એન.આર.બી.એમ. દ્વારા,બાય પેપ અને ઇન્વેઝીવ વેન્ટિલેટર દ્વારા દર્દીની સ્થિતિ પ્રમાણે જરૂરી પ્રેશરથી ઓક્સિજન આપવો એ સારવારનો અનિવાર્ય ભાગ છે. હાલ હાઈપ્રેશર ઓક્સિજનની જરૂર વાળા દર્દીઓની સંખ્યા ખૂબ વધી છે અને તેની સરખામણીમાં વ્યાપક વ્યવસ્થા કરવા છતાં વેન્ટિલેટરની અછત વર્તાઇ રહી છે.

બેઇન સર્કિટ તરીકે ઓળખાતી જૂની એનેસ્થેસીયા ડિલિવરી સિસ્ટમ ખૂબ ઉપયોગી પુરવાર થઈ
આવા કટોકટીના સમયે ખાસ કરીને બાય પેપ અને અંતિમ ઉપાય જેવા ઇન્વેઝિવ વેન્ટિલેટરના વચગાળાના સરળ, સુવિધાજનક અને અસરકારક ઉપાયના રૂપમાં બેઇન સર્કિટ તરીકે ઓળખાતી એક જૂની એનેસ્થેસીયા ડિલિવરી સિસ્ટમ ખૂબ ઉપયોગી પુરવાર થઈ રહી છે. આમ, કોરોનાના નવા રોગમાં જૂનો ગણાય એવો ઈલાજ અસરકારક અને ઉપયોગી બની રહ્યો છે.

50થી 60 દર્દીઓમાં આ સિસ્ટમના ઉપયોગથી વેન્ટિલેટરની જરૂર ટાળી શકાઇ
સયાજી હોસ્પિટલના કોરોના વિભાગના વહીવટી નોડલ અધિકારી ડો.ઓ.બી. બેલીમે જણાવ્યું હતું કે, સયાજી અને સમરસ હોસ્પિટલોમાં એનેસ્થેસિયા વિભાગના નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ બાય પેપના વિકલ્પે પૂરતા દબાણ થી શ્વાસના સિંચન માટે બેઈન સિસ્ટમનો ઉપયોગ શરૂ કર્યો છે જે રાહતરૂપ જણાયો છે. અત્યાર સુધી 250થી 300 દર્દીઓ પર તેનો ઉપયોગ થયો છે અને તે પૈકીના 50થી 60 દર્દીઓમાં આ સિસ્ટમના ઉપયોગથી વેન્ટિલેટરની જરૂર ટાળી શકાઇ છે. જેના કારણે જે દર્દીઓને વેન્ટિલેટરની વધુ અને અનિવાર્ય જરૂર છે એવા દર્દીઓને તેની સુવિધા આપવામાં સરળતા થઈ છે. આ સિસ્ટમ ખૂબ ઓછી ખર્ચાળ હોવાથી દાતાઓ તે દાનમાં આપી શકે છે.

વેન્ટિલેટરની સગવડ ન હોય તેવી હોસ્પિટલોમાં વૈકલ્પિક સાધન તરીકે ખૂબ ઉપયોગી છે
સયાજી હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગના ડો. નેહા શાહ, ડો.મમતા પટેલ અને ડો.દેવયાની દેસાઈ જણાવે છે કે, આ એનેસ્થેસિયા વિજ્ઞાનની ઘણી જૂની ટેક્નિક છે. 1972માં બેઇન નામના વૈજ્ઞાનિક તબીબે દર્દીઓને વધુ પ્રેશરથી ઓક્સિજન આપવામાં આ સિસ્ટમ કે ટેક્નિકની ઉપયોગીતા નવેસરથી ઉજાગર કરી, પછી તેનો ઉપયોગ વધુ પ્રચલિત અને વ્યાપક બન્યો છે. ખૂબ સરળ અને ઓછી ખર્ચાળ એવી દર્દીના ફેફસાં સુધી જરૂરી માત્રામાં ઓક્સિજન પહોંચાડવા અને ઉચ્છવાસમાં કાર્બનના સલામત નિકાલ માટેની આ ટેક્નિક વેન્ટિલેટરની સગવડ ન હોય તેવી નાની હોસ્પિટલોમાં તેના વિકલ્પે વચગાળાના સાધન તરીકે ખૂબ ઉપયોગી જણાઈ છે.

તમામ ઉંમરના દર્દીઓ માટે તેનો ઉપયોગ થઈ શકે છે
આ સિસ્ટમમાં ઉચિત ડાયામીટરની શ્વાસ અંદર લેવા માટેની ઇન્સ્પિરેટરી અને શ્વાસ બહાર કાઢવા માટેની એક્સપિરેટરી ટ્યુબનો સમાવેશ થાય છે. આ સિસ્ટમ ફેફસાં સુધી ખૂબ જ ઓછા સમયમાં પુરતા પ્રમાણમાં ઓક્સિજન પહોંચાડી શકે છે અને તમામ ઉંમરના દર્દીઓ માટે તેનો ઉપયોગ થઈ શકે છે.

ઓક્સિજનના સિંચન માટેની જૂની સિસ્ટમ ખૂબ ઉપયોગી જણાઇ છે
કોરોનાનો બીજો વેવ વધુ ઘાતક છે અને તેનો અક્સીર ઈલાજ હજુ મળ્યો નથી, ત્યારે તબીબો અને સંશોધકો શ્વાસ સંબંધી અન્ય રોગોમાં રાહત આપતી દવાઓ અને તબીબી સાધનોનો સારવાર માટે અસરકારક અને સફળ વિનિયોગ કરીને લોકોના જીવન બચાવી રહ્યાં છે. તેવા સમયે દર્દીના શરીરમાં ઓક્સિજનના સિંચન માટેની આ જૂની સિસ્ટમ ખૂબ ઉપયોગી અને આશીર્વાદ રૂપ જણાઈ છે.

SSG અને સમરસમાં ઓક્સિજનની જરૂરિયાતવાળા કેસોમાં વર્ષો જૂનો ઉપાય કારગત

બેઇન સર્કિટ ટેકનિકથી દર્દીને અપાતી સારવાર.
બેઇન સર્કિટ ટેકનિકથી દર્દીને અપાતી સારવાર.

હાલમાં હાઈ પ્રેશર ઓક્સિજનની જરૂરિયાત વાળા દર્દીઓની સંખ્યા ખૂબ વધી છે અને બીજી તરફ શહેરમાં વેન્ટિલેટર વાળા બેડ ઓછા છે. ત્યારે સયાજી હોસ્પિટલ અને સમરસ હોસ્ટેલમાં વેન્ટિલેટરના વચગાળાના વિકલ્પ તરીકે તબીબોએ જૂની બેઇન સર્કિટ ટેકનિકનો ઉપયોગ શરૂ કર્યો છે. જે બાયપેપની જરૂરિયાત વાળા 300 જેટલા દર્દીઓ પર વધુ કારગત સાબિત થતાં 60ને વેન્ટિલેટરની જરૂર પડી ન હતી.

કોરોનામાં ફેફસાં પર થતા ઘાતક પ્રભાવને લીધે શ્વાસ લેવાની પરેશાની ઉભી થાય છે. જેમાં દર્દીને નાક દ્વારા, એન.આર.બી.એમથી, બાય પેપ અને ઇન્વેઝીવ વેન્ટિલેટરની મદદથી જરૂરી પ્રેશરથી ઓક્સિજન આપવો પડે છે. ત્યારે સયાજી હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગના ડો. નેહા શાહ, ડો. મમતા પટેલ અને ડો. દેવ્યાની દેસાઈએ ગંભીર દર્દી માટેના અંતિમ વિકલ્પ વેન્ટિલેટર સામે અત્યંત સરળ અને અસરકારક બનતી બેઇન સર્કિટ નામની જૂની એનેસ્થેસિયા ડિલિવરી સિસ્ટમનો ઉપયોગ શરૂ કર્યો છે. છેલ્લા 25 દિવસથી 250થી 300 દર્દીઓ પર બેઇન સર્કિટ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

49 વર્ષ જૂની ટેકનિકથી ઓછા ખર્ચે સરળતાથી ઓક્સિજન પહોંચાડાય છે

1972માં બેઇન નામના વૈજ્ઞાનિકેે દર્દીઓને વધુ પ્રેશરથી ઓક્સિજન મળે તે માટે આ સિસ્ટમ વિકસાવી હતી. ફેફસામાં જરૂરી માત્રામાં ઓછા ખર્ચે સરળતાથી ઓક્સિજન પહોંચાડે છે, ઉચ્છવાસમાં કાર્બન ડાયોક્સાઇડનો નિકાલ પણ થાય છે. ઉચિત ડાયામીટરની શ્વાસ અંદર લેવા અને શ્વાસ બહાર કાઢવાની એકસપિરેટરી ટ્યુબનો સમાવેશ થાય છે. > ડો. મમતા પટેલ, એનેસ્થેસિયા વિભાગ, SSG

કેસ સ્ટડી |2 દિવસમાં દર્દી સ્વસ્થ થયો
​​​​​​​63 વર્ષના ભાઈલાલ ભાઈ પટેલને સયાજી હોસ્પિટલમાં 29મી એપ્રિલે દાખલ કરવામાં આવ્યા હતા. તેઓને એનઆરબીએમ પર મુક્યા બાદ ઓક્સિજનની માંગ વધતા 2 દિવસ સુધી બેઇન સર્કિટનો ઉપયોગ કરતા દર્દી સ્વસ્થ થઈ ગયો છે.

આ સિસ્ટમ ઓછી ખર્ચાળ છે
બાય પેપના વિકલ્પ તરીકે પૂરતા દબાણથી શ્વાસ મળે તે માટે બેઈન સિસ્ટમનો ઉપયોગ શરૂ કર્યો છે. જે ઓછો ખર્ચાળ છે. > ડો.ઓ.બી. બેલીમ, નોડલ અધિકારી

અન્ય સમાચારો પણ છે...