• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Badminton England Level 2 Coach Hershel Shimpy, On A Visit To Vadodara, Said: "Parents Need To Be Patient And Encourage Their Children To Succeed In Sports."

સ્પોર્ટ્સ:બેડમિન્ટન ઇંગ્લેન્ડ લેવલ-2 કોચ હર્ષલ શિમ્પી વડોદરાની મુલાકાતે, કહ્યું: 'સંતાન રમતના ક્ષેત્રમાં સફળતા મેળવે તે માટે માતા-પિતાએ ધીરજ ધરીને પ્રોત્સાહન આપતાં રહેવું જોઈએ'

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બેડમિન્ટન કોચ હર્ષલ શિમ્પી - Divya Bhaskar
બેડમિન્ટન કોચ હર્ષલ શિમ્પી
  • સફળતા મેળવ્યા પછી જેઓ તાજેતરમાં રમતમાંથી નિવૃત્ત થયાં છે, તેવા ખેલાડીઓના અનુભવનો વધુ વિનિયોગ કરવો જોઈએ: હર્ષલ શિમ્પી

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સંચાલિત વાઘોડિયા રોડ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે હાલમાં અંડર 15/17 વયજૂથના ખેલાડીઓ માટેની રાજ્યકક્ષાની બેડમિન્ટન સ્પર્ધા રમાઈ રહી છે. જ્યાં બેડમિન્ટનની રમતના દ્રોણાચાર્યની શ્રેણીમાં મૂકી શકાય તેવા અતિથિ હર્ષલ શિમ્પીએ આ જગ્યાની મુલાકાત લઈને ઉભરતા ખેલાડીઓની રમત નિહાળી હતી. બેડમિન્ટનના ફોર્મર જુનિયર ઇન્ટરનેશનલ ખેલાડી અને બેડમિન્ટન ઇંગ્લેન્ડ લેવલ-2 કોચ શિમ્પિએ યુરોપના દેશોમાં આ રમતનું વ્યાપક કોચિંગ આપ્યું છે. પુણેના વતની એવા આ બેડમિન્ટનના નાડપારખુ હાલમાં ફ્રિલાન્સ કોચિંગ હેઠળ દેશમાં આવેલી આ રમતની એકેડેમીઓ ને કોચિંગ પ્રોગ્રામ,વ્યક્તિગત ખેલાડી માટેની કોચિંગની વ્યૂહરચના, માતા-પિતાની રમતવીર સંતાનો પાસે ની અપેક્ષાઓને કેવી રીતે હેન્ડલ કરવી તેનું માર્ગદર્શન આપી રહ્યાં છે.

બેડમિન્ટન હોય કે અન્ય કોઈ રમત હોય રાતોરાત સિદ્ધિ મળવાની શક્યતા જૂજ હોય છે એવી લાગણી વ્યક્ત કરતાં શિમ્પીએ જણાવ્યું હતું કે, રમત એ ધીરજ માંગી લેતું ક્ષેત્ર છે. એટલે માતા-પિતાએ રમત રુચિ ધરાવતા સંતાનને ધીરજ રાખીને સતત લાંબાગાળા સુધી પ્રોત્સાહન આપવું જોઈએ.

ગુજરાત પાસે અને દેશ પાસે ખૂબ જૂના અને વિવિધ સિદ્ધિઓ મેળવી તાજેતરમાં સક્રિય રમત છોડી હોય એવા બેડમિન્ટનના ઘણાં ખેલાડીઓ છે. હર્ષલ શિમ્પિએ જણાવ્યું હતું નવા ખેલાડીઓના ઘડતર માટે તાજેતરમાં એટલે કે recent past માં નિવૃત્ત થયાં હોય એવા ખેલાડીઓ ના અનુભવ અને નિપુણતાનો વધુ ઉપયોગ કરવો જોઈએ.આ ખેલાડીઓ તાજેતરના અને ઉભરતા રમત પર્યાવરણ અને આ રમતની વૈશ્વિક પરિસ્થિતિ થી વધુ વાકેફ હોય છે એટલે સફળ રમતવીરો ના ઘડતરમાં તેઓ બહેતર યોગદાન આપી શકે છે.

બેડમિન્ટન ના સંદર્ભમાં તેમણે જણાવ્યું કે,ગુજરાતમાં રાજ્ય સરકારે ખૂબ સારી કહી શકાય તેવી રમત સુવિધાઓ વિકસાવી છે.રાજ્યમાં ઘણી ખાનગી એકેડેમીઓ પણ પ્રશિક્ષણ આપી રહી છે.સારા અને ઘડાયેલા કોચિસ્ પણ ઉપલબ્ધ છે.ત્યારે આ તમામ સુવિધાઓનો વધુ સારો વિનિયોગ કરીને ખેલાડીઓ નું વધુ બહેતર ઘડતર કરવામાં આવશે તો ખૂબ સારા પરિણામો મળશે. તેમણે જણાવ્યું કે હવે દેશના ઘણાં બધાં રાજ્યો રમત પ્રત્યે જાગૃત થયાં છે,સુવિધાઓ વિકસાવી છે એ સારી નિશાની છે.

તેમણે ખૂબ સૂચક વાત કીધી કે દરેક વ્યક્તિએ યોગ્ય સમયે નિવૃત્તિ લેવાની પરખ કેળવવી જોઈએ અને નવા લોકોને તક આપવી જોઈએ.હા,મૂંઝવણ સર્જાય ત્યારે માર્ગદર્શન આપવું જોઈએ પણ પોતાની જાતને થોપવી ના જોઈએ.

પહેલાં ની સરખામણીમાં હવે વધુ સ્પર્ધાઓ યોજાય છે તેનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે તેના લીધે નવા ખેલાડીઓને સારો અનુભવ મેળવવાની સરળતા થઈ છે. તેમણે સફળતા માટે ઝઝૂમતા ખેલાડીઓ ને સંદેશ આપતાં જણાવ્યું કે,શક્ય તેટલા વધુ સ્થળે જાવ,શક્ય તેટલી વધુ મેચો રમો,આ અનુભવ તમારી રમત ને સુધારશે અને સફળ થવાની તકો વધારશે.

ઉપરોક્ત રાજ્ય કક્ષાની બેડમિન્ટન સ્પર્ધા બરોડા બેડમિન્ટન એસોસિએશનના યજમાન પદે રમાઈ રહી છે જેની સમગ્ર વ્યવસ્થાનું સંકલન સંસ્થાના સચિવ એસ.સી.દેસાઈ કરી રહ્યાં છે જ્યારે રાષ્ટ્રીય કક્ષાના રેફરી બી.આર.શાહ ના નિરીક્ષણ હેઠળ તે રમાઈ રહી છે તેમ એસ.એ.જી.,વડોદરાના સિનિયર કોચ જયેશ ભાલાવાલા જણાવે છે.

અન્ય સમાચારો પણ છે...