‘કદમ અસ્થિર છે જેના તેને રસ્તો નથી જડતો, અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો’ આ પંક્તિને સાર્થક કરતાં શહેરના 63 વર્ષિય વૃદ્ધ બચેન્દ્રી પાલ સાથે હિમાલયન બોર્ડરનું 5000 કિમીનું એક્સપેડિશન ‘ટ્રાન્સ @ 50’ કરવા જઇ રહ્યાં છે. શહેરના ગંગોત્રી સોનેજી દિલ્હી ખાતેથી 8મી માર્ચે એક્સપેડિશન માટે રવાના થનાર છે. તેઓ તેમની યાત્રા બર્માથી શરૂ કરી આસામ, સિક્કીમ, નેપાળ, ગઢવાલ, કુમાઉ થઇ લદાખ સુધી જઇ આખો હિમાલય ક્રોસ કરશે.
ગંગોત્રી સોનેજીએ જણાવ્યું હતું કે, 60 વર્ષની ઉંમરે પણ તમે ચેલેન્જ લઇ શકો છો તેવું પુરવાર કરવા માટે અમે આ એક્સપેડિશન કરી રહ્યાં છીએ.નોંધનીય છે કે, ગંગોત્રી સોનેજી આ પૂર્વે હિમાલયની 24 હજાર ફૂટ ઊંચે સ્થિત ભારતીય પાંચમી હાઇએસ્ટ પિક ટામેટ પણ સર કરી ચૂક્યાં છે. જ્યારે જીવનના આ પડાવ સુધીમાં કુલ 15 એક્સપેડિશન પૂરા કરી ચૂક્યાં છે. જ્યારે 2012ના વર્ષમાં તેઓએ કલકત્તાથી કન્યાકુમારી સુધીનું 3500 કિમીનું સાઇકલિંગ પણ કર્યું છે. ઉપરાંત તેઓ રેસ્ક્યુ, સ્નો સ્કિઇંગ, રોક ક્લાઇમ્બિંગ જેવી વિવિધ એડવેન્ચર પ્રવૃત્તિમાં પણ ઊંડો અનુભવ ધરાવે છે.
કાનમાં ઇન્ફેક્શન થવાથી નેશનલ સ્વિમિંગ છૂટ્યું
1979માં ગંગોત્રી સોનેજી નેશનલ સ્વિમર હતાં. સ્વિમિંગમાં ઉત્કૃષ્ટ ઉપલબ્ધિઓ હોવા છતાં તેમને કાનમાં ઇન્ફેક્શન થવાને કારણે તબીબોએ તેમને સ્વિમિંગ છોડાવ્યું હતું. પરંતુ કંઇક કરી છુટવાનું મક્કમ મનોબળ હતું. જેથી તેમણે પર્વતારોહણની તાલીમ લઇ તેમાં પદાર્પણ શરૂ કર્યું. અત્યારસુધીમાં તેઓ 15થી વધુ મોટા પર્વતારોહણ કરી ચૂક્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.