બાળસિંહોની પાપા પગલી:કેવડિયાની જંગલ સફારીમાં 3 મહિના પહેલાં જન્મેલા બાળસિંહ સિમ્બા અને રેવા પીંજરામાં પહેલીવાર ટહેલવા નીકળ્યા

વડોદરાએક મહિનો પહેલા
  • સ્ટેચ્યૂ ઓફ યુનિટી સત્તામંડળના ચેરમેન ડૉ. રાજીવકુમાર ગુપ્તાએ ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી

એશિયાઇ સિંહ આમ તો ગીરના જંગલના કુદરતી પ્રસૂતિગૃહમાં જન્મે, પરંતુ હવે એકતાનગર કેવડિયાની જંગલ સફારીએ પણ સિંહના પ્રસૂતિગૃહનો માનભર્યો દરજ્જો મેળવી લીધો છે.સિંહ યુગલ સુલેહ અને શ્રદ્ધાએ આ માનવરચિત મિની જંગલમાં સફળ સંવનન અને પ્રજનન દ્વારા ત્રણ મહિના અગાઉ બે બાળસિંહને જન્મ આપ્યો હતો. હવે આ બંને બાળસિંહે પહેલીવાર પીંજરાના ઘરમાં પાપા પગલી માંડતાં વધુ એકવાર હરખની હેલી ચઢી છે.

તબીબી ટીમે બાળસિંહોની કાળજી લીધી
એકતાનગર સ્થિત સરદાર પટેલ ઝુઓલોજિકલ પાર્ક (જંગલ સફારી)માં 3 મહિના પહેલાં માદા સિંહ "શ્રદ્ધા"એ 2 બચ્ચાંને જન્મ આપ્યો હતો. પ્રવાસીઓથી બારે માસ ધમધમતા જંગલ સફારીમાં બાળસિંહોના જન્મના હરખનાં વધામણાં કરાયાં હતાં. સિંહ યુગલ "સુલેહ" અને "શ્રદ્ધા" ના સફળ પ્રજનન બાદ જન્મેલા બંને બાળસિંહની યોગ્ય કાળજી એનિમલ કીપર અને તબીબોની નિષ્ણાત ટીમ દ્વારા લેવામાં આવતી હતી, જેનું ઉમદા પરિણામ મળ્યું છે.

માદા સિંહ "શ્રદ્ધા"એ 2 બચ્ચાઓને જન્મ આપ્યો હતો.
માદા સિંહ "શ્રદ્ધા"એ 2 બચ્ચાઓને જન્મ આપ્યો હતો.

'સિમ્બા અને રેવા'ને વિશાળ પીંજરામાં છોડ્યા
આજે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની માર્ગદર્શિકા પ્રમાણે, બંને બાળસિંહ સિમ્બા અને રેવાને વિશાળ પીંજરામાં છોડવામાં આવ્યા હતા. બંને નટખટ અને માસૂમ સિંહબાળના છટાદાર વિચરણ - સહેલગાહથી પીંજરા સહિત સમગ્ર જંગલ સફારીનું વાતાવરણ જીવંત બન્યું હતું. જંગલ સફારીના પ્રત્યેક કર્મયોગીઓ હંમેશાં પશુ-પક્ષીઓ પ્રત્યે સંપૂર્ણ વાત્સલ્ય ભાવ, ચાહના અને ઉષ્માપૂર્ણ વ્યવહાર રાખે છે. આજે બંને સિંહબાળને પીંજરામાં છોડાતાં એનિમલ કીપર સહિતના સ્ટાફના ચહેરા ખુશી જોવા મળી હતી.

બંને બાળસિંહોએ પહેલીવાર પીંજરાના ઘરમાં પાપા પગલી માંડતાં વધુ એકવાર હરખની હેલી ચઢી છે.
બંને બાળસિંહોએ પહેલીવાર પીંજરાના ઘરમાં પાપા પગલી માંડતાં વધુ એકવાર હરખની હેલી ચઢી છે.

બાળસિંહોની મસ્તી જોઈ ખુશી થઈ
અમદાવાદથી સહપરિવાર પ્રવાસે આવેલા મનદીપભાઈએ સિંહબાળની મસ્તી નિહાળી હતી અને જણાવ્યું હતું કે નાના સિંહબાળને બહાર ખુલ્લામાં જોવાનો અમને મોકો મળ્યો છે. નિર્દોષ બાળસિંહોની મસ્તી જોઈને પરિવારજનોનો અને મારો એકતાનગરનો ફેરો સફળ રહ્યો છે.

પ્રવાસીઓએ સિંહબાળની મસ્તી નિહાળી હતી.
પ્રવાસીઓએ સિંહબાળની મસ્તી નિહાળી હતી.
બાળસિંહ સિમ્બા અને રેવા પીંજરામાં પહેલીવાર ટહેલવા નીકળ્યા.
બાળસિંહ સિમ્બા અને રેવા પીંજરામાં પહેલીવાર ટહેલવા નીકળ્યા.
અન્ય સમાચારો પણ છે...