યાત્રી કૃપયા ધ્યાન દે:દિલ્હી જતી અગસ્ત ક્રાંતિ ટ્રેન 3 દિવસ લેટ, 3600 યાત્રી હેરાન

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુરુવારે ટ્રેન 3 કલાક મોડી પડી
  • 2 વાર પશુ અડફેટે આવ્યા, ત્રીજીવાર પેન્ટોગ્રાફ બગડ્યો

મુંબઇથી દિલ્હી તરફ જતી તેજસ અગસ્ત ક્રાંતિ રાજધાની એકસપ્રેસ સતત 3 દિવસથી મોડી પડતાં 3600 મુસાફરો પરેશાન થયા હતા. શનિવારે સવારે દિલ્હીથી મુંબઇ જતી અગસ્તક્રાંતિ એકસપ્રેસ પણ વડોદરા વીસ મિનીટ મોડી પડી હતી. જો કે વડોદરા રેલવેએ જણાવ્યું કે ‘અન્ય ડિવિઝનમાં ટેકનીકલ ખામીને કારણે ટ્રેન મોડી પડી હતી. ગુરુવારે અગસ્ત ક્રાંતિ એકસપ્રેસ ત્રણ કલાક કરતાં વધુ મોડી વડોદરા રેલવે સ્ટેશન ખાતે પહોંચી હતી.

રેલવે સૂત્રો મુજબ‌‌ ‘જૂન માસમાં 1થી 4 તારીખ સુધી અગસ્તક્રાંતિ એકસપ્રેસ મોડી પડી હતી. 1 જૂનના રોજ મુંબઇ ડિવિઝનમાં ટ્રેનની અડફેટે પશુ આવી જતાં ટ્રેન વડોદરા ખાતે રાત્રે નિયત સમય 21.39ના બદલે 22.18 વાગે પહોંચી હતી. જયારે બીજી જૂને મુંબઇ ડિવિઝનમાં વલસાડ પાસે ભેંસ આવી જતાં એન્જિનમાં ખામી સર્જાઈ હતી. માટે વડોદરા ખાતે 3થી વધુ કલાક મોડી પહોંચી હતી. શનિવારે વહેલી સવારે કોટા પાસે દિલ્હીથી મુંબઇ તરફ આવતી અગસ્તક્રાંતિ ટ્રેનના એન્જીનનો પેન્ટોગ્રાફ બગડી જતાં 20 મિનીટ મોડી પહોંચી હતી.

ટ્રેન મોડી પડતાં યાત્રીને વળતર કેમ નહીં
અગસ્તક્રાંતિમાં વડોદરાથી મુંબઇનું ફર્સ્ટ એસીનું ભાડું રૂ.2060 અને થ્રી-ટાઈર એસીનું ભાડું રૂ.965 છે. તેજસ ટ્રેન મોડી પડે તો યાત્રીઓને વળતર અપાય છે. - ઓમકારનાથ તિવારી, સભ્ય, ડીઆરયુસીસી, વડોદરા

વડોદરા ડિવિઝનમાં ટ્રેનો મોડી પડી નથી
અન્ય રેલવે ડિવિઝનોમાં ટેકનીકલ ખામીના કારણે ટ્રેન મોડી પડતાં વડોદરા રેલવે ડિવિઝનમાં ટ્રેન મોડી પહોંચી હતી પણ વડોદરા ડિવિઝનમાં આ ટ્રેન મોડી પડી નથી. - પ્રદિપ શર્મા, પીઆરઓ, વડોદરા

અન્ય સમાચારો પણ છે...