પતંગોની હરાજીમાં લોકોનું ઘોડાપૂર:વડોદરામાં ઉત્તરાયણના પૂર્વ દિવસે પતંગ બજારમાં પતંગોની હરાજી, સસ્તામાં પતંગો ખરીદવા પતંગ રસીયાઓ ઉમટ્યા, ટ્રાફિક વ્યવહાર અસ્તવ્યસ્ત

વડોદરા20 દિવસ પહેલા
વડોદરાના પતંગ બજારમાં યોજાતી હરાજીમાં ભાગ લેવા માટે લોકો ઉમટ્યા

બાળકોથી અબાલવૃધ્ધોના પ્રિય ઉત્તરાયણના પૂર્વ દિવસે વડોદરાના પતંગ-દોરી બજારમાં ધૂમ ખરીદી નીકળી હતી. નમતી બપોર બાદ પતંગ બજારોમાં પતંગો ખરીદવા માટે હજારોની સંખ્યામાં પતંગ રસીયાઓ ઉમટી પડ્યા હતા. ખાસ કરીને પતંગોના મુખ્ય બજાર મનાતા માંડવી-ગેડીંગેટ રોડ ઉપર માનવ કીડીયારું ઉભરાયું હતું. આ ઉપરાંત શહેરના સંગમ ચાર રસ્તા, રાવપુરા રોડ, રાજમહેલ રોડ, જુના પાદરા રોડ સહિતના વિસ્તારોમાં પતંગોની ખરીદી માટે લોકો ઉમટી પડ્યા હતા. વડોદરાના માંડવી-ગેંડીગેટ રોડ ઉપર આવેલા પતંગ બજારમાં પ્રતિવર્ષની જેમ પતંગોની હરાજી થઇ હતી.

પોલીસ દ્વારા ચાર દરવાજા સીલ કરાયા
ઉત્તરાયણના પૂર્વ દિવસે સવારથીજ પતંગ અને દોરા બજારમાં પતંગ રસીયાઓ પતંગ, દોરી, પીપુડા, ટોપી, ગોગલ્સ, ગુંદર પટ્ટી જેવી વિવિધ ચિજવસ્તુઓની ખરીદી માટે પહોંચી ગયા હતા. જેમ દિવસ પસાર થતો હતો તેમ બજારોમાં પતંગ રસીયાઓનો ધસારો વધવાનું શરૂ થઇ ગયું હતું. નમતી બપોર બાદ શહેરના ખૂણાખૂણામાંથી પતંગ રસીયાઓ પતંગ-દોરી બજારમાં આવી પહોંચ્યા હતા. પતંગોના મુખ્ય બજાર મનાતા માંડવી-ગેંડીગેટ રોડ પતંગ રસીયાઓની આવવાની શરૂઆત થતાં, પોલીસ તંત્ર દ્વારા ન્યાય મંદિરથી માંડવી, ચાંપાનેર દરવાજાથી માંડવી, પાણીગેટ દરવાજાથી માંડવી અને ગેડીંગેટ દરવાજાથી માંડવી તરફના રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરી દીધા હતા. અને ટ્રાફિકને અન્ય માર્ગો ઉપર ડાયવર્ટ કર્યો હતો.

માંડવી-ગેડીંગેટ રોડ ઉપર માનવપૂર આવ્યું
માંડવી-ગેડીંગેટ રોડ ઉપર માનવપૂર આવ્યું

સમી સાંજથી લોકોનો ધસારો
સાંજ થતાંજ માનવપૂર આવ્યું હોય તેમ લોકો ચાર દરવાજા વિસ્તારમાં લોકો પતંગો સહિત વિવિધ ચિજવસ્તુઓ ખરીદવા માટે ઉમટી પડ્યા હતા. ચાર દરવાજા વિસ્તારના માર્ગો ઉપર પણ પથારાવાળા વિવિધ ચિજવસ્તુઓનું વેચાણ કરવા માટે બેસી ગયા હતા. તો પતંગોના વેપારીઓએ પણ પથારા જમાવી દીધા હતા. મોડી સાંજથી પતંગ બજારના વેપારીઓએ પતંગોના ભાવમાં ઘટાડો કરી હરાજી શરૂ કરી દીધી હતી. સવાર સુધી 100 રૂપિયા કોડી પતંગોના ભાવ 60 થી 75 રૂપિયા કરી દીધા હતા.

ચાર દરવાજા વિસ્તારમાં લોકો પતંગ ખરીદવા માટે ઉમટી પડ્યા
ચાર દરવાજા વિસ્તારમાં લોકો પતંગ ખરીદવા માટે ઉમટી પડ્યા

ચાર દરવાજાની બહારના વિસ્તારોમાં ટ્રાફિક જામ
કેટલાંક વેપારીઓ દ્વારા જુની પતંગો પણ હરાજીમાં વેચવાનું શરૂ કરી દીધું હતું. પતંગોની હરાજીમાં શહેરના ખૂણેખૂણામાંથી લોકો ઉમટી પડતાં લોકોને ચાલવું મુશ્કેલ થઇ ગયું હતું. ચાર દરવાજા વિસ્તાર પીપુડાઓ અવાજ, પતંગ રસીયાઓની ચિચીયારીઓ અને પતંગના વેપારીઓની પતંગો વેચવા માટેની બુમરાણોથી ગુંજી ઉઠ્યો હતો. ઉત્તરાયણના પૂર્વ દિવસે વર્ષોથી હરાજી થતી હોઇ, પોલીસ તંત્ર દ્વારા માંડવી તરફ આવતા તમામ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરી દેતા ચાર દરવાજા વિસ્તારની આસપાસના તમામ રસ્તાઓ ઉપર ટ્રાફિક જામ થઇ ગયો હતો. લોકોને ઘરે પહોંચવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

પતંગોનું વેચાણ થતાં વેપારીઓ ખૂશ
આજે સવારથી પતંગ બજારમાં શરૂ થયેલી ભીડને જોઇ વેપારીઓ પણ ખૂશખુશાલ થઇ ગયા હતા. ગઇકાલ સુધી વેપારીઓમાં પતંગોનું વેચાણ થશે નહિં તેવો ડર હતો. પરંતુ, આજે પતંગ બજારમાં નીકળેલી ધૂમ ખરીદીથી વેપારીઓ ખૂશ થઇ ગયા હતા. મોડી રાત સુધી ચાલનારી પતંગોની હરાજીમાં મોટાભાગના વેપારીઓએ પતંગો વેચાઇ જશે તેવી આશા વ્યક્ત કરી હતી. પતંગોની સાથો-સાથ લોકોએ ઉત્તરાયણ પર્વના ઉત્સાહમાં વધારો કરતી અન્ય ચિજવસ્તુઓની પણ ધૂમ ખરીદી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...