એજ્યુકેશન:કોમર્સમાં 150, સાયન્સમાં માત્ર 50 વિદ્યાર્થીની હાજરી

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • MSUમાં ઓફલાઇન શિક્ષણ હજુ પણ ‘ઓફ’
  • આર્ટસ ફેકલ્ટીમાં હજુ વિદ્યાર્થી આવતા નથી

એમ.એસ.યુનિ.માં ઓફલાઇન શિક્ષણ શરૂ થયા પછી વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થતો નથી. કોમર્સ ફેકલ્ટીમાં 150 જેટલા વિદ્યાર્થીઓ, આર્ટસ ફેકલ્ટીમાં હજુ પણ વિદ્યાર્થીઓ આવી રહ્યા નથી જયારે સાયન્સ ફેકલ્ટીમાં 50 થી 60 વિદ્યાર્થીઓ જ ઓફલાઇન શિક્ષણ માટે આવી રહ્યા છે.

એમ.એસ.યુનિ.માં ઓફલાઇન શિક્ષણ શરૂ થયાના ત્રણ સપ્તાહ પછી પણ વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી રહી છે. રાજય સરકારે ઓફલાઇનની સાથે ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખવાની સૂચનાઓ આપી છે. વિદ્યાર્થીઓને ઘર બેઠા ઓનલાઇન લેકચર મળતું હોવાથી પણ વિદ્યાર્થીઓ ઓફલાઇન શિક્ષણ લેવા માટે કોલેજ આવી રહ્યા નથી. યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં 50 ટકા હાજરી પણ થઇ રહી નથી.

કોમર્સ ફેકલ્ટીમાં એવરેજ 150 થી 200 વિદ્યાર્થી જ અભ્યાસ માટે આવે છે. જેમાં મેઇન બિલ્ડિંગમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ આવે છે. યુનિટ અને ગર્લ્સ બિલ્ડિંગ પર ઓછી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવી રહ્યા છે. બીજી તરફ આર્ટસ ફેકલ્ટીમાં હાજરી દેખાતી નથી. સાયન્સ ફેકલ્ટીમાં પણ વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી રહી છે. માત્ર પ્રેકટીકલના ઉદ્દેશથી જ 50 થી 60 વિદ્યાર્થી આવી રહ્યા છે.

ઓફલાઇન માટે પ્રોત્સાહન
વધારે સંખ્યામાં વિદ્યાર્થીઓ ઓફલાઇન અભ્યાસ કરવા માટે આવે તે માટે શિક્ષકો તેમને ઓનલાઇન ક્લાસમાં પ્રોત્સાહિત કરી રહ્યા છે. ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ટ એસોસિયેશન સાથે પણ બેઠક કરવાની વિચારણા ચાલી રહી છે. > કેતન ઉપાધ્યાય, ડીન, કોમર્સ ફેકલ્ટી

ધો. 9 થી 12 માં પણ માંડ 20% વિદ્યાર્થીની હાજરી
ધોરણ 9 થી 12 માં માંડ 20 ટકા વિદ્યાર્થીઓ સ્કૂલોમાં આવી રહ્યા છે. ધોરણ 12 માં સાયન્સમાં પ્રેક્ટિકલ હોવાના કારણે 25 ટકા જેટલી હાજરી થઇ રહી છે જોકે સ્કૂલોમાં તો માત્ર 20 ટકા વિદ્યાર્થીઓ આવી રહ્યા છે. સરકાર ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કરવા માટે તૈયારી કરી છે પરંતુ વાલીઓ તેમના સંતાનોને સ્કૂલે મોકલવા તૈયાર નથી. જેને લઇને વર્ગોમાં પાંખી હાજરી રહે છે.

અન્ય સમાચારો પણ છે...