‘કાનજીની લીલા’:વડોદરા હાઈ પ્રોફાઇલ દુષ્કર્મ કેસમાં હાર્મની હોટલના માલિક કાનજી મોકરિયાએ પીડિતા સાથે સમાધાનના પ્રયાસો કર્યા, રાજુને ભગાડ્યો

વડોદરા2 મહિનો પહેલા
આરોપી કાનજી મોકરિયાની તસવીર
  • હોટલ હાર્મનીના માલિક કાનજી મોકરિયાની ધરપકડ બાદ વટાણા વેરી દીધા
  • રાજુ ભટ્ટ અને પીડિતાની મુલાકાત કાનજી મોકરિયાએ હોટલ હાર્મનીમાં જ કરાવી હતી

ગોત્રી દુષ્કર્મ કેસમાં પકડાયેલા સયાજીગંજના હોટલ હાર્મનીના માલિક કાનજી મોકરિયાને દુષ્કર્મની જાણ હોવા છતાં તેમણે પીડિતા અને રાજુ ભટ્ટ વચ્ચે સમાધાન કરાવવાના પ્રયાસો કર્યા હતા અને રાજુ ભટ્ટને શહેરની બહાર લઇ જઇ ભગાડી મુકયો હતો. રાજુ ભટ્ટ અને પિડીતાને તેણે જ હોટલ હાર્મનીમાં પહેલી મુલાકાત કરાવી હતી. આરોપી રાજુ ભટ્ટને મદદગારી કરવામાં કાનજીની ભૂડી ભૂમિકા જણાઇ આવતાં પોલીસે સોમવારે રાત્રે અટકાયત કરી રિમાન્ડ મેળવવાની તજવીજ કરી હતી.

પોલીસે પીડિતાના નિવેદન આધારે કાર્યવાહી કરી
ક્રાઈમ બ્રાન્ચે સોમવારે મોડી સાંજે સયાજીગંજની હાર્મની હોટલના માલિક કાનજી અરજણભાઈ મોકરિયા (અલકાપુરી સોસાયટી)ની અટકાયત કરી હતી. બે દિવસથી પોલીસે કાનજી મોકરીયાની પૂછપરછ કરવાની સાથે તેની પિડીતા સાથે ઓળખાણ કરાવનાર પ્રણવ શુકલની પુછપરછ કરી હતી. પિડીતાના નિવેદનના આધારે પોલીસે ક્રોસ વેરીફિકેશન કરતાં કાનજી મોકરિયા શરૂઆતથી છેવટ સુધી આરોપી રાજુ ભટ્ટ સાથે સંપર્કમાં હોવાનો ખુલાસો થયો હતો.

પીડિતાને આર્થિક સહાય કરતો હોવાનો ખુલાસો
તપાસ સાથે સંકળાયેલા ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, કાનજી મોકરિયાની ઉલટ તપાસમાં બહાર આવ્યું કે પ્રણવ શુકલે ઓળખાણ કરાવ્યા બાદ કાનજી મોકરિયાએ પિડીતાને પોતાની હાર્મની હોટલમાં રોકાવાની વ્યવસ્થા કરી હતી. તેને જરૂરી આર્થિક સહિતની તમામ મદદ પુરી પાડતો હતો. તે અવાર નવાર પિડીતાના નિસર્ગ કોમ્પલેક્ષના ફ્લેટમાં પણ ગયો હતો. છ માસ પહેલાં પિડીતાના માતા પિતા વડોદરા આવ્યા ત્યારે તે પિડીતાની સાથે તેમને મળ્યો હતો અને તે વખતે પણ તમામ વ્યવસ્થા કરી આપી હતી.

પીડિતા સાથે સમાધાનના પ્રયાસ કર્યા હતા
રાજુ ભટ્ટને પણ પોતાની હોટલ પર બોલાવી કાનજી મોકરિયાએ પીડિતા સાથે મુલાકાત કરાવી હતી. ત્યારબાદ રાજુ ભટ્ટ અને પિડીતાની મિત્રતા થતાં પરિચય ગાઢ બન્યો હતો. પિડીતા સાથે રાજુ ભટ્ટે દુષ્કર્મ કર્યું છે તેની કાનજીને જાણ હતી પણ તેણે પિડીતાને મદદ કરવાના બદલે પિડીતાને સમાધાન કરાવવાના પ્રયાસો કર્યા હતા. ગોત્રી પોલીસમાં રાજુ ભટ્ટ સામે દુષ્કર્મનો કેસ નોંધાયા બાદ તેણે રાજુ ભટ્ટ સાથે મિટીંગ કરી હતી અને તેને ભાગી જવામાં મદદ કરી તેને અમદાવાદ તરફ ભગાડી દીધો હતો.

રાજુ ભટ્ટનો 58,647નો મિલક્ત વેરો બાકી
બહુચર્ચિત દુષ્કર્મના કેસમાં સંડોવાયેલા રાજુ ભટ્ટ ઉર્ફે હેમંત ભટ્ટ ના નામે પાલિકાના ચોપડે નોંધાયેલી મિલ્કતનો રૂ. 58647 નો વેરો ભર્યો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે,દુષ્કર્મના કેસમાં સંડોવાયેલા હેમંત ભટ્ટ ના નામેં નિઝામપુરા ની મિલન પાર્ક સોસાયટીનું મકાન નંબર બે નોંધાયેલું છે.સેન્સસ ન.0705575000001020 થી પાલિકાના ચોપડે આ મિલકતો નોંધાયેલી છે અને ઉત્તર ઝોનમાંથી તેનો વેરા બિલ ઇસ્યુ કરવામાં આવે છે.વર્ષ 2018 બાદ રાજુ ભટ્ટે પાલિકાનો મિલકત વેરો ભરવાની તસ્દી લીધી નથી.

પોલીસ કમિશનરે જાતે જ મોરચો સંભાળ્યો
રાજુ ભટ્ટ અમદાવાદ થઇને ગાંધીધામ તરફ ભાગ્યો હોવાનું ચોકકસ ઇનપુટ પોલીસને મળતાં પોલીસ કમિશનર ડો.શમશેરસિંઘ સોમવારે રાત્રે 10 વાગે ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે પહોંચ્યા હતા અને જાતે જ મોરચો સંભાળી લીધો હતો. તેમણે ત્રણ કલાક સુધી ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મિટીંગ કરી રાજુ ભટ્ટ જુનાગઢ તરફ પહોંચ્યો હોવાનું જણાતા તે દિશામાં પ્લાનિંગ કર્યું હતું. આ ઉપરાંત કેસ સાથે સંકળાયેલા તમામ લોકોના નિવેદનો અને કાનજી મોકરિયાની ભુમિકાની માહિતી મેળવી હતી અને તપાસ બાબતે અધિકારીઓને સુચના આપી હતી. પોલીસ કમિશનર રાત્રે 2 વાગ્યા સુધી ક્રાઇમ બ્રાન્ચમાં રોકાયા હતા.

અશોક જૈનની કારની FSL દ્વારા તપાસ
મંગળવારે સાંજે 4 વાગે એફએસએલની ટીમ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે પહોંચી હતી અને અશોક જૈનની મર્સીડીઝ સહિતની 3 કારની વૈજ્ઞાનિક ઢબે તપાસ કરીને કારમાંથી તપાસને લગતાં સાંયોગિક પુરાવા એકત્ર કર્યા હતા.

આજે અશોક જૈનના આગોતરાની સુનાવણી
ધરપકડથી બચવા માટે આરોપી અશોક જૈને સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી જેની સુનાવણી આવતીકાલે 29 તારીખે બુધવારે યોજાશે. જેમાં તપાસ અધિકારી આગોતરા જામીનનો વિરોધ કરતું સોગંદનામું રજુ કરશે.

અન્ય સમાચારો પણ છે...