• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Attempts By 10 Transgender People To Set In The First Garima Griha In Vadodara, Earning Rs 1 Lakh A Year By Working In 3 Transgender Petrol Pumps

આજની પોઝિટિવ સ્ટોરી:વડોદરામાં દેશના સૌપ્રથમ ગરિમા ગૃહમાં 10 ટ્રાન્સજેન્ડરનો પગભર થવાનો પ્રયાસ, 3 ટ્રાન્સજેન્ડર પેટ્રોલ પંપમાં નોકરી કરી વર્ષે લાખ રૂપિયા કમાય છે

વડોદરા2 મહિનો પહેલાલેખક: જીતુ પંડ્યા
ટ્રાન્સજેન્ડર સમાજમાં સન્માન સાથે પગભર બનીને રહી શકે એ માટે ગરિમા ગૃહ શરૂ કરવામાં આવ્યું છે.
  • વડોદરામાં શરૂ થયેલા દેશના પ્રથમ ગરીમા ગૃહમાં હાલ 10 ટ્રાન્સજેન્ડર રહે છે
  • ગરિમા ગૃહમાં રહેતા 3 ટ્રાન્સજેન્ડર વડોદરા નજીક પેટ્રોલ પંપ પર નોકરી કરી રહ્યા છે
  • સરકાર ટ્રાન્સજેન્ડરોને સરકારી નોકરી આપીને પગભર બનાવે એવી માગ ઊઠી

ચાર ભાઇ-બહેનમાં મારો જન્મ ભલે છોકરાનો થયો હતો, પરંતુ બાળપણથી હું છોકરી જેવું વર્તન કરતી આવી છું, જે મારા પરિવારને પસંદ ન હતું. મારો પરિવાર મને છોકરા તરીકે ઉછેર કરવા માગતો હતો, પરંતુ બાળપણમાં હું કાર રમવાને બદલે ઢીંગલી સાથે રમતો હતો. ઘરમાં છુપાઇને મારી બહેનોનાં કપડાં પહેરતો હતો. અનેક વખત પરિવારનો માર પણ ખાધો છે. મોટા થતાં મને ખબર પડી કે હું ટ્રાન્સજેન્ડર છું. બસ, એ દિવસથી નક્કી કરી લીધું હતું કે હું ઉચ્ચ અભ્યાસ કરીને મારી આગવી ઓળખ ઊભી કરીશ. મારે ડોક્ટર બનીને ટ્રાન્સજેન્ડર સહિત સમાજની સેવા કરવી હતી, પરંતુ આર્થિક સ્થિતિના કારણે ડોક્ટરનો અભ્યાસ કરવાને બદલે મેં B.sc. બોટની કર્યું છે, જેથી મારું ડોક્ટર બનવાનું સ્વપ્ન પૂરું કરી શક્યો નહિ. હજુ મારી વધુ અભ્યાસ કરવાની ઇચ્છા છે, એમ બિહારના વતની અને ટ્રાન્સજેન્ડર સોની સિંગે જણાવ્યું હતું. દેશના પ્રથમ ગરિમા ગૃહના પ્રોત્સાહનથી નોકરી કરીને વર્ષે લાખ રૂપિયાની કમાણી પણ ઊભી કરી છે.

ત્રણ ટ્રાન્સજેન્ડર વડોદરા નજીક પેટ્રોલ પંપ ઉપર નોકરી કરી રહી છે
ત્રણ ટ્રાન્સજેન્ડર વડોદરા નજીક પેટ્રોલ પંપ ઉપર નોકરી કરી રહી છે

3 ટ્રાન્સજેન્ડર પેટ્રોલ પંપ ઉપર નોકરી કરે છે
ભારત સરકાર દ્વારા ટ્રાન્સજેન્ડર માટે શરૂ કરેલા ગરીમા ગૃહ યોજનામાં દેશનું પ્રથમ ગરીમા ગૃહ લક્ષ્ય ટ્રસ્ટના પ્રમુખ રાજપીપળાના યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલે વડોદરાના મુજમહુડા ખાતે શિલાલેખ કોમ્પ્લેક્ષમાં શરૂ કર્યું છે. આ ગરીમા ગૃહમાં બિહારની સોની સીંગ, વડોદરાની પાર્વતી, સુરતની શિવાની સહિત 10 ટ્રાન્સજેન્ડર રહે છે અને લક્ષ્ય ટ્રસ્ટના સહયોગથી નર્સિંગ અને નર્સિંગ કેરટેકર જેવા વિવિધ પ્રકારના કોર્સ કરી રહી છે. જ્યારે ત્રણ ટ્રાન્સજેન્ડર વડોદરા નજીક પેટ્રોલ પંપ ઉપર નોકરી કરી રહી છે.

ટ્રાન્સજેન્ડરને કરિયરમાં અનેક યાતનાઓ ભોગવવી પડતી હોય છે.
ટ્રાન્સજેન્ડરને કરિયરમાં અનેક યાતનાઓ ભોગવવી પડતી હોય છે.

અમારા ટ્રાન્સજેન્ડરના પણ મોટા સ્વપ્ન છે
કોમર્સમાં ગ્રેજ્યુએટ થયેલી વડોદરાની પાર્વતીએ જણાવ્યું હતું કે, અમારા ટ્રાન્સજેન્ડરના પણ મોટા સ્વપ્ન છે. પરંતુ, હજુ પરિવાર અને સમાજ અમને સ્વીકારવા તૈયાર નથી. હું જીવનમાં કંઇક કરવા માંગુ છું. હાલ હું ગરીમા ગૃહમાં રહું છું અને લક્ષ્ય ટ્રસ્ટના સહયોગથી નર્સિંગ કેરટેકરનો કોર્સ કરી રહી છું. કોર્સ પૂરો કર્યા બાદ અમને નોકરી મળી જાયે તેવા પ્રયાસો પણ સંસ્થા દ્વારા કરવામાં આવનાર છે, ત્યારે વડોદરાની જેમ દેશના તમામ શહેરોમાં ટ્રાન્સજેન્ડર માટે ગરીમા ગૃહો બને તેવી આશા રાખું છું. મેં મારા અત્યાર સુધીના કેરીયરમાં ટ્રાન્સજેન્ડર હોવાના કારણે અનેક યાતનાઓ ભોગવી છે. હાલમાં મારી સેક્સ ચેન્જની દવાઓ ચાલી રહી છે.

લક્ષ્ય ટ્રસ્ટના પ્રમુખ રાજપીપળાના યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલે ગરીમા ગૃહ શરૂ કરાવ્યું છે.
લક્ષ્ય ટ્રસ્ટના પ્રમુખ રાજપીપળાના યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલે ગરીમા ગૃહ શરૂ કરાવ્યું છે.

ટ્રાન્સજેન્ડર સમાજ સ્વીકારે તેવી અપીલ
વધુમાં પાર્વતીએ જણાવ્યું કે, અમારી કમ્યુનિટીમાં જન્મ લેનારને પરિવાર કે સમાજ ગમે તેટલો તેને રોકવાનો પ્રયાસ કરશે તો પણ તેમાં પરિવર્તન આવવાનું નથી. તે ટ્રાન્સજેન્ડર તરીકે જ રહેશે. માટે જ પરિવાર જન્મ લેનાર ટ્રાન્સજેન્ડરને તરછોડે નહીં અને સમાજ પણ તેને સ્વીકારે તેવી મારી અપીલ છે.

લોકો ટ્રાન્સજેન્ડરને તરછોડે નહીં અને સમાજ પણ સ્વીકારે તેવી અપીલ કરાઈ છે.
લોકો ટ્રાન્સજેન્ડરને તરછોડે નહીં અને સમાજ પણ સ્વીકારે તેવી અપીલ કરાઈ છે.

મારું છોકરી જેવું વર્તન હોવાથી પરિવારજનો સ્વીકારવા તૈયારી નથી
સુરતની શિવાનીએ જણાવ્યું કે, મારું છોકરી જેવું વર્તન હોવાથી મારા પરિવારજનો સ્વીકારવા તૈયારી નથી. ગામમાં લોકો અમારી મશ્કરી કરી છે. અમને અમારી જિંદગી જીવવા માટે સંતાઇને રહેવું પડે છે. પરંતુ, ગરીમા ગૃહમાં અમે મુક્ત પણે દિવસ પસાર કરી રહ્યા છે. તે સાથે ગરીમા ગૃહની મદદથી હું નર્સિંગ કેરટેકરનો કોર્ષ કરી રહી છું. કોર્ષ પૂરો થયા બાદ નોકરી કરીને ખુશીથી જિંદગી પસાર કરીશ. તેવી મને આશા છે.

વડોદરાના મુજમહુડા ખાતે શિલાલેખ કોમ્પ્લેક્ષમાં ગરીમા ગૃહ શરૂ થયું છે.
વડોદરાના મુજમહુડા ખાતે શિલાલેખ કોમ્પ્લેક્ષમાં ગરીમા ગૃહ શરૂ થયું છે.

વડોદરામાં ગરીમા ગૃહ શરૂ કરાયું છે
લક્ષ્ય ટ્રસ્ટના પ્રમુખ અને રાજપીપળાના યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા ગરીમા ગૃહની યોજના અમલમાં મૂકતા દેશનું પ્રથમ ગરીમા ગૃહ વડોદરામાં શરૂ કરવામાં આવ્યું છે. મુજમહુડા શિલાલેખ કોમ્પ્લેક્ષમાં અત્યાર 25 ટ્રાન્સજેન્ડર રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં 10 ટ્રાન્સજેન્ડર છે. જે પૈકી 6 ટ્રાન્સજેન્ડર દિપક ફાઉન્ડેશનમાં નર્સિંગ કેરટેકર અને નર્સિંગ આસિસન્ટન્ટ જેવા કોર્સ કરી રહી છે. 3 ટ્રાન્સજેન્ડર વડોદરા નજીક પેટ્રોલ પંપ ઉપર નોકરી કરી રહી છે.

આ પણ વાંચોઃ-સુરતમાં 39 વર્ષ પુરૂષ તરીકે જીવીને 'સંદીપ' સર્જરી કરાવી 'અલીશા' બની

આવનારા દિવસોમાં અન્ય શહેરોમાં ગરીમા ગૃહ શરૂ કરાશે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં અન્ય શહેરોમાં પણ ગરીમા ગૃહ શરૂ કરવાનું આયોજન છે. વધુમાં વધુ ટ્રાન્સજેન્ડર ગરીમા ગૃહમાં આવી રહે. કોર્સ કરે અને પગભર બને તેવો લક્ષ્ય ટ્રસ્ટનો ઉદ્દેશ છે. ગરીમા ગૃહમાં રહેતા ટ્રાન્સજેન્ડર માટે ડો. ભરત પટેલ સેવા આપે છે અને વકીલ ડો. શોભા મળતા સમયમાં ગરીમા ગૃહની દેખભાળ રાખે છે.

આ પણ વાંચોઃ-સુરતમાં સમાજના પ્રેમ અને ધિક્કાર વચ્ચે આત્મનિર્ભર બનવા કિન્નરનો સંઘર્ષ

ટ્રાન્સજેન્ડરો માટેના કાયદાનો અમલ થતો નથી
સોની સીંગે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ટ્રાન્સજેન્ડરો માટે કાયદો બનાવ્યો છે. પરંતુ, તેની અમલવારી કરવામાં આવતી નથી. ટ્રાન્સજેન્ડરો પગભર બને તે માટે જે વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. તે ટુંકા ગાળાના છે. ત્રણ માસના ટુંકા ગાળાના કોર્સમાં કોઇપણ તાલીમ મળી જાય તે શક્ય નથી. બીજુ ટ્રાન્સજેન્ડરના આધાર કાર્ડ માટે પણ યોગ્ય નીતિ ન હોવાના કારણે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ટ્રાન્સજેન્ડર કોઇપણ શહેરમાં જાય ત્યારે તેના આધારા કાર્ડનું સરનામું બદલાતું નથી. પરિણામે તેને યોગ્ય અભ્યાસ કરવામાં તેમજ નોકરી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.

ટ્રાન્સજેન્ડરોને સરકારની સાથે સમાજ પણ સ્વિકારે તેવી અપીલ કરાઈ છે.
ટ્રાન્સજેન્ડરોને સરકારની સાથે સમાજ પણ સ્વિકારે તેવી અપીલ કરાઈ છે.

સરકારે ટ્રાન્સજેન્ડરોને ગવર્નમેન્ટમાં નોકરીની તક આપવી જોઇએ
અમને પરિવાર અને સમાજે ન સ્વીકારતા અમારા માટે પોતાના પગભર ઉભા રહેવું એકમાત્ર વિકલ્પ છે. પરંતુ, નોકરી-ધંધાના સ્થળોમાં પણ લોકો ખુલીને સ્વીકારવા માટે તૈયાર નથી, ત્યારે મારે કહેવું છે કે, હવે ટ્રાન્સજેન્ડર કમ્યુનિટી પણ ઉચ્ચ હોદ્દા ઉપર પહોંચી રહી છે. સરકારે પણ ટ્રાન્સજેન્ડરોને ગવર્નમેન્ટમાં નોકરીની તક આપવી જોઇએ. સરકાર દ્વારા સરકારી નોકરી આપવાની વાતો કરવામાં આવે છે. પરંતુ, આપવામાં આવતી નથી. ભારત સરકાર દ્રારા ગરીમા ગૃહની યોજના અમલમાં મૂકી છે. પરંતુ, એક માત્ર વડોદરામાં લક્ષ્ય ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. જે સરાહનીય છે. હું લક્ષ્ય ટ્રસ્ટની આભારી છું. હાલ મારી સેક્સ ચેન્જની દવાઓ ચાલી રહી છે.