વડોદરામાં જૈનોની રેલી:પાલીતાણામાં હિન્દુ અને જૈન મુદ્દે વૈમન્સ્ય ફેલાવવાનો પ્રયાસ થયો, આવા લોકોને પાસા કરો: જૈન અગ્રણીની માંગણી

વડોદરાએક મહિનો પહેલા
વડોદરામાં જૈનોની રેલી.

ઝારખંડ સરકારે જૈન સમાજના સમ્મેદ શિખર તરીકે ઓળખાતા મહાતીર્થ પારસનાથ પહાડને પ્રવાસન સ્થળ જાહેર કર્યું છે. જેને લઇને દેશભરમાં જૈન સમાજ વિરોધ કરી રહ્યો છે. સાથે જ ગુજરાતમાં પાલિતાણામાં શેત્રુંજય પર્વત પર અતિક્રમણનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમજ સ્થાનિક માના ભરવાડ સહિતના લોકો દ્વારા હિન્દુ-જૈન મુદ્દે વૈમન્સ્ય ફેલાય તેવી પ્રવૃત્તિ કરવાના વિરોધમાં આજે વડોદરામાં જૈનો દ્વારા રેલી યોજવામાં આવી હતી.

મુગલકાળથી શેત્રુંજય જૈન તીર્થ
જૈન અગ્રણી દિપક શાહે જણાવ્યું હતું કે, જૈનોના પવિત્રતીર્થ શેત્રુંજ્ય અને સમેત શિખર પર આફત આવી છે તેના પર સરકાર હરકતમાં આવે તેમ માટે કૃપાબિંદુ મહારાજ સહિત સાધ્વીજી ભગવંતોની ઉપસ્થિતિમાં આજે રેલી આયોજીત કરવામાં આવી છે. તેમજ વડોદરા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અમારા મુખ્ય બે મુદ્દા છે. પ્રથમ તો શેત્રુંજયતીર્થમાં અતિક્રમણ થઇ રહ્યું છે. મુગલ સામ્રાજ્ય અને ત્યાર બાદ અંગ્રેજોના શાસનમાં પણ લેખિતમાં અપાયું છે કે શેત્રુંજય જૈનોનું તીર્થ છે. આ દસ્તાવેજોને આધારે ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ ચુકાદો આપ્યો છે કે આ તીર્થ જૈનોનું છે.

લગ્નમાં ગણેશજીની પૂજા કરીએ છીએ
તેમણે કહ્યું કે બીજો મુદ્દો એ છે કે પાણીતાણામાં માના ભરવાડ ઉર્ફે મના રાઠોડ નામનો માણસ અને તેનો નાનો ભાઇ લાલો, ભરતભાઇ તેમજ શરણાનંદ મહારાજ આ ચાર લોકો અત્યારે જૈનોને હિન્દુઓની સામે ભીડવવાનો પ્રયાસ કરી રહ્યા છે. હું મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જૈનો એ પહેલા હિન્દુ છે. હિન્દુ અને જૈનો જુદા નથી. મારું લગ્ન થયું ત્યારે મેં ગણેશજીની પૂજા કરી છે. બીજા જૈનો પણ લગ્ન કરે ત્યારે ગણેશજીની પૂજા થાય છે. અમે અલગ નથી. પરંતુ પૂજા પદ્ધતિ સનાતન ધર્મમાં હોય છે તેમ બીજા કરતા જુદી છે. જૈનો એ હિન્દુ જ છે. જૈનો અને હિન્દુને લડાવવા શરણાનંદ મહારાજ પ્રયાસ કરે છે. રોહિશાળામાં જૈનોની પ્રાચીન પાદુકાઓની તોડફોડ કરવામાં આવી. આ દરેક જૈનના હ્રદય પર ઘા છે.

વૈમન્સ ફેલાવનારાને પાસા કરો
તેમણે જણાવ્યું કે, આ વયમનસ્ય ફેલાવનારા માના ભરવાડની પોલીસે હાલ ધરપકડ કરી છે. અમારી માંગણી છે કે તેને પાસા થવી જોઇએ. આ માના ભરવાડ એ જ વ્યક્તિ છે જે શેત્રુંજય પર શ્રદ્ધાળુઓને લઇ જતાં ડોલીવાળાઓ પાસેથી ગેરકાયદે વસૂલી કરે છે. શેત્રુંજય પર્વત પર ખનન પ્રવૃત્તિ પણ થઇ રહી છે. જેને રોકવા સરકારે પગલા લેવા જોઇએ.

અમદાવાદ, સુરત, મુંબઈ, દિલ્હી સહિત દેશભરમાં રેલી યોજાઈ હતી
રવિવારે સમગ્ર દેશમાં જૈન સમાજ રેલી યોજાઈ હતી. શેત્રુંજય મહાતીર્થની રક્ષા માટે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ, સુરત, મુંબઈ, દિલ્હી સહિત દેશભરમાં મહારેલીનું આયોજન કરાયું હતું. ગિરિરાજ પર બની રહેલાં ગેરકાયદેસર દબાણો અટકાવવા જૈન સમાજે માંગ કરી છે. બિહારના સમ્મેત શિખરની પવિત્રતા સુનિશ્ચિત કરવાનો આ મહારેલીનો હેતુ છે. અમદાવાદમાં પણ પાલડીથી આરટીઓ સુધી રેલી યોજાઈ હતી, જેમાં હજારો લોકો જોડાયા હતા.

રોહિશાળાના આદિનાથ પ્રભુનાં પગલાંની તોડફોડ
પાલિતાણામાં રોહિશાળા ખાતે આદિનાથ પ્રભુનાં પગલાંની તોડફોડ અને ત્યારબાદ શત્રુંજય પર્વત પર સીસીટીવી કેમેરા અને બોર્ડની તોડફોડ કરનાર મુઠ્ઠીભર તત્ત્વો સમગ્ર રાજ્યની શાંતિ ડહોળી રહ્યા છે, ત્યારે આ લોકો સામે કડક પગલાં ભરવાં અને તીર્થની રક્ષા માટે કાયમી પગલાં ભરવાની જૈન સમાજની માંગ છે.

જૈન સમાજની મુખ્ય માંગણીઓ

  • રોહિશાળામાં પ્રભુની ચરણપાદુકાની તોડફોડની તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે અને યોગ્ય પગલાં લેવાં
  • 12 ગાઉના રૂટ ઉપર અને અન્ય સ્થળે ગેરકાયદે માઈનિંગ થાય છે તે બંધ કરવામાં આવે
  • મના રાઠોડ અને અન્ય 5-7 માથાભારે તત્ત્વો પર કડક કાર્યવાહી કરવામાં આવે
  • ગિરિરાજ ઉપર કરવામાં આવેલ ગેરકાયદે બાંધકામો / દબાણો તાત્કાલિક દૂર કરવામાં આવે
  • તળેટી રોડ પરના લારી-ગલ્લા વગેરેનાં દબાણો દૂર કરવામાં આવે. એમને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે.
  • ઘેટીની પાગ બાજુ પણ બાંધકામો અને ગેરકાયદે માઈનિંગ બંધ કરવામાં આવે
  • જંબુદ્વીપ નજીક આવેલી દારૂની ભઠ્ઠીઓ દૂર થાય
  • ડોલી એસોશિયેશન દૂર કરો અથવા એનો વહીવટ બદલો.
અન્ય સમાચારો પણ છે...