વડોદરા જરોદ પાસે ધનોરા રોડ ઉપર પાસે આવેલી આઇ.ટી.એમ. એસ.એલ.એસ. બરોડા યુનિવર્સિટીમાં ચાર જેટલા તસ્કરો ચોરી કરવા માટે ઘૂસી ગયા હતા. અને કેમ્પસ સ્થિત એ.ટી.એમ. મશીન સહિત અલગ-અલગ કોલેજોના રૂમોના તાળાં તોડવાનો પ્રયાસ કર્યો હતો. કેમ્પસમાં ઘૂસેલા ચાર જેટલા તસ્કરો કેમ્પસમાં લગાવવામાં આવેલા CCTVમાં કેદ થઇ ગયા હતા. આ બનાવ અંગેની ફરિયાદ જરોદ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
8 સિક્યુરીટી ફરજ બજાવે છે
મળેલી માહિતી પ્રમાણે વાઘોડિયા તાલુકાના જરોદ પાસે ધનોરા રોડ ઉપર પાસે આવેલી આઇ.ટી.એમ. એસ.એલ.એસ. બરોડા યુનિવર્સિટી આવેલી છે. આ યુનિવર્સિટીમાં ધરમસિંહ, રાજેશસિંહ સહિત 8 જેટલા સિક્યુરીટી જવાનો ફરજ બજાવે છે. તા.11-1-023ની મોડી રાતથી વહેલી સવાર સુધીમાં ચાર જેટલા તસ્કરો કેમ્પસમાં ઘૂસી આવ્યા હતા. અને કેમ્પસ સ્થિત મહિન્દ્રા બેંકનું એ.ટી.એમ. તેમજ આર્કિટેક બિલ્ડીંગ, મેઇન બિલ્ડીંગ, આઇ.ટી.એમ. હોસ્પિટલના તાળાં તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો.
વિવિધ રૂમોના તાળાં તોડ્યા
તા.12મીના રોજ સવારે સિક્યુરીટી ધરમસિંહે કેમ્પસ સુપરવાઇઝર અને કોલેજમાં એકાઉન્ટન્ટ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા રાહુલસિંગ ભદોરીયાને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા. અને કેમ્પસમાં વિવિધ બિલ્ડીંગોમાં તપાસ કરતા એટીએમ મશીન તેમજ વિવિધ બિલ્ડીંગોના તાળાં તૂટેલા જોતા ચોંકી ઉઠ્યા હતા. દરમિયાન તેઓએ રૂમોમાં જઇ તપાસ કરતા રૂમો સ્થિત ડ્રોવરો પણ ખૂલ્લા જોયા હતા. જોકે, તસ્કરોના હાથમાં કોઇ ચિજવસ્તુ હાથ લાગી ન હતી.
પોલીસે તસ્કરોની તપાસ શરૂ કરી
દરમિયાન સુપર વાઇઝર રાહુલસિંગ ભદોરીયાએ કેમ્પસ સ્થિત CCTV ની તપાસ કરતા ચાર જેટલા તસ્કરો કેમ્પસમાં ઘૂસી આવ્યા હતા. અને વિવિધ બિલ્ડીંગોના તાળાં તોડતા જણાઇ આવ્યા હતા. સુપરવાઇઝર રાહુલસિંગ ભદોરીયાએ આ અંગેની ફરિયાદ જરોદ પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. પોલીસે તસ્કરોને ઝડપી પાડવા માટે CCTV ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે.
કેમ્પસમાં ચકચાર
જરોદ પાસે ધનોરા રોડ ઉપર પાસે આવેલી આઇ.ટી.એમ. એસ.એલ.એસ. બરોડા યુનિવર્સિટીમાં ચોરીના થયેલા નિષ્ફળ પ્રયાસના બનાવે કેમ્પસમાં ચકચાર જગાવી મૂકી હતી. તે સાથે આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.