વડોદરા કોર્ટમાં આત્મવિલોપનનો પ્રયાસ:આધેડે પેટ્રોલ છાંટી, રડતા રડતા કહ્યું: 'મારા ભાઇને ન્યાય અપાવો, મને વકીલોએ બરબાદ કરી નાખ્યો છે'

વડોદરા2 મહિનો પહેલા
આધેડે જ્વલનશીલ પદાર્થ છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કરતા કોર્ટમાં દોડધામ મચી ગઇ હતી
  • વકીલોએ આધેડને બચાવીને ગોત્રી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપ્યો

વડોદરા ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં એક આધેડે આજે બપોરે પેટ્રોલ છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. જોકે, વકીલોએ આગ બુઝાવીને બચાવી લીધો હતો અને ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર અર્થે ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યો હતો. જ્યાં તેઓએ રડતા રડતા જણાવ્યું હતું કે, 'મારા ભાઇને ન્યાય અપાવો, મને વકીલોએ બરબાદ કરી નાખ્યો છે'

આધેડની પીઠનો ભાગ બળી ગયો
વડોદરા કોર્ટના પહેલા માળે એડિશનલ ડિસ્ટ્રીક્ટ કોર્ટની સામે આધેડે પેટ્રોલ છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. બપોરના સમયે જ્વાળાઓ સાથે પુરૂષની ચીસો સંભળાતા સ્થળ પર હાજર વકીલો દોડી ગયા હતા અને આગ બુઝાવી દીધી હતી. આધેડની પીઠનો ભાગે આગ લાગવાને કારણે બળી ગયો હતો. આ ઘટનાની જાણ થતા કોર્ટ રજીસ્ટ્રાર સહિતના વકીલો ઘટના સ્થળે દોડી ગયા હતા.

વકીલો ફાઇલો વાંચીને રૂપિયા લઇ લે છે
આધેડે રડતા રડતા જણાવ્યું હતું કે, હાઇકોર્ટમાં જઇએ તો વકીલો કહે છે કે, તમે હારી ગયા છો, તમારી સુપ્રીમમાં જવાની તાકાત છે. અહીંયા જ લૂંટી લીધા અમને તો સુપ્રીમમાં ક્યાંથી જવાના છે. સુપ્રીમમાં જવા માટે કોઇ માર્ગદર્શન પણ નથી આપતુ. વકીલો પાસે ફાઇલો લઇને જઇએ છીએ. વકીલો ફાઇલો વાંચીને રૂપિયા લઇ લે છે અને પછી કહે છે, જાઓ હવે કશું નહીં થાય. દેશમાં એવો કોઇ કાયદો નથી કે, તે પાછો ન ખૂલે. 307નો કેસ બનાવ્યો છે.

અમને ન્યાય નથી મળતો, મારા ભાઇને ન્યાય અપાવો
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, મારા ભાઇને ન્યાય અપાવો. અમને ન્યાય નથી મળતો, અમારે ન્યાય જોઇએ. વકીલો કે, પોલીસ કોઇ સાંભળતુ નથી. ગાડીમાંથી પેટ્રોલ છાંટીને સળગ્યો હતો. મને વકીલ સાહેબોએ બરબાદ કરી નાખ્યો છે. હું વર્ષોથી એકલો જ રહુ છું.

આધેડના હાથમાં થેલી હતી
આગ ઓલવી નાખી આધેડને તાત્કાલિક સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે. પ્રત્યદર્શીઓના જણાવ્યા પ્રમાણે, આત્મવિલોપનનો પ્રયાસ કરનાર વ્યક્તિના હાથમાં થેલી હતી. જેમાં કાગળ મૂકેલા હતા.

અન્ય સમાચારો પણ છે...