ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:હરીશ અમીનના ભેદી મોતમાં ભીનું સંકેલવા પ્રયાસ,પોલીસે મહત્ત્વના પાસા જ ન ચકાસ્યા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક હરીશ અમીનની ફાઇલ તસવીર - Divya Bhaskar
મૃતક હરીશ અમીનની ફાઇલ તસવીર
  • સાંજે 7 પછી કોઈ કોલ નથી આવ્યો તો બિલ્ડર બહાર કેમ ગયા?
  • મૃતક સિંધરોટ તરફથી ક્યાંથી આવતા હતા તે કોયડો હજુ ઉકેલી શકાયો નથી

ઓર્ચિડ ફાર્મના હરીશ અમીનના ભેદી મૃત્યુ કેસમાં ભીનું સંકેલવાનો પ્રયાસ કરાયો છે. પોલીસે અત્યાર સુધી હરીશ અમીનના પરિવારજનોના નિવેદન લીધાં નથી. આ સિવાય પણ મહત્ત્વના પાસા પોલીસે ચકાસ્યા નથી. બીજી તરફ તાલુકા પોલીસે મૃતકના સીડીઆરની તપાસ હાથ ધરી છે. જેમાં હરીશ અમીનના મોબાઈલમાં 17 મેએ સાંજે 7 વાગ્યા બાદ કોઈ કોલ આવ્યા નથી. જ્યારે દિવસે જેમના ફોન આવ્યા છે કે કરાયા છે તેવા 5 થી 7 લોકોની રવિવાર કે સોમવારે પૂછપરછ કરાશે.

તાલુકા પોલીસે જણાવ્યું કે, તેઓ એ જાણવા માગે છે કે, ફોન પર હરીશ અમીને મિત્રો કે સગા-સંબંધીને એવી વાત કરી છે કે જેમાં તેમને દુ:ખ હોય, કોઈએ ધમકી આપી હોય. હજુ પરિવારજનોનાં નિવેદન લેવાઈ શક્યાં નથી. જોકે નજરે જોનારા, તેમના ફાર્મ હાઉસમાં નોકરી કરતા તેમજ રૂટ પર આવેલી દુકાનો સહિત સ્થાનિકો મળી 10થી વધુ નિવેદન લેવાયાં છે. પોલીસ હજુ એ કોયડો ઉકેલી શકી નથી કે આગ કેવી રીતે લાગી. મૃતક સિંધરોડ તરફથી ક્યાંથી આવી રહ્યા હતા તે જાણી શકાયું નથી.

જે.ડી. રામગઢિયા, નિવૃત્ત એસીપી
જે.ડી. રામગઢિયા, નિવૃત્ત એસીપી

એક્સપર્ટ વ્યૂ : કાર અને તેની નીચેની માટી પણ FSLમાં મોકલવી જોઈતી હતી
પોલીસે સળગેલી કાર અને તેની નીચેની માટી સહિતની સળગેલી વસ્તુ ગાંધીનગર એફએસએલમાં મોકલવી જોઈએ, તેમ રિટાયર્ડ એસીપી જે.ડી.રામગઢિયાએ હરીશ અમીન મોત કેસમાં અભિપ્રાય જણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આજે એવા જ્વલનશીલ પદાર્થ મળે છે કે તેનાથી આગ લગાવ્યા બાદ એફએસએલ પણ તે પદાર્થને ઓળખી શકતી નથી. જેના માટે એક્સપર્ટ દ્વારા તપાસ કરાવવી જરૂરી છે.

જે.ડી.રામગઢિયાએ જણાવ્યું કે, પોલીસે એ તપાસવું જોઈએ કે કોઈ વ્યક્તિ રૂટીનમાં આટલી મોડી રાતે ન નીકળતો હોય તો તે આટલી અડધી રાતે કેમ નીકળે છે. જ્યારે આગ લાગે તો કોઈ વ્યક્તિ સળગતી હાલતમાં પણ બહાર નીકળવાની કોશિશ કરે છે, તેવામાં મૃતક કેમ કારની બહાર ન નીકળી શક્યા, શું તે બેભાન હતા કે પછી બીજું કારણ હતું. તમામ શંકા અને સ્થિતિને આધારે પોલીસે તપાસ હાથ ધરવી જોઈએ.

બળી ગયેલી ઇકો કારમાંથી ગાયબ ચાવી હજુ મળી નથી
કાર એક્સપર્ટ પ્રકાશ પરીખ મુજબ ગાડીમાં ચાવી મળી નથી. સીએનજી બોટલ-પાઇપમાં લીકેજ નથી. જેથી ગેસ લીકેજથી આગ લાગી નથી. આગળના ભાગે એક્સિડન્ટથી સામાન્ય ડેમેજ છે, તે આગનું કારણ ન હોઈ શકે. કારનો આગળનો ડાબી સાઇડનો દરવાજો ખુલ્લો હતો, ડ્રાઇવર સાઇડનો દરવાજો લોક હતો અને કાચ અડધો ખુલ્લો હતો.

પોલીસે આગથી મોત થયા પર જ થીયરી અટકાવી
ઘટનાના 4 દિવસ બાદ પણ પોલીસે અકસ્માત બાદ આગથી મોત થયાનું અને ફેફસામાં કાર્બન હોવાથી તેઓ સળગીને જ મૃત્યુ પામ્યા હોવાની થીયરી પર તપાસ અટકાવી છે. પોલીસે આ કેસમાં કેટલાક પાસાને હજુ તપાસ્યાં નથી.

  • મોડી રાત્રે ઘટના સ્થળ આસપાસ કેટલા લોકોના મોબાઈલ એક્ટિવ હતા તેની તપાસ જ કરાઈ નથી.
  • આગ લાગવાનું કારણ જાણવા કારના જ કોઈ એક્સપર્ટ પાસે પરીક્ષણ કરાવ્યું નથી.
  • કરોડોની મિલકત છે, નાપાનાં કેટલાંક તત્ત્વો સાથે હરીશ અમીનને જમીનોને લઈ સંઘર્ષ ચાલતો હોવાની ચર્ચા છે ત્યારે તે દિશામાં કોઈ જ તપાસ નથી કરી.
  • ગંભીર અને શંકાસ્પદ બનાવની તપાસ સેકન્ડ પીએસઆઇ પાસે જ છે, હજુ LCBને આપી નથી.
  • હરીશ અમીનની પત્નીએ અગાઉ છુટાછેડા લીધા હોવાનો ઉલ્લેખ કરતો એક મિલકતના દસ્તાવેજનો ફોટો ફરતો થયો છે ત્યારે તેની પાછળના રહસ્ય વિશે પણ પોલીસે તપાસ કરી નથી.
અન્ય સમાચારો પણ છે...