તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરક્ષામાં પોલ:કમાટીબાગમાં એક સપ્તાહમાં બીજી વખત ચંદનના ઝાડ કાપવાનો પ્રયાસ

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિશ્વામિત્રી કિનારા તરફથી ચંદનચોર ઘૂસે છે
  • સિક્યુરિટી એજન્સીને નોટિસ આપવાની કાર્યવાહી હાથ ધરાઈ

કમાટીબાગમાં ફરી ચંદનચોર ટોળકીએ ઘૂસવાનું શરૂ કર્યું છે, જોકે હજી સુધી એક પણ તસ્કર સિક્યુરિટી વિભાગના હાથે પકડાયો નથી. બીજી તરફ પાલિકાના સિક્યુરિટી વિભાગે કમાટીબાગની સુરક્ષા કરતી ખાનગી સિક્યુરિટી એજન્સીને નોટિસ આપવાની કાર્યવાહી હાથ પર લીધી છે. કમાટીબાગમાં એક જ અઠવાડિયામાં બે વખત ચંદનનાં ઝાડ કાપવાનો પ્રયાસ થયો હતો અને સિક્યુરિટી વિભાગની પોલ ઉઘાડી પડી હતી. વર્ષે એક કરોડ રૂપિયાનો ખર્ચો બાગની સુરક્ષા પાછળ કરવામાં આવી રહ્યા છે ત્યારે સિક્યુરિટી જવાનો નાક નીચે જ ચંદનચોરોએ સપાટો બોલાવતાં વિવાદ થયો હતો.

એટલું જ નહીં સયાજીબાગ ઝૂના સિંહના પાંજરા પાસે પણ ઝાડ કાપવાનો પ્રયાસ થયો હતો. એસ્કોર્ટ સિક્યુરિટીના અધિકારીઓએ જાતે કમાટીબાગમાં પેટ્રોલિંગ શરૂ કર્યું છે અને નાઇટ ચેકિંગ પણ શરૂ કર્યું છે. જોકે કમાટીબાગની પાછળ વિશ્વામિત્રી નદીના કિનારાની ઝાડી ઝાંખરામાંથી ફેન્સિંગમાં છીંડાં ચંદન ચોર ટોળકી ઘૂસી રહી હોવાનું પ્રકાશમાં આવ્યું છે અને દરરોજ સવારે સાડા પાંચ વાગ્યે કમાટીબાગની સ્ટ્રીટલાઈટ ઓટોમેટીક બંધ થતી હોવાથી બરાબર તે જ સમયે ચંદન ચોર ટોળકી ચંદનના ઝાડ કાપતી હોવાનો બચાવ પણ સિક્યુરિટી એજન્સી તરફથી પાલિકામાં કરાયો હોવાનું પણ ખુલ્યુ છે.

દરમિયાનમાં કમાટીબાગમાં બે વખત થયેલી ચોરીના પ્રયાસની ગંભીરતા લઇને સિક્યુરિટી વિભાગે એસ્કોર્ટ સિક્યુરિટી એજન્સી ને ફરજમાં બેદરકારી દાખવવાની નોટિસ આપવાની કવાયત કરી છે અને જરૂર પડે એજન્સીને પેનલ્ટી પણ કરવામાં આવશે. પાલિકાની મિલકતોની સુરક્ષા કરતી ખાનગી કોન્ટ્રાકટર એજન્સીના આંગળીના વેઢે ગણાય તેટલા જ ગાર્ડ કમાટીબાગમાં મુકાયા છે.

ચંદન ચોર ટોળકી માટે કમાટીબાગનું સ્થળ માનીતું છે ત્યારે તેના છીંડા પર નજર રાખવાને બદલે આ એજન્સીએ વધારાના ગાર્ડ મુકવાની પણ તસ્દી લીધી નથી. એક કરોડની કમાણી બગીચાની સુરક્ષા થકી ખાનગી એજન્સી મેળવી રહી છે, બીજી તરફ સિક્યુરિટી ગાર્ડની બેદરકારી ખુલ્લી પડી છે. આ મામલે કોંગ્રેસનાં નેતા અમી રાવતે કાર્યવાહી કરવાની માગ સાથે મેયર અને મ્યુ.કમિશનરને લેખિતમાં રજૂઆત પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...