મારામારી:તમે કાર રોકવાવાળા કોણ, કહી ટ્રાફિક પોલીસ પર હુમલો

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્પીડ ગન કેમેરાથી ફોટો પાડતાં કારચાલકનું કૃત્ય
  • ફતેગંજ બ્રિજ પાસે વાહનોનું ચેકિંગ કરાતું હતું

ફતેગંજ બ્રિજ પાસે એનસીસી મેદાન નજીક ફુલ સ્પીડમાં જઇ રહેલા વાહન ચાલકોને રોકીને કાર્યવાહી કરાઈ રહી હતી. જે અંતર્ગત ટ્રાફિક પોલીસના જવાનોએ ફુલ સ્પીડમાં જતા કાર ચાલકનો સ્પીડગન કેમેરામાં ફોટો પાડ્યા બાદ કાર ચાલકે તેના મિત્રને લઇને આવી ટ્રાફિક પોલીસના 2 જવાનો સાથે તમે અમારી કાર રોકવાવાળા કોણ છો, તેમ કહી ઝઘડો કરી મારામારી કરી હતી. પોલીસે બંને શખ્સ સામે ગુનો નોંધી તપાસ આદરી હતી.

ટ્રાફિક પોલીસના કર્મચારીઓ સોમવારે સવારે ફતેગંજ બ્રિજ નીચે એનસીસી મેદાન પાસે ઊભા રહી ફુલ સ્પીડમાં જતા વાહન ચાલકોના ફોટા પાડી કાર્યવાહી કરી રહ્યા હતા. દરમિયાન સ્વિફ્ટ કારનો ચાલક પુરઝડપે પસાર થતાં પોલીસ કર્મીએ તેનો સ્પીડગન કેમેરામાં ફોટો પાડી તેને ઊભો રહેવા ઇશારો કર્યો હતો. જોકે ચાલક ફુલ સ્પીડમાં કાર ચલાવી પંડ્યા બ્રિજ તરફ ભાગી ગયો હતો. તેમણે કેમેરામાં જોતાં કારની સ્પીડ 67ની હતી અને આગળ-પાછળ નંબર પ્લેટ પણ નહતી. ત્યારબાદ 11-30 વાગે મોપેડ લઇને 2 શખ્સ આવ્યા હતા અને તમે અમારી કાર રોકવાવાળા કોણ છો, કહી ટ્રાફિક પોલીસના જવાનો સાથે ઝઘડો કરી નખોરિયા માર્યા હતા અને એક જવાનને ધક્કો મારી નીચે પાડી ગડદાપાટુનો માર માર્યો હતો. જેથી ટ્રાફિક જવાનોએ કન્ટ્રોલ રૂમને ફોન કરતાં સયાજીગંજ પોલીસ પહોંચી હતી. પોલીસે બંને શખ્સને પકડીને તપાસ કરતાં તેમનાં નામ કપિલસિંઘ વિરેન્દ્રસિંઘ કુંતલ અને શેખ રુબીન યુસુફમિયાં (બંને રેલવે કોલોની, સરદારનગર) હોવાનું બહાર આવ્યું હતું. બંને જણાએ સરકારી કામમાં રૂકાવટ કરી હોવા બાબતે પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.

અન્ય સમાચારો પણ છે...