જુગાર કેસમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી નવાપુરા પોલીસના સ્ટાફને ઘેરી આરોપીની પત્ની અને મહિલાઓએ હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. અપશબ્દો બોલવાની ના પાડતાં લોકરક્ષક દળના મહિલા કર્મચારીને માર માર્યો હતો. આ મામલે પોલીસે ચાર મહિલાની અટકાયત કરી હતી.
આરોપીની અટકાયત માટે પોલીસ પહોંચી હતી
નવાપુરા પોલીસ મથકના મહિલા એલઆરડીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે સર્વે સ્ટાફ દ્વારા જુગાર ધામ પર દરોડો પાડી સફરૂદ્દીન અલાઉદ્દીન શેખ ( રહે - નવાપુરા, ભાટ ફળિયું , વડોદરા) ને ઝડપી પાડયો હતો. આ ગુનામાં વોન્ટેડ આરોપી રાજ સંજય ચૌધરી (રહે- ખારવાવાડ, નવાપુરા, વડોદરા)ની અટકાયત કરવા પોલીસ સ્ટાફ તેના ઘરે પહોંચ્યો હતો. તે દરમિયાન આરોપીની પત્ની સંધ્યાબેન ચૌધરીએ અન્ય મહિલાઓને એકત્ર કરી પોલીસ સાથે માથાકૂટ કરી અહીંયાથી જતા રહો તેમ જણાવી ઝપાઝપી કરી હતી.
મહિલા પોલીસને માર મારી અપશબ્દો કહ્યા
એકઠી થયેલી મહિલાઓ પૈકી એકે મહિલા પોલીસને માર માર્યો હતો અને અપશબ્દો બોલી પોલીસ કામગીરીમાં અડચણ ઉભી કરી હતી. પોલીસે સરકારી કામગીરીમાં દખલગીરી કરવા બદલ પૂનમ ચૌધરી, સંધ્યા ચૌધરી, પદમા ચૌધરી અને રીના ચૌધરી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.