ડ્રગના હબ બનેલા વડોદરા શહેરના સીમાડે આવેલા સિંઘરોટની સીમમાંથી કરોડોનું ડ્રગ કબજે કરવાના મામલમાં પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ આરોપીને અદાલત સમક્ષ રજૂ કરી એટીએસએ તમામ આરોપીઓના વધુ રિમાન્ડ મેળવ્યા હતા. જેમની પૂછપરછમાં ચોંકાવનારી માહિતી બહાર આવી શકે છે. તપાસ એજન્સી એટીએસને શંકા છે કે દેશનાં યુવાધનને બરબાદ કરતા ડ્રગ્સના ઉત્પાદન સાથે સંકળાયેલી ટોળકીએ તૈયાર કરેલું ડ્રગ્સ હજી પણ શહેરમાં કે આસપાસના વિસ્તારોમાં સંતાડ્યું હોય શકે છે.
આરોપીઓ આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સની ગેંગ સાથે તેમજ કોઇ આતંકવાદી સંગઠન સાથે સંડોવાયેલા છે કે કેમ? એની સઘન પૂછપરછ રિમાન્ડ દરિમયાન થશે. એના માટે આરોપીઓના તા.16મી સુધીના વધુ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. એક સપ્તાહ અગાઉ શહેર નજીક સિંધરોટની સીમમાં મહીસાગરને કાંઠે આવેલા ખેતરમાં ઊભી કરાયેલી ફેક્ટરીઓમાં એટીએસે રેડ કરીને રૂ.478.65 કરોડનું 63 કિલો 613 ગ્રામ એમડી ડ્રગ અને એમડી ડ્રગ બનાવવાનું 80 કિલો 260 ગ્રામ જુદા-જુદા લિક્વિડ મટિરિયલનો જથ્થો ઝડપાયા બાદ સયાજીગંજમાં ઓફિસમાંથી મંગળવારે વધુ ડ્રગ્સનો 100 કિલ્લો રો મટીરીયલ પકડાયું હતું.
ત્યારબાદ સિંધરોટમાં કેમિસ્ટ તરીકે કામ કરનાર શૈલેષ કટારિયાના ગોરવા ખાતેના નિવાસસ્થાને દરોડો પાડી એટીએસે રૂા.121.40 કરોડનું 24.280 કિલો મેફેડ્રોન વિવિધ થેલીઓમાંથી જપ્ત કર્યું હતું. હજી પણ ડ્રગ્સનો જથ્થો ટોળકીએ સંતાડી રાખ્યો હોવાનું તપાસ અધિકારીઓ માની રહ્યા છે. એમડી ડ્રગ્સના ઉત્પાદન સાથે સંકળાયેલી ટોળકી પૈકી એટીએસની ટીમે સૌમિલ ઉર્ફે સેમ સુરેશચંદ્ર પાઠક, શૈલેષ ગોવિંદભાઈ કટારિયા, વિનોદ ઉર્ફે પપ્પુ રમણભાઈ નિજામા, મો.શફી ઉર્ફે ગગ્ગુ મિસ્કીન દિવાન, અને ભરત ભીમાભાઈ ચાવડાની ધરપકડ કરી છે.
આ તમામના રિમાન્ડ પુરા થતાં એટીએસએ તમામ આરોપીને કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડ મેળવ્યા હતા.ડ્રગ્સનો વધુ જથ્થો કોઇ જગ્યાએ સંતાયો છે કે કેમ? મેફેડ્રોન બનાવવા માટેનું મટીરિયલ કોઈની પાસેથી કેટલા જથ્થામાં લેવામાં આવ્યું હતું? તેની પૂછપરછ કરવામાં આવશે.
એ ઉપરાંત આંગડીયો દ્વારા કેટલી રકમ મેળવવામાં આવી છે, અન્ય કેટલા આરોપી સંડોવાયેલા છે? તેની તપાસ કરવાની કરવામાં આવશે.ડ્રગના ઉત્પાદનમાં સંડોવાયેલા અન્ય વોન્ટેડ આરોપીઓ સલીમ ડોલા, યોગેશ તડવી, મુકેશ જોષી સહિતના આરોપીની શોધખોળ કરવામાં આવશે. આરોપીઓને કોઇએ આર્થિક મદદ કરી છે કે કેમ? એની પૂછપરછ કરવામાં આવશે એમ સૂત્રોએ જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.