સંસ્કાર નગરી વડોદરાને ફરી એક વાર ડ્રગ્સનું લાંછન લાગ્યું છે. હજી બે મહિના પહેલાં જ સાવલીના મોક્ષી ગામેથી 1000 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું. ત્યાં હવે શહેરને અડીને આવેલા સિંઘરોટ ગામના ખેતરમાંથી 500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. વેબસિરિઝ 'નાર્કોઝ'ની જેમ ખેતરમાં ભેંસના તબેલાની આડમાં ડ્રગ્સનું પ્રોડક્શન હાઉસ ધમધમતું હતું. રાત્રિના અંધકારમાં દરોડો પાડીને ATSએ ડ્રગ્સને ઝડપી લીધું છે. આ મામલે પાંચ શખ્સોની અટકાયત કરી તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
વડોદરાના સિંધરોટ ખાતે ડ્રગ્સની ફેક્ટરીમાં ATSની તપાસ પૂર્ણ થઈ ગઈ છે. મુદ્દામાલ લઈને પોલીસ રવાના થઈ છે. આરોપીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, રિપોર્ટ નેગેટિવ આવતા તેમને આવતીકાલે કોર્ટમાં રિમાન્ડ માટે હાજર કરવામાં આવશે. પોલીસની એક વાન ને અચાનક જ બેટરીમાં બ્લાસ્ટ થયો અને તેના કારણે પોલીસ જીપને આખરે બાંધીને લઈ જવી પડી છે.
મુદ્દામાલ લઈ જવા માટે પોલીસ જીપ લાવવામાં આવી હતી, પરંતુ, જીપ જેવી ફેક્ટરી આગળ પાર્ક કરી અને ડ્રાઇવરે તેનું એન્જિન બંધ કર્યું કે, બેટરીમાં જોરથી બ્લાસ્ટ થયો હતો. શરૂઆતમાં પોલીસ કર્મીઓને લાગ્યું કે, જપ્ત કરવામાં આવેલા કેમિકલમાં બ્લાસ્ટ થયો છે. જોકે, ત્યારબાદ તપાસ કરતાં જાણવા મળ્યું કે, બ્લાસ્ટ કેમિકલ ભરેલા કેરબામાં નહીં, પરંતુ, ગાડીના બોનેટમાં આવેલી બેટરીમાં થયો હતો.
સિંધરોટ ગામના એક સ્થાનિકે નામ ન જણાવાની શરતે કહ્યું હતું કે, આરોપીઓમાં એક તેનો ભાઈ પણ છે, જે એક મહિના પહેલા જ આ ફેક્ટરીમાં કામે લાગ્યો હતો અને તેને પણ ઝડપી લેવામાં આવ્યો છે. તેનો હજુ પહેલો પગાર પણ નથી થયો. અહીં કોરોનાની દવા બનાવવામાં આવે છે, તેવું કહી અને ચારથી પાંચ લોકોને અહીં નોકરીએ રાખવામાં આવ્યા હતા. કોરોનાની દવા બનાવવાની આ ફેક્ટરી છે તેમ કહી અને યુવાનોને નોકરીએ રાખવામાં આવતા હતા.
ATSએ પણ ફિલ્મીઢબે રાત્રે દરોડો પાડ્યો
વડોદરા શહેરના છેવાડે આવેલા સિંધરોટ ગામના એક જાણીતા ફાર્મ હાઉસની પાછળ ખેતરમાં આવેલા પતરના શેડમાં ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યું છે તેવી બાતમી અમદાવાદ ATSને મળી હતી. જેના આધારે ગત રાત્રે ATS દ્વારા દરોડો પાડી ખેતરમાં પતરાના શેડમાં ચાલતી ફેક્ટરીને ઝડપી લેવામાં આવી છે.
500 કરોડનું ડ્રગ્સ હોવાની શક્યતા
ATS દ્વારા જપ્ત કરવામાં આવેલ ડ્રગ્સ અને તેના મિટિરિયલની કિંમત અંદાજે 500 કરોડ રૂપિયાની હોવાની શક્યતા સેવવામાં આવી રહી છે. તેમજ અહીંથી અમદાવાદ, સુરત અને કચ્છમાં જથ્થો લાવવામાં તથા લઇ જવામાં આવતો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
તબેલાની આડમાં શેડ બનાવ્યો
સિંઘરોટ ગામના છેડે ખેતરમાં જ શંકાસ્પદ MD ડ્રગ્સ બનાવવામાં આવતું હતું. આ માટે આરોપીઓએ કોઇને શંકા ન જાય તે માટે ભેંસનો તબેલો બનાવ્યો હતો અને ત્યાં ઘાસચારો રાખવા માટે શેડ બનાવ્યો હોય તેવી તરકીબ અજમાવી હતી. જેથી ગામના લોકોને પણ આ પ્રવૃત્તિ પર શંકા ન જાય.
પાંચ લોકોની અટકાયત
ATS દ્વારા દરોડા સમયે ત્રણ વ્યક્તિની અટકાયત કરી લેવામાં આવી હતી. તેમજ તેમની પૂછપરછને આધારે અન્ય બે વ્યક્તિઓને પણ અટકાયતમાં લેવામાં આવ્યા છે. તેમજ આ ડ્રગ્સ માટેનું મટિરિયલ તેઓ ક્યાંથી લાવતા અને કોને સપ્લાય કરવામાં આવતું તેની તપાસ કરવામાં આવી રહી છે.
FSLની ટીમ હાજર
ડ્રગ્સ બનાવવા ક્યું મિટિરિયલ વપરાયું છે તે અંગેની ચકાસણી માટે FSLની ટીમ રાતથી જ ઘટનાસ્થળે તૈનાત છે. રાતથી ચાલી રહેલી આ કાર્યવાહી બપોર કે સાંજ સુધી ચાલે તેવી શક્યતા છે.
સાવલીમાંથી અગાઉ ડ્રગ્સ ઝડપાયું હતું
ગત ઓગસ્ટ મહિનામાં વડોદરાના સાવલી તાલુકાના મોક્સી ગામમાં આવેલી નેક્ટર કેમ નામની કેમિકલ ફેક્ટરીમાંથી 1125 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. જે મામલે ડ્રગ્સ માફિયાઓએ 4200 લિટર મેફેડ્રોન તૈયાર કર્યાની કરી કબૂલાત કરી છે. આ મામલે ATSએ કંપનીના માલિક સહિત 6 લોકોની ધરપકડ કરી હતી.
13 જેટલા મોટા બોક્સમાં ડ્રગ્સ ભરી અને ગાડીમાં મૂકવામાં આવ્યું હતું. આ ડ્રગ્સ મોટા પ્રમાણમાં હોવાથી પોલીસ કર્મીઓએ પણ જાણે કોઈ મજૂર ગાડીઓમાં માલ સામાન ભરતા હોય તેમ લાઈન લગાવી હતી અને એકબીજાને બોક્સ પાસ કરીને આ ડ્રગ્સ ગાડીઓમાં ભર્યું હતું.
ઘણા દિવસ સુધી ATSની ટીમે વોચ રાખી હતી
ગુજરાતમાં MD ડ્રગ્સના વધી રહેલા વ્યાપને બિઝનેસ બનાવનારી એક કંપની ગુજરાતની હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. ગુજરાત ATSને બાતમી મળી હતી કે, વડોદરા નજીક આવેલા સાવલી પાસે એક ફેક્ટરીમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ છે, જેથી ઘણા દિવસોથી આ ફેક્ટરીની આસપાસ વોચ રાખીને તપાસ કરતા તેઓને સચોટ માહિતી મળી હતી કે, અંદર ડ્રગ્સ કે અન્ય કોઈ હાનિકારક વસ્તુ છે.
ડ્રગ્સ મુંબઈ અને ગોવા મોકલવામાં આવતું હતું
15 ઓગસ્ટે ગુજરાત ATS અને વડોદરા SOG દ્વારા સાવલીની આ ફેક્ટરીમાં રેડ કરીને તપાસ કરતા ત્યાંથી એક બે નહીં 200 કિલો જેટલું ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની કિંમત 1125 કરોડ જેટલી થતી હતી. આ ડ્રગ્સ મુંબઈ અને ગોવા મોકલવામાં આવતું હતું. અગાઉ પણ એક વખત આ ડ્રગ્સ ગયું હોવાની ATSને શંકા છે. ATSના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ ફેક્ટરીમાં કેમિકલ પ્રોસેસ કરીને MD ડ્રગ્સ બનાવવામાં આવતું હતું. જે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ સપ્લાય થતું હતું.
કંપનીની પાછળના ભાગે MD ડ્રગ્સ બનતું હતું
મોકસી ગામમાં આવેલી નેક્ટર કેમ્પ કંપનીની ફેક્ટરીમાં વિવિધ પ્રકારના કેમિકલનું ઉત્પાદન થતું હોવાની માહિતી છે અને કંપનીની પાછળના ભાગે MD ડ્રગ્સ બનાવવામાં આવતું હતું. આ માહિતી મળતાં જ ગુજરાત ATS અને વડોદરા SOGના 25થી વધુની ટીમે દરોડો પાડ્યો હતો અને સર્ચ-ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં મોટે પાયે MD ડ્રગ્સ મળી આવતાં અધિકારીઓ ચોંકી ઊઠ્યા હતા.
પોરબંદર પાસે દરિયામાંથી 2 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું હતું
9 મહિના પહેલાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો(NCB) અને ઇન્ડિયન નેવીએ જોઇન્ટ ઓપરેશન થકી ગુજરાતના મધદરિયે 529 કિલો હશીશ, 234 કિલો મેથેમ્ફેટામાઇન અને થોડી માત્રામાં હેરોઇન ઝડપી પાડ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય કિંમત 2 હજાર કરોડની આસપાસ હતી. મધદરિયામાં આ પ્રકારનું પ્રથમવાર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. NCBને આ પ્રકારનું ડ્રગ ટ્રાફિકિંગ થતું હોવાની માહિતી મળી હતી, જેને નેવલ ઇન્ટેલિજન્સ યુનિટને જાણ કરવામાં આવી હતી, જેને પગલે બન્ને એજન્સીએ સાથે મળીને આ ઓપરેશન પાર પાડ્યું હતું. પોરબંદરના દરિયામાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપવામાં આવ્યો હતો. ડ્રગ્સનો જે જથ્થો પકડાયો છે એ પાડોશી દેશોમાંથી દરિયાઇ માર્ગે ભારત અને બીજા દેશોમાં ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું હતું.
ગુજરાતમાં અગાઉ પણ ડ્રગ્સ પકડાઈ ચૂક્યું છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.