ભાસ્કર ઈનસાઈટ:300 મીટર જમીનનું સંપાદન ન થતાં અટલાદરા-માંજલપુરનો બ્રિજ અધૂરો

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટાઇટલ્સ ક્લિયરન્સના અભાવે અટકેલા કામમાં વધુ એકનો ઉમેરો
  • ડ્રાફ્ટ ટીપી મંજુર જ નથી છતાં બ્રિજ બનાવવાની ઉતાવળ કરવાના નિર્ણયથી અચરજ

શહેરમાં આવેલા અનેક પ્રોજેકટ જમીનના ટાઇટલ ક્લિયરન્સના અભાવે અટક્યા છે. સહકારનગર બાદ હવે અટલાદરાથી માંજલપુર તરફનો બ્રિજ પણ જમીન સંપાદન ન થવાથી અટવાયો છે. અટલાદરા તરફ રેલવે લાઈન નજીકના 300 મીટરની જમીન સંપાદન કરવાનું બાકી છે.

મુંબઈ-અમદાવાદ મુખ્ય બ્રોડ ગેજ લાઈન પર અટલાદરાથી માંજલપુર તરફનો બ્રિજ બનાવવાના કામને વર્ષ 2020ના સપ્ટેમ્બર મહિનામાં મંજૂરી આપી હતી. આ કામ 18 મહિનામાં પૂર્ણ કરવાની શરતે મે. રચના કન્સ્ટ્રક્શનને સોંપાયુ હતું. પરંતુ હજી કામગીરી પૂર્ણ થઈ નથી.

જેની પાછળ અટલાદરા તરફ રેલવે ટ્રેકથી અંદાજીત 300 મીટરની જગ્યાનું હજી સંપાદન કરવાનું બાકી હોવાનું સપાટી પર આવતા તંત્રની કામગીરી પર સવાલો ઉભા થયા છે. બ્રિજનું નિર્માણ ટીપી 31માં થઈ રહ્યું છે અને હાલમાં ડ્રાફ્ટ ટીપી 31ને સરકારમાં મંજૂરી માટે મોકલવામાં આવી છે. ત્યારે હજી ટીપી મંજુર નથી થઈ અને 300 મીટરની જગ્યાનું સંપાદન બાકી છે. તો પાલિકા બ્રિજ બનાવવા માટે ઉતાવળ કેમ કરે છે. જે ચર્ચાનો વિષય છે.

ઉલ્લેખનીય છે કે જે તે સમયે કોંગ્રેસ અને ભાજપના કાઉન્સિલરોએ પણ વિરોધ કર્યો હતો. ત્યારેં સહકારનગર સહિતના પ્રોજેકટમાં જમીન ટાઇટલ ક્લિયર કર્યા વિના ટેન્ડરની પ્રક્રિયા કરવામાં આવી તે જ રીતે આ કેસમાં પણ કેમ જમીનને સંપાદન કર્યા પહેલા જ બ્રિજ બનવવાનો નિર્ણય આશ્ચર્ય પમાડે તેમ છે.

ઈજારદારે માહિતીનું બોર્ડ નહિ મૂકી પરિપત્રનો ભંગ કર્યો
મ્યુનિસિપલ કમિશનરે પરિપત્ર કર્યો છે કે કામ અંગેની વિગતો દર્શાવતું બોર્ડ મૂકવું. જોકે ઇજારદારે બ્રિજની કામગીરી અંગે કોઈ બોર્ડ મુકયું નથી. તદુપરાંત કામપૂર્ણ થવાની તારીખ પર પણ કૂચડો ફેરવ્યો છે.

ટ્રાફિકને ડાઇવર્ટ કરવા માટે બ્રિજ બનાવ્યો
ટીપી મંજુર થાય તેવા અમારા પ્રયાસો રહેશે. આ બ્રિજ બનવાથી દક્ષિણ વિસ્તારને સારો બ્રિજ મળશે. એક જ કિલોમીટરમાં ત્રણ બ્રિજ બનતા ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં સહેલાઇ રહેશે.- ડો. હિતેન્દ્ર પટેલ, અધ્યક્ષ, સ્થાયી સમિતિ

એક િક.મી.ના વિસ્તારમાં ત્રીજો બ્રિજ બનશે
અટલાદરા તરફના વિસ્તારને ન્યુ માંજલપુર તરીકે વિકસાવવા માટેની તજવીજ ચાલી રહી છે. જેના કારણે એક જ કિલોમીટરના વિસ્તારમાં વિશ્વામિત્રી બ્રિજ, વડસર બ્રિજ છે અને ત્રીજો અટલાદરાથી માંજલપુરનો બનશે.

અન્ય સમાચારો પણ છે...