શહેરના માણેજા વિસ્તારમાં પંચરત્ન સોસાયટીમાં ગાયના હુમલામાં ગંગાબેન નામના વૃદ્ઘાનું મોત નિપજ્યું છે. ત્યારે આ જ જગ્યાએ ત્રણ વર્ષ પહેલા આ સોસાયટીમાં રહેતા એક યુવક પર પણ ગાયે હુમલો કર્યો હતો. આ દરમિયાન માંડ માંડ એ યુવકનો જીવ બચ્યો હતો તેમ તેની માતાએ જણાવ્યું છે.
ભગવાનની કૃપાથી પુત્ર બચ્યો
પંચરત્ન સોસાયટીમાં રહેતા દક્ષાબેન પરમારે જણાવ્યું હતું કે ત્રણ વર્ષ પહેલા માપો પુત્ર હિતેન્દ્ર બાઇક લઇને આવતો હતો ત્યારે અહીં જ ગાયે તેના પર હુમલો કર્યો હતો. મારા પુત્રને ગાયે એટલો બધો માર્યો હતો કે ભગવાનની કૃપાથી માંડ માંડ જીવતો બચ્યો હતો. તે સમયે પોલીસ કેસ થયો પણ કોઇ પરિણામ ન આવ્યું.
બહાર નિકળવું મુશ્કેલ બન્યું
દક્ષાબેને કહ્યું કે અમારી તો કોર્પોરેશન અને સરકાર સમક્ષ એટલી જ માંગણી છે કે પશુપાલકોને એવી જગ્યા આપો જ્યાં પશુઓને અલગ રાખી શકાય. અમારે કોઇ કામ માટે બહાર નિકળવું હોત તો મુશ્કેલ બની રહ્યું છે.
ગાયના હુમલામાં વૃદ્ઘાનું મોત
વડોદરામાં રખડતા ઢોરના હુમલાના બનાવો વાંરવાર બની રહ્યા છે. આજે બપોરે દોઢ વાગ્યા આસપાસ હાઉસિંગના મકાનોમાં રહેતા ગંગાબેન પરમાર નામના વૃદ્ઘા પંચરત્ન સોસાયટીમાંથી પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાન સોસાયટીના મકાન પાસે જ ગેરકાયદે બનેલા ઢોરવાડા પાસેથી પસાર થતાં જ એક ગાયે ગંગાબેન પર હુમલો કર્યો હતો. ગાયે વૃદ્ઘાને ગોથે ચડાવતા તેઓ જમીન પર પટકાઇ ગયા હતા અને ગાય વારંવાર તેમના પર હુમલો કરી રહી હતી. પરંતુ વૃદ્ઘાને કોઇ બચાવી ન શક્યું અને બચાવો બચાવોની બૂમો પાડતા ગંગાબેનનું કરુણ મોત થયું હતું.
ઢોરવાડામાંથી 30થી વધુ ગાય-વાછરડા પકડ્યા
ગાય દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પણ આવી પહોંચી હતી. આ ટીમે ગેરકાયદે ઢોરવાડામાંથી 34 જેટલા ગાય અને વાછરડા ઢોર ડબ્બે પુર્યા હતા. તેમજ આ ઢોરવાડાને તોડી પાડવામાં આવ્યો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.