શાકભાજીની આડમાં દારૂની હેરાફેરી:વડોદરા પાસે સેગુવાડાની સીમમાં દારૂના કટિંગ સમયે પોલીસની રેડ, 29 પેટી દારૂ મૂકીને બુટલેગરો ભાગી છૂટ્યા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
શાકભાજીની આડમાં દારુની હેરાફેરીનો પર્દાફાશ - Divya Bhaskar
શાકભાજીની આડમાં દારુની હેરાફેરીનો પર્દાફાશ

વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે વડોદરા નજીક આવેલા સેગુવાડા ગામની સીમમાં દારૂના કટિંગ સમયે દરોડો પાડી રૂપિયા 1 લાખ ઉપરાંતનો અને સિંકદરપુરા ગામ પાસેથી શાકભાજી ભરેલા ટેમ્પોની આડમાં લઇ જવાતો રૂપિયા 87 હજારની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો હતો. વડોદરા જિલ્લા પોલીસે આ બંને ગુનામાં બે વ્યક્તિઓની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

ખાનગી વાહનમાં દરોડો પાડ્યો
વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. કૃણાલ પટેલે જણાવ્યું હતું કે, એલ.સી.બી.ના પી.એસ.આઇ. પી.જે. ખરસાણ સ્ટાફ સાથે ડભોઇ તાલુકામાં પેટ્રોલિંગમાં હતો. દરમિયાન અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ હરીશચંદ્રસિંહ અને અજયસિંહને માહિતી મળી હતી કે, ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલી ફોર્ચ્યુનર કારમાં સેગુવાડા ગામની સીમમાં જવાનો છે અને ત્યાં દારૂનું કટિંગ થનાર છે. જેના આધારે એલસીબીની ટીમે ખાનગી વાહનમાં દરોડો પાડ્યો હતો.

શાકભાજીની આડમાં દારુ લઇ જનાર ટેમ્પો ચાલક તથા તેનો સાગરીત
શાકભાજીની આડમાં દારુ લઇ જનાર ટેમ્પો ચાલક તથા તેનો સાગરીત

ટેમ્પોની નંબર પ્લેટ તૂટી ગઈ
પોલીસે ખાનગી વાહનમાં સેગુવાડા ગામની સીમમાં પહોંચતા ખાનગી વાહનની લાઇટ જોઈને કટીંગ કરનાર અને દારૂ લેવામાં આવનાર તમામ સ્થળ છોડી ફરાર થઈ ગયા હતા. ફોર્ય્યુનર કારનો ચાલક પણ લાઇટ જોઇને દિવાળીપુરા ગામ તરફ ભાગી ગયો હતો. જોકે, રસ્તામાં આવતા સ્પીડ બ્રેકરમાં ગાડીનો આગળનો ભાગ નંબર પ્લેટ સાથે તૂટી ગયો હતો. જોકે, આ ગાડીનો પીછો કરી રહેલી પોલીસ ગાડી સુધી પહોંચે તે પહેલાં ચાલક અંધારાનો લાભ લઇ ફરાર થઇ ગયો હતો.

આ બોક્સમાં દારુ ભરીને લઇ જતા હતા
આ બોક્સમાં દારુ ભરીને લઇ જતા હતા

ગાડીના ચાલકની શોધખોળ
દારૂ લઇને કટિંગ કરવા માટે આવેલો ફોર્ચ્યુનર કારનો ચાલક હાથ ન લાગતા પોલીસ જે સ્થળે દારૂનું કટિંગ થવાનું હતું તે સ્થળે પહોંચી હતી. જ્યાંથી પોલીસને રૂપિયા 1,08,600ની કિંમતની ભારતીય બનાવની વિદેશી દારુની 29 પેટી મળી આવી હતી. દારુની પેટીઓમાંથી પોલીસને 1086 નંગ દારુની બોટલો મળી આવી હતી. પોલીસે દારુનો જથ્થો કબજે કરી ફોર્ચ્યુનર ગાડીના ચાલક સામે ગુનો દાખલ કરી શોધખોળ હાથ ધરી હતી.

બુટલેગર દારુની પેટીઓ મૂકી ફરાર થઇ ગયો
બુટલેગર દારુની પેટીઓ મૂકી ફરાર થઇ ગયો

બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી
એલ.સી.બી. પી.આઇ. કૃણાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લા એલ.સી.બી.ની ટીમ વાઘોડિયા પોલીસની હદમાં પેટ્રોલિંગમાં હતી. તે સમયે અ.હે.કો. કનુભાઇને માહિતી મળી હતી કે, એક છોટા હાથી ટેમ્પોમાં દારુ શાકભાજીની આડમાં વડોદરા લાવવામાં આવે છે. અને શાકભાજી શાકર્માર્કેટમાં ખાલી કરી આ ટેમ્પો આજવા ચોકડીથી નિમેટા ગામ તરફ જવાનો છે. જે માહિતીના આધારે એલ.સી.બી.ની ટીમે વાઘોડિયા તાલુકાના સિંકદરાપુરા ગામના બસસ્ટેન્ડ પાસે વોચ ગોઠવી દીધી હતી.

કેરેટમાં દારૂ છૂપાવ્યો હતો
દરમિયાન માહિતીવાળો છોટાહાથી ટેમ્પો પસાર થતાંજ પોલીસે રોક્યો હતો. અને ટેમ્પો ચાલક અર્જુન રસુલભાઇ રાઠવા (મૂળ રહે. ચીમલી, જેતપુરપાવી) અને અજીત રંગુભાઇ રાઠવા (રહે. પ્રતાપપુરા ગામ, પાવીજેતપુર)ની ધરપકડ કરી હતી. દરમિયાન તેઓને સાથે રાખી ટેમ્પોમાં તપાસ કરતા શાકભાજીના કેરેટમાં રાખેલા ટામેટાની આડમાં લાવવામાં આવેલો 87230 ની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારુનો જથ્થો તેમજ 1 લાખની કિંમતનો ટેમ્પો વિગેરે મળી કુલ્લે રૂપિયા 1,97,630નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવ અંગે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...