એમ.એસ.યુનિવર્સિટીના 71માં કોન્વોકેશન માટે ફોર્મ ભરવાની મુદત 15 તારીખ સુધી લંબાવામાં આવી છે. ગત વર્ષે કોન્વોકેશનમાં ડિગ્રી મેળવનારા 15 હજાર વિદ્યાર્થીઓમાંથી 7 હજાર વિદ્યાર્થી સ્કાર્ફ-ફોલ્ડર લઇ ગયા નથી. 6 મહિના કરતાં વધારે સમય રાહ જોયા પછી સ્કાર્ફ-ફોલ્ડર આવ્યા ના હોવાથી કંટાળીને વિદ્યાર્થીઓ લેવા આવ્યા જ નથી.
યુનિવર્સિટીમાં આગામી કોન્વોકેશન માટે ફોર્મ ભરવા માટે 6 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. જેમાં તમામ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકયા ના હોવાથી મુદત વધારીને 15 જાન્યુઆરી સુધી કરવામાં આવી છે. ગત વર્ષે 70માં કોન્વોકેશનમાં વિદ્યાર્થીઓ પાસે ડિગ્રીની ફી લેવામાં આવી હતી જેમાં સ્ક્રાર્ફ અને ફોલ્ડરનો સમાવેશ થતો હતો.
જોકે કોન્વોકેશન પૂરું થઇ ગયા પછી 6 મહિના સુધી વિદ્યાર્થીઓને ડિગ્રીના ફોલ્ડર કે સ્ક્રાર્ફનું વિતરણ કરવામાં આવ્યું ના હતું. વિદ્યાર્થીઓ દ્વારા વારંવાર ધક્કા ખાવામાં આવ્યા હોવા છતાં પણ તેમની ડિગ્રીનું ફોલ્ડર અને સ્કાર્ફ મળ્યા ના હતા. 6 મહિના બાદ સ્ટોક આવ્યો હતો.
જોકે સંખ્યાબંધ વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે તથા અન્ય યુનિવર્સિટીમાં પ્રવેશ લઇ લીધો હોવાથી વિદ્યાર્થીઓ રૂપિયા ભર્યા હોવા છતાં પણ ફોલ્ડર અને સ્કાર્ફ લેવા આવ્યા ના હતા. ગત વર્ષે 15 હજાર વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઇ હતી. જોકે તેમાંથી 50 ટકા એટલે કે 7 હજાર જેટલા વિદ્યાર્થીઓ તો ડિગ્રી ફોલ્ડર અને સ્કાર્ફ લેવા માટે આવ્યા ના હોવાનું જાણવા મળ્યું છે. જેથી 7 હજાર જેટલા ફોલ્ડર અને સ્કાર્ફ પડી રહ્યા છે.
કોન્વોકેશન ફીમાં રૂા.20 વધારો કરાયો
યુનિ.ના સિન્ડિકેટમાં થયેલા ઠરાવ પ્રમાણે કોન્વોકેશન ફીમાં 20 રૂપિયા વધારો કરવામાં આવ્યો છે. 500 રૂપિયાની ફી 520 કરાઇ છે. દર વર્ષે 20 રૂપિયા વધારો કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. જોકે કોરોનાના કારણે બે વર્ષ સુધી વધારો કરાયો ના હતો. ફીમાં વધારો તો કરાયો છે પણ સમય સર વિદ્યાર્થીઓને ફોલ્ડર અને સ્કાર્ફ વિતરણ યોગ્ય સમયે કરવામાં આવતું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.