વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનો 71મો પદવીદાન સમારોહ વિદ્યાર્થીઓની નારાજગી વચ્ચે સર સયાજીરાવ નગરગૃહ ખાતે યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યના શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ, યુનિવર્સિટીના ચાન્સેલર રાજમાતા શુભાંગીનીરાજે ગાયકવાડ, વી.સી. ડૉ. પ્રો, વિજયકુમાર શ્રીવાત્સવ સહિત રજીસ્ટ્રાર ડો. કે.એમ. ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા અને મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીએ 25 વર્ષનો કાળ હવે યુવાઓના હાથમાં હોવાનું જણાવીને ભારતને વિશ્વમાં શ્રેષ્ઠ બનાવવા માટે કાર્યરત રહેવા જણાવ્યું હતું.
વિદ્યાર્થી હોવાનો ગર્વ અનુભવો
કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે વધુમાં જણાવ્યું હતું કે, ડીગ્રી મેળવનાર વિધાર્થીઓને તેમજ તેમના માતા-પિતાને શુભેચ્છા આપી હતી અને આજના સમારોહમાં ઉપસ્થિત રહેવા બદલ પોતાનું અહોભાગ્ય ગણાવતા તેમણે સર સયાજીરાવ ગાયકવાડના કાર્યો અને તેમનું સ્વતંત્રતા કાળનું યોગદાન અને બલિદાનને યાદ કર્યા હતા. આઝાદીના 75 વર્ષમાં વિધાર્થીઓને શિક્ષણ કાર્ય પૂર્ણ કરીને સમાજકાર્યમાં પ્રવેશવા અને દેશ અને રાષ્ટ્રસેવા કરવા માટે અનુરોધ કર્યો હતો અને એમ. એસ. યુનિવર્સિટીના વિધાર્થીઓ હોવાનો ગર્વ લેવા જણાવ્યું હતું.
શિક્ષા નિતીને સમજવા અનુરોધ
યુનિવર્સિટીમાંથી મેળવેલી શિક્ષા અને દીક્ષાને સમાજ કાર્યો માટે ઉપયોગમાં લઈને સમાજપયોગી અને દેશહિત માટે કાર્ય કરવા જણાવ્યું હતું. તેમણે વિધાર્થીઓને "માઇનોર હિંટ્સ" પુસ્તકને વાંચવા અને જીવનમાં ઉતારવા માટે જણાવ્યું હતું. આ પુસ્તકમાં સયાજીરાવ ગાયકવાડના શાસનની પ્રણાલીઓને વણી લેવામાં આવી છે. નવી શિક્ષા નીતિને સમજવા માટે અનુરોધ કર્યો હતો.
મુખ્ય ઉદ્દેશ સારા ગુણ મેળવવાનો નથી
કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું કે, આપણી માતૃભાષાનું સંવર્ધન કરવા અને તેને ન ભૂલવા જણાવ્યું હતું. શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ માત્ર સારા ગુણ મેળવવાનો અને પ્રમાણપત્ર મેળવવાનો નથી. દેશના 75થી 100 વર્ષના કાળને સંકલ્પથી સિધ્ધી તરીકેનો સમય ગણાવ્યો હતો. 25 વર્ષનો કાળ હવે યુવાઓના હાથમાં હોવાનું જણાવીને ભારતને વિશ્વમાં શ્રેષ્ઠ બનાવવા માટેના કાર્યરત રહેવા જણાવ્યું હતું.
ચાન્સેલરે વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી
યુનિવર્સિટીના ચાન્સેલર શુંભાગીનીરાજે ગાયકવાડે સ્નાતક અને અનુસ્નાતકની ડીગ્રી મેળવનાર વિધાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છા આપી હતી. તેમજ પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ કાર્ય કરીને યુનિવર્સિટીનું નામ તેમજ દેશનું નામ રોશન કરવા જણાવ્યું હતું. 71માં પદવીદાન સમારોહમાં 192 વિદ્યાર્થીઓને 300થી વધુ સુવર્ણ પદક એનાયત કરવામાં આવ્યા હતા.
અજ્ઞાત સ્થળે લઇ જવાયા
વડોદરા મહારાજા યુનિવર્સિટી દ્વારા આયોજિત 71મો પદવીદાન સમારોહ રાજકીય મેળાવડો બની ગયો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અતિથી વિશેષ પદે હોવાના કારણે સયાજી નગરગૃહમાં પ્રથમ બે હરોળમાં સ્થાનિક ભાજપા અગ્રણીઓ પોતાના ચહેરા બતાવવા ગોઠવાઈ ગયા હતા. જ્યારે સરકાર સમર્પિત સિન્ડિકેટ સભ્યો અને સેનેટ સભ્યોએ પણ પદવીદાન સમારોહમાં સ્થાન ગ્રહણ કરી લેતા લીધું હતું. જો કે, વિપક્ષી સિન્ડિકેટ સભ્યો નરેન્દ્ર રાવત, નિકુલ પટેલ અને કપિલ જોશીએ બેઠકની અવ્યવસ્થાને લઇ વિરોધ કરતા તેઓની પોલીસે અટકાયત કરીને અજ્ઞા સ્થળે લઈ જવાયા હતા.
સમજાવ્યા છતા ન સમજ્યા
મળેલી માહિતી પ્રમાણે વિપક્ષી સિન્ડીકેટ સભ્યોએ બેસવાની વ્યવસ્થાને લઇ ઉહાપો કરતા ઉપસ્થિત રાજકીય અગ્રણીઓએ તેઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં સિન્ડીકેટ સભ્ય નરેન્દ્ર રાવતે માજી ધારાસભ્ય ભુપેન્દ્ર લાખાવાલાનું અપમાન કરી નાંખ્યું હતું. યુનિવર્સિટીના સત્તાધીશો સામે રોષ ઠાલવ્યો હતો. વિપક્ષી સિન્ડીકેટ સભ્યોએ ભારે ઉહાપો કરતા પોલીસને દરમિયાનગીરી કરવાની ફરજ પડી હતી. પરંતુ, પોલીસની દરમિયાનગીરી પછી પણ સિન્ડીકેટ સભ્યોએ બળાવો ઠાલવવાનું ચાલુ રાખતા આખરે તેઓની અટકાયત કરીને અજ્ઞાત સ્થળે લઇ જવાયા હતા.
વિદ્યાર્થીઓ બહાર નેતાઓ અંદર
અકોટા સયાજી નગરગૃહ ખાતે આયોજિત 71 માં પદવીદાન સમારોહમાં ખરેખર વિદ્યાર્થીઓને કોન્વેશનમાં હાજર રહેવાના બદલે ભાજપના કાર્યકરો વધુ પ્રમાણમાં નગરગુહમાં ઘૂસી જતા વિદ્યાર્થીઓને નગરની બહાર રહેવાની ફરજ પડી હતી. આ પદવીદાન સમારોહ પદવિદાન સમારોહના બદલે રાજકીય મેળવવામાં ફેરવાઈ ગયો હોય તેમ જણાતું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.