રસીકરણ:રસીકરણ ઝુંબેશમાં પાદરા તાલુકો મોખરે, 3561 કિશોરો સુરક્ષિત થયા

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડોદરા જિ.માં ટકાવારીની રીતે રસીકરણ સૌથી વધુ ડભોઇમાં 33.2%

તરુણ રસીકરણ ઝુંબેશમાં જિલ્લાનો પાદરા તાલુકો મોખરે રહ્યો હતો. જ્યાં 3561 કિશોરોએ કોવેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. જોકે ટકાવારીમાં સૌથી વધુ 32.2 ટકા રસીકરણ ડભોઇમાં થયું હતું. સર્વે આધારિત લક્ષ્યાંક અનુસાર જિલ્લામાં 15 થી 18 વર્ષની ઉંમરના 68,502 કિશોરો રસી લેવાને પાત્ર છે. તાલુકાવાર આંકડા અનુસાર, સોમવારે ડભોઇ તાલુકામાં 2355, ડેસર તાલુકામાં 890, કરજણ તાલુકામાં 2040, પાદરા તાલુકામાં 3561, સાવલી તાલુકામાં 2539, શિનોર તાલુકામાં 782, વડોદરા તાલુકામાં 3372 અને વાઘોડિયા તાલુકામાં 2319 કિશોરોને રસી મૂકવામાં આવી હતી.

પાદરાના ધારાસભ્યે આરોગ્ય સ્ટાફ સાથે વેક્સિનેશનનો આરંભ કરાવ્યો
પાદરામાં 15થી 18 વર્ષના તરુંણો માટે 12,500 ઉપરાંત બાળકોને કોરોના પ્રતિરોધક રસી આપી સુરક્ષા પ્રદાન કરવા માટેનો પ્રારંભ થયો હતો. જેમાં પાદરાની પી.પી.શ્રોફ હાઈસ્કૂલ તથા ડી.ડી.પટેલ શારદા હાઈસ્કૂલમાં પણ વેક્સિન મુકવામાં આવી હતી.

પાદરાના ધારાસભ્ય જશપાલસિંહ પઢીયાર દ્વારા આરોગ્ય સ્ટાફ સાથે આ વેક્સિનેશનનો પ્રારંભ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે પ્રથમ દિવસે જ પાદરામાં 3561 કિશોરોએ ઉત્સાહભેર રસીકરણ કરાવ્યું હતું. આ રીતે રસીકરણ ઝુંબેશમાં સમગ્ર જિલ્લામાં પાદરા અગ્રેસર રહ્યું હતું.

વાઘોડિયામાં 15+ના 8100 બાળકોના ટાર્ગેટ સામે 2488ને વેક્સિન અપાઈ
વાઘોડિયા તાલુકામાં સોમવારથી 39 શાળા અને આંગણવાડી કેન્દ્રો પર રસીકરણ ઝુંુબેશ શરુ કરાઈ છે. ત્યારે તાલુકાના 8100 બાળકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવાનું લક્ષ્યાંક છે. જેમાં સોમવારે 2488 બાળકોને વેક્સિન અપાઇ હતી. વાઘોડિયા આરોગ્ય વિભાગના MPHW, FHW સહિત આશાવર્કરો ઝુંબેશમાં જોડાયા છે. ત્યારે બાળકોના વેક્સિનેશનની શરૂઆત જિ.પં. આરોગ્ય સમિતીના ચેરમેન નિલેષ પુરાણી, THO ડો. કલ્પેશ પગી સહિત શાળાના આચાર્યો અને શિક્ષકો વગેરેએ દીપ પ્રાગટ્ય સાથે થઇ હતી.

ડભોઇમાં 2700 જેટલા તરુણ-તરુણીઓનું રસીકરણ
ડભોઇ તાલુકામાં 32 જેટલી શાળા સેન્ટરો પર 15+ને રસી મુકવાની કામગીરી શરૂ થઇ ચૂકી છે. જેમાં સવારે 11થી દરેક સેન્ટરો પર રસીકરણનો પ્રારંભ કરાયો હતો. જેમાં ઉત્સાહથી બાળકોએ રસી મુકાવી હતી. બપોરે 1 વાગ્યા સુધીમાં શહેરની નવપદ સાર્વજનિક હાઈસ્કૂલ, દયારામ સ્કૂલ,વિશ્વભારતી સ્કૂલ, આર.જી.પંડ્યા સ્કૂલ, મહાદેવીય સ્કૂલ એમ 5 શાળાઓમાં 100 ઉપરાંત વિદ્યાર્થીઓએ રસી મૂકાવી હતી. અત્યાર સુધી કોઈ વિદ્યાર્થીને કોઇ આડ અસર નથી થઈ. THO ડોક્ટર ગુડિયા રાનીએ જણાવ્યું હતું કે 2700 બાળકોને રસીકરણ અવશ્ય થશે.

કરજણમાં 1800 કિશોરોએ પ્રથમ દિવસે રસી મૂકાવી
હાલમાં સરકારે 15થી 18 વર્ષની ઉંમર ધરાવતા યુવાનોને કોરોનાની રસીમૂકવામાં આવી રહી છે. જેમાં પ્રથમ શાળાઓમાં અભ્યાસ કરતા 15થી 18 વર્ષના યુવાનોને શાળાઓમાં જઈને આરોગ્ય ખાતા દ્વારા રસી મૂકવામાં આવી હતી. જેમાં કરજણ નગર અને તાલુકામાં 9000 જેટલા વિદ્યાર્થીઓમાંથી પ્રથમ દિવસે 1800 જેટલા વિદ્યાર્થીઓને કોરોનાની રસી મૂકવામાં આવી હતી. સરકાર દ્વારા હવે 15થી 18 વર્ષના યુવાનોને વિદ્યાર્થીઓને કોરોનાની રસી મૂકવામાં આવી રહી છે. અને મોટા શહેરોમાં કોરોનાના કેશોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે 3 જાન્યુઆરીને સોમવારથી 15થી 18 વર્ષના વિદ્યાર્થીઓ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવમાં આવ્યો છે. જેમાં કરજણ તાલુકામાં 9000 જેટલા વિદ્યાર્થીઓનું રજિસ્ટેશન થયેલ છે. જેમાં પ્રથમ દિવસે કરજણ નગર અને તાલુકામાં થઈને 1800 જેટલા વિદ્યાર્થીઓને કોરોનાનો પ્રથમ ડોઝ આપવમાં આવ્યો હતો.

ચાંદોદની બીએન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ કોરોના વિરોધી રસીનો પ્રથમ ડોઝ લેવામાં સહકાર આપ્યો
ભારત સરકાર દ્વારા દેશભરમાં 15થી 18 વર્ષની વયના છાત્રોને શાળામાં જ રસી કેન્દ્રો ઉભા કરી સોમવારથી વેક્સિનેશન શરૂ કરાયું છે. ત્યારે તીર્થક્ષેત્ર ચાંદોદની શ્રી બી.એન હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા ધો.9થી 12ના ચાંદોદ તેમજ પંથકના નવા માંડવા- જુના માંડવા, કરનાળી, ભીમપુરા, નંદેરીયા, દરિયાપુરા, પીપળીયા, વડીયા જેવા વિવિધ ગામોના 250 ઉપરાંત વિદ્યાર્થીઓને ચાંદોદ PHCના મેડિકલ સ્ટાફ દ્વારા કોરોના વિરોધી રસી કોવેક્સિન આપવાનો પ્રારંભ કરાયો છે. વેક્સિનેશનના પ્રથમ દિવસે વાલીઓના હકારાત્મક સહકાર અને શાળા પરિવારના માર્ગદર્શન સાથે છાત્રોએ ઉત્સાહભેર કોરોના વિરોધી રસી મુકાવી હતી.

અન્ય સમાચારો પણ છે...