તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવી જાણકારી:કોરોના કાળમાં લોકોને જે નવા શબ્દો જાણવા મળ્યા એમાં આરોગ્ય કર્મચારીઓનું સુરક્ષા કવચ PPE કીટ મોખરે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોના કાળમાં લોકોને PPE કીટ નવા શબ્દ તરીકે પ્રચલિત - Divya Bhaskar
કોરોના કાળમાં લોકોને PPE કીટ નવા શબ્દ તરીકે પ્રચલિત
  • કોરોના કાળમાં સયાજી હોસ્પીટલમાં બે લાખથી વધુ PPE કીટનો ઉપયોગ થયો છે.

કોરોના કાળમાં માસ્ક, સેનીટાઈઝર,સોશિયલ ડિસ્ટન્સ, કવોરન્ટાઈન જેવા અનેક નવા શબ્દો,જે આમ તો શબ્દકોશમાં હતાં જ,પરંતુ કોરોનાની મહામારીમા PPE કીટ એટલે કે પર્સનલ કે પ્રોફેશનલ પ્રોટેક્ટીવ ઈકવિપમેન્ટ કદાચ મોખરાનો શબ્દ બની રહ્યો. જો કે આ PPE કીટ આમ તો તબીબી ક્ષેત્રે વિવિધ શસ્ત્રક્રિયા,એઇડ્સ જેવા ચેપ થી પીડિત વ્યક્તિઓની સર્જરી ઈત્યાદિમાં ઉપયોગમાં લેવાતી રહી છે.ઔધોગિક ક્ષેત્રમાં પણ જુદા પ્રકારના અંગરક્ષક વસ્ત્રો ઉપયોગમાં લેવાતાં રહ્યાં છે.

આવશ્યક જગ્યાએ PPE કીટનો ઉપયોગ થાય છે
સયાજી હોસ્પિટલના કોરોના વિભાગના વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી. કહે છે કે એક અંદાજ પ્રમાણે કોરોના ની પહેલી અને બીજી લહેરમાં કુલ મળીને 2 લાખથી વધુ PPE કીટ મધ્ય ગુજરાતની સહુ થી મોટી સયાજી હોસ્પિટલ અને સંલગ્ન વિસ્તરણ સુવિધાઓમાં,આ રોગની અતિ ચેપી પ્રકૃતિ ને ધ્યાનમાં લઈને તબીબો થી લઈને વર્ગ 4 ના કર્મચારીઓ ની આરોગ્ય રક્ષા માટે નિર્ધારિત પ્રોટોકોલ ને અનુસરીને ઉપયોગમાં લેવામાં આવી છે.રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે પ્રત્યેક સમયે પૂરતા જથ્થામાં તે ઉપલબ્ધ કરાવી છે.હાલમાં પણ જરૂર પ્રમાણે અને આવશ્યક હોય ત્યાં બધે જ તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

અધિકારીઓએ PPE કીટ પહેરીને રેડ ઝોનમાં પ્રવેશ કર્યો છે
ખાસ ફરજ પરના અધિકારી,કલેકટર, મ્યુનિસીપલ કમિશનર જેવા ઉચ્ચાધિકારીઓ એ પણ જરૂર પડી ત્યારે આ કીટ પહેરીને જ કોરોના વોર્ડના રેડ ઝોનમાં પ્રવેશ કર્યો છે. ફરજના 8 થી 10 કલાક સુધી આ કીટ પહેરી રાખવી એ,ખાસ કરીને બળબળતા ઉનાળામાં ખૂબ વિકટ પડકાર ગણાય. આ કીટ પહેર્યા પછી ઉતારો નહિ ત્યાં સુધી પાણી કે ભોજન ન લઈ શકાય, અસહ્ય અકળામણ અનુભવાય,તેમ છતાં,આ બધાં કષ્ટો વેઠીને જેમણે આરોગ્ય સેવા કરી છે એમના તપ ને લાખો સલામો પણ ઓછી પડે. ડો.બેલીમ કહે છે કે કીટ પહેરીને સૈનિક કે યોદ્ધા જેવી અનુભૂતિ થાય છે.

PPE કીટ પહેરવી અને ઉતારવી ચોકસાઈ માંગતી પ્રક્રિયા છે
PPE કીટ પહેરવી અને ઉતારવી ચોકસાઈ માંગતી પ્રક્રિયા છે

શંકાસ્પદ દર્દીના આગમનથી PPE કીટનો ઉપયોગ શરૂ થયો
કોરોના મેનેજમેન્ટ માં PPE કીટ અનિવાર્ય ઉપયોગીતા વાળું સાધન પુરવાર થયું એવી લાગણી વ્યક્ત કરતાં ડો.બેલીમ વધુમાં જણાવે છે કે, તા.16 મી માર્ચ 2020 ના રોજ સયાજી હોસ્પીટલમાં કોવિડ ના પહેલા શંકાસ્પદ દર્દીના આગમનથી તેનો ઉપયોગ શરૂ થયો.આ કીટ ના એક પેકેજમાં માથાના વાળ થી પગના તળિયા સુધીના શરીરના અંગોને આવરણ હેઠળ રાખવા ગાઉન, શુ કવર,હાથ મોજાં,હેડ કવર,એન 95 માસ્ક,ફેસ શિલ્ડ,ગોગલ્સ અને ઘણીવાર સેનીટાઈજર નો સમાવેશ થાય છે.કોરોના ની ખૂબ ચેપી પ્રકૃતિ ને ધ્યાનમાં લેતા તેના માટેની કીટ થોડી વધુ જાડાઈ ની,ક્વોલિટી ની રીતે ખૂબ વધુ જી.એસ.એમ.વાળી બનાવવામાં આવી અને ક્યાંક લેમીનેટેડ કીટ નો પણ ઉપયોગ થયો.

PPE કીટ પહેરવી અને ઉતારવી ચોકસાઈ માંગતી પ્રક્રિયા
આ કીટ ને પહેરવી અને ઉતારવી, એ પણ ખૂબ ચોકસાઈ માંગી લેતી પ્રક્રિયા છે.કોરોના વિભાગમાં આવતા તબીબ કે કર્મચારી કે અન્ય પ્રવેશને પાત્ર કોઈપણ વ્યક્તિ માટે,ગ્રીન ઝોનમાં બનાવવામાં આવેલા ડોનિંગ એરિયામાં સમુચિત રીતે તે પહેરીને જ રેડ ઝોનમાં પ્રવેશનો ચુસ્ત નિયમ છે.તે જ રીતે,ફરજ પૂરી થયાં પછી રેડ ઝોનમાં જ અલાયદા ડોફિંગ એરિયામાં તે સલામત રીતે ઉતારીને પછી જ બહાર આવી શકાય એવો નિયમ છે.સામાન્ય રીતે આ એરિયામાં થી સીધા જ કોરોના વિભાગની બહાર નીકળી શકાય અને ફરીથી કોરોના વિસ્તારમાં પ્રવેશવું ના પડે એવી તકેદારી રૂપ વ્યવસ્થા રાખવામાં આવી છે.

ડો.બેલીમ ના જણાવ્યા પ્રમાણે પહેલી લહેરમાં જુલાઈ,ઓગસ્ટ, સપ્ટેમ્બર 2020 ના પિક દરમિયાન સયાજીમાં દૈનિક 500 થી 550 કીટ અને બીજી લહેરમાં વધુ ઉગ્ર એપ્રીલ અને મે 2021 ની પીકમાં દૈનિક 800 થી 850 PPE કીટ ઉપયોગમાં લેવામાં આવી. કોવિડ ની ખૂબ કપરી બીમારીમાં તબીબો અને આરોગ્ય કર્મચારીઓ ને ચેપ થી બચાવવામાં આ કિટે લક્ષ્મણ રેખા જેવું કામ કર્યું છે.તો આ કીટ પહેરીને 8 થી 10 કલાક ખાધા પીધા વગર અને પરસેવે રેબઝેબ થઈને જેમને ફરજ બજાવી છે એ તમામ કર્મયોગીઓ જીવન રક્ષક યોદ્ધાઓના સન્માનને યોગ્ય છે.