તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:મે મહિનામાં રેલવે સ્ટેશન પર મૂકેલાં 40 લાખનાં ટિકિટ વેન્ડિંગ મશીનનો ખર્ચ માથે, હજુ એકેય કાર્ડ ન વેચાયું

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જનરલ-પ્લેટફોર્મ ટિકિટ, પાસ માટે લાઇનોમાં ઊભા ન રહેવું પડે તે માટે મશીન મૂકાયાં છે

વેસ્ટર્ન રેલવેમાં મોટા રેલવે સ્ટેશન પર યાત્રીને જનરલ ટિકિટ સહિતની અન્ય સુવિધા મળી રહે તે માટે ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન મૂકાયાં છે. જે પૈકી વડોદરા સ્ટેશન ખાતે મે-2021માં 5 મશીનો ઇન્સ્ટોલ કર્યા બાદ તેનો ઉપયોગ કરવા માટેનું એક પણ કાર્ડ ન વેચાતાં મશીન ધૂળ ખાઇ રહ્યાં છે. રેલવે દ્વારા 40 લાખના ખર્ચે ખરીદેલાં ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીનમાંથી પ્લેટફોર્મ ટિકિટ, સિઝનલ પાસ અને જનરલ ટિકિટ નીકળતી હોય છે.

જેથી મુસાફરોને ટિકિટ વિન્ડો પર રાહ જોવી ન પડે અને લાંબો સમય લાઈનમાં ઊભું રહેવું ન પડે. આ મશીન ઓપરેટ કરવા માટેના પ્રિપેઇડ કાર્ડ વેસ્ટર્ન રેલવેના અમદાવાદ, સુરત, મુંબઇ, વડોદરા જેવાં તમામ સ્ટેશનો પર ઉપયોગમાં લઇ શકાય છે.

જોકે હાલના તબક્કે આ મશીનમાંથી માત્ર મેલ એક્સપ્રેસ ટ્રેનની જનરલ ટિકિટ જ નીકળે છે. જ્યારે સમગ્ર વેસ્ટર્ન રેલવેમાં આ મશીન પર પ્લેટફોર્મ ટિકિટ બ્લોક કરવામાં આવી છે. જેથી મુસાફરો આ મશીનનાં કાર્ડ લેવાનું પસંદ કરતા નથી. બીજી તરફ કોરોનાને પગલે રેલવે દ્વારા હજુ પાસ શરૂ કરાયા નથી, જેથી આ મશીનનો ઉપયોગ થતો ન હોવાનું રેલવે જણાવી રહ્યું છે.

3 વર્ષ અગાઉ આ સિસ્ટમ નિષ્ફળ ગઇ હતી
રેલવે દ્વારા 3 વર્ષ પહેલાં આવાં મશીનો લગાવાયાં હતાં, જે કથિત સ્કેન્ડલ કે ટેક્નોલોજીની ખામીને પગલે સફળ થયાં નહતાં અને કાર્ડ ખરીદનારને પૈસા રિફંડ આપવાનો વખત આવ્યો હતો. ફરી મૂકાયેલાં આ મશીન આધુનિક હોવાનું રેલવે દ્વારા જણાવાય છે.

મશીનનો ઉપયોગ કેવી રીતે કરવો?
આ મશીનનો ઉપયોગ કરવા માટે મુસાફરે બુકિંગ વિન્ડો પરથી 100 રૂપિયાનું 1 એટીએમ કાર્ડ જેવું કાર્ડ ખરીદવું પડશે. જેમાં 50 રૂપિયા કાર્ડનો ચાર્જ છે, જ્યારે 50 રૂપિયાનું બેલેન્સ મળે છે. તેમાં બેલેન્સ કરાવવા માટે પણ રેલવે સ્ટેશન બુકિંગ ઓફિસે જવું પડશે.

અન્ય સમાચારો પણ છે...