રક્ષામંત્રી રાજનાથસિંહ કારેલીબાગ સ્વામિનારાયણ મંદિર ખાતે ચાલી રહેલા સપ્તદિનાત્મક સત્સંગ જ્ઞાનયજ્ઞના ત્રીજા દિવસે અભ્યુદય યુવા શિબિરમાં સહભાગી બન્યા હતા. તેમણે ગુજરાતને ધાર્મિક, સામાજિક, આદ્યાત્મિક અને આર્થિક ચેતનાનું કેન્દ્રબિંદુ ગણાવ્યું હતું.તેમણે કહ્યું કે, અહીં આવવાથી અનેક અનોખા પ્રકારની સકારાત્મક્તા ઊર્જા મળે છે. અહીંની ભૂમિ પવિત્ર છે. આ ભૂમિએ નરસિંહ મહેતા, દાદુ દયાળ અને સહજાનંદ સ્વામિ જેવી વિરલ વિભૂતિઓએ ભક્તિ માર્ગ પ્રશસ્ત કરી અનેક લોકોને સદ્દમાર્ગે વાળવાનું પુણ્યનું કામ કર્યું હતું.
શાસ્ત્રોએ નવી રાહ ચિંધી
રક્ષામંત્રીએ જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિ વિભિન્નતામાં એકતાને પ્રસ્તુત કરે છે. ભારતીય સંસ્કૃતિ જેટલી પ્રાચીન છે, એટલી જ નવીનત્તમ છે. અન્ય મતને સન્માન આપવાનું કામ આપણી સંસ્કૃતિ કરે છે. અનેક ધર્મ, સંપ્રદાય અને મતોને પણ ભારતીય સંસ્કૃતિએ જાળવી રાખ્યા છે. આ જ ભારતીયતાની સાચી નિશાની છે. માનવતા નિભાવી કલ્યાણ કરવાનું કાર્ય આ સંસ્કૃતિએ કર્યું છે. દર્શનશાસ્ત્ર અને જ્ઞાન થકી દુનિયાને નવી રાહ આ સંસ્કૃતિએ બતાવી છે.
એકત્વથી ઈશ્વરત્વનો અહેસાસ
રાજનાથસિંહે એમ પણ ઉમેર્યું કે, ભગવાન શ્રી સ્વામિનારાયણે ગરીબો, દલીતો, પીડિતો અને મહિલાઓની આદ્યાત્મિક ઉન્નતીનો માર્ગ પ્રશસ્ત કર્યો છે. સવા બસ્સો વર્ષ પૂર્વે તેમણે સમાજમાં ચાલી રહેલી બદીઓને દૂર કરવાનું આહ્વાન કર્યું હતું. શિક્ષાપત્રી જેવો મહાન ગ્રંથ આપી માનવતા, સદ્દગુણો અને આદ્યાત્મિક્તાનો બોધ અમર કર્યો છે. આજના જમાનામાં શિક્ષાપત્રીની પ્રાસંગિક્તા વધી છે.તેમણે જણાવ્યું કે, જેમ મનનું સર્કલ મોટું હોઇ એમ આપણામાં આંતરિક આનંદનો વ્યાસ પણ વધે છે. મન મોટું રાખવાથી શાંતિનો અનુભવ થાય છે. વિવાદ કરવાને બદલે સંવાદ કરવાની તક મળે છે. એકત્વથી ઇશ્વરત્વનો અહેસાસ છે.
રેકોર્ડમાં સ્થાન મળ્યું
જ્ઞાનજીવનદાસજીએ આશીર્વચન આપતા કહ્યું કે, દેશની સરહદોનું રક્ષણ થાય છે, ત્યારે આપણે સૌ શાંતિથી રહી શકીએ છીએ. દેશનું રક્ષણ કરતા આપણા વીર જવાનો દેશનું ઘરેણું છે. આપણે સૌ આપણી ફરજ સારી રીતે નિભાવીએ એ પણ દેશસેવા ગણાશે.જ્ઞાનજીવનદાસજીએ કરેલી 2440 કલાકની સૌથી લાંબી હરિચરિત્રામૃત સાગર કથાને ગિનિઝ બૂક ઓફ રેકોર્ડમાં મળેલા સ્થાનનું પ્રમાણપત્રનું આ તકે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.રક્ષામંત્રીએ સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજની પ્રતિમા સમક્ષ શીશ ઝૂકાવી દર્શન કર્યા હતા. એ બાદ વચનામૃતની વિરાટ કૃતિને પણ તેમણે નિહાળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.