હોળીના બીજા દિવસે ધૂળેટી રમાતી હોય છે. પરંતુ, આ વખતે હોળીના બીજા દિવસે પડતર દિવસ હતો. જોકે, એમ.એસ. યુનિવર્સિટી સહિત વડોદરાની આસપાસ આવેલી કોલેજો અને શહેરની સ્કૂલોમાં વિદ્યાર્થીઓએ ધૂળેટી રમ્યા હતા. રંગ બેરંગી કલરોથી કોલેજ કેમ્પસ અને સ્કૂલોના પટાંગણો વિદ્યાર્થીઓની ચિચીયારીઓથી ગુંજી ઉઠ્યા હતા. વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં રંગ બરસે... ભીગે ચુનરવાલીના ગીતોથી શહેરીજનો બુધવારે ધૂળીટીનો માહોલ જામતો જોવા મળ્યો હતો. તો બીજી બાજુ શહેર-જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ધૂળેટીના દિવસે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્તનું આયોજન કરી દેવામાં આવ્યું છે.
યુવાધનમાં અનેરો ઉત્સાહ
સોમવારે શહેરીજનો દ્વારા અપાર શ્રદ્ધા અને ઉત્સાહભેર હોલિકા દહન કરવામાં આવ્યું હતું. આખું વર્ષ સુખ-સમૃદ્ધી અને નિરોગી રહે તેવી પ્રાર્થના સાથે હોલીકાની પૂજા-અર્ચના કરી હતી. સામાન્ય રીતે હોળીના બીજાજ દિવસે લોકો ધૂળેટી રમતા હોય છે. પરંતુ, મંગળવારે પડતર દિવસ હોવાના કારણે લોકો દ્વારા બુધવારે ધૂળેટી રમવામાં આવનાર છે. જે માટે શહેરીજનો સજ્જ થઇ ગયા હતા. જેમાં ખાસ કરીને યુવાધનમાં ધૂળેટી રમવાને લઇ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
શાળા-કોલેજોમાં ધૂળેટી રમાઈ
જોકે, આજે પડતર દિવસ હોવાથી અને શાળા-કોલેજો ચાલુ હોવાના કારણે શાળા-કોલેજોમાં આજેજ વિદ્યાર્થીઓ દ્વારા મનમૂકીને ધૂળેટી રમવામાં આવી હતી. રંગબે રંગી કલરો અને પાણીથી કોલેજીયન યુવાનો શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા ધૂળેટી રમવામાં આવી હતી. શાળાઓમાં શિક્ષકો દ્વારા પણ એકબીજાને કલર લગાવી ધૂળેટીની શુભેચ્છા આપવા સાથે ધૂળેટી રમ્યા હતા. શાળા-કોલેજોના પટાંગણ રંગ બે રંગી કલરોથી છવાઇ ગયા હતા.
ચિચિયારીઓથી કેમ્પસ ગુંજ્યા
શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓ દ્વારા રંગ બે રંગી કલરોથી રમવામાં આવેલી ધૂળેટીથી વિદ્યાર્થીઓ ઓળખાવા મુશ્કેલ થઇ ગયા હતા. કોઇ ઓર્ગેનીક કલર તો કોઇ પાકો કલર લઇને ધૂળેટી રમવા માટે શાળા-કોલેજોમાં આવી પહોંચ્યા હતા. શાળા-કોલેજાના કેમ્પસ વિદ્યાર્થીઓની ચિચીયારીઓથી ગુંજી ઉઠ્યા હતા.
ધૂળેટીનો માહોલ શરૂ
તો વળી શહેરના અનેકવિધ વિસ્તારોમાં આજે ધૂળેટી રમવામાં આવી હતી. ડી.જે. સાથે લોકો મનમૂકીને ધૂળેટી રમ્યા હતા. હોલી આઇ હૈ...હોલી હૈ...રંગ ભરસે...હોલી ખેલે રઘુવીરા જેવા હિંદી ગીતોના તાલે લોકો મનમૂકીને ધૂળેટી રમ્યા હતા. શહેરના માર્ગો ઉપર લોકો રંગ બે રંગી કલરોથી રંગાયેલા જોવા મળ્યા હતા.
બુધવારનું આયોજન
તો મોટાભાગના લોકો આવતીકાલે બુધવારે ધૂળેટીને ઉત્સાહભેર મનાવવા માટે આજે સજ્જ થઇ ગયા હતા. પોળો, સોસાયટીઓ, ફાર્મ હાઉસો, પાર્ટી પ્લોટોમાં સામુહિક ધૂળેટીના આયોજન કરી દેવામાં આવ્યા છે. સોસાયટીઓ અને પોળોમાં ધૂળેટી રમવા સાથે ખીચડી-કઢી, પાકુ ભોજન, સેવ-ઉસળ જેવા વિવિધ ખાણી-પીણી સાથેનું આયોજન કરી દેવામાં આવ્યું છે. તો ધૂળેટીના દિવસે કોઇ નદીઓમાં અકસ્માતનો ભોગ ન બને તે માટે જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ચુસ્ત અમલ કરાવવા માટે શહેર-જિલ્લા પોલીસ તંત્ર દ્વારા આજથીજ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.