ભાજપના MLAનો હુંકાર:સાવલીમાં પશુપાલકોના સંમલેનમાં કેતન ઇનામદારે કહ્યું: 'વિધાનસભા ચૂંટણીમાં હું ફોર્મ ભરીને જતો રહીશ તો પણ જીતી જઇશ'

વડોદરા17 દિવસ પહેલા
  • વડોદરા શહેર-જિલ્લામાં કેટલાક ધારાસભ્યોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ડાકલા વાગી રહ્યા છે. વડોદરા શહેર-જિલ્લાની 10 વિધાનસભા બેઠકો પૈકી ભાજપા પાસેની 9 બેઠકો છે. જેમાં ભાજપ"નો રિપીટ" થિયરી અપનાવે તેવી ચર્ચા ચાલી રહી છે, ત્યારે વડોદરા શહેર-જિલ્લાની 9 બેઠકના કેટલાક ધારાસભ્યોએ નો રિપીટ" થિયરીની દહેશતને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. 26 જુલાઇએ મળનારી બરોડા ડેરીની વાર્ષિક સાધારણ સભા પૂર્વે સાવલી ખાતે પશુપાલકોનું સંમલેન મળ્યું હતું. આ સંમેલનમાં સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે હુંકાર કર્યો હતો કે 'વિધાનસભાની ચૂંટણીમાં હું ફોર્મ ભરીને જતો રહીશ તો પણ ચૂંટણી જીતી જઇશ" એટલો તો મને તમારા ઉપર ભરોસો તો છે જ' આ સંમેલનમાં વાઘોડિયા અને કરજણના ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા.

કેટલાક ધારાસભ્યોએ મત વિસ્તારમાં જવાનું છોડી દીધું !
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના ભણકારા વાગી રહ્યા છે. ભાજપ સહિત તમામ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તે સાથે ધારાસભ્યોએ પણ પુનઃ ટિકિટ મેળવવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા "નો રિપીટ" થિયરી અપનાવવામાં આવે તેવી ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે વડોદરા શહેર- જિલ્લાના કેટલાક ધારાસભ્યો દ્વારા "નો રિપીટ" થિયરી અપનાવે તો પણ પોતાની તાકાત ઉપર ચૂંટણી લડવાની તૈયારીઓ કરી રહ્યા છે. તો વળી જે ધારાસભ્યો પોતે પક્ષના બેનર વગર ચૂંટણી જીતી શકે નથી, તેવા ધારાસભ્યોએ પોતાના મત વિસ્તારમાં જવાનું પણ બંધ કરી દીધું હોવાનું જાણવા મળ્યું છે.

સાવલી ખાતે યોજાયેલા સંમેલનમાં પશુપાલકો હાજર રહ્યા
સાવલી ખાતે યોજાયેલા સંમેલનમાં પશુપાલકો હાજર રહ્યા

સાવલીમાં પશુપાલકોનું સંમેલન યોજાયું
તાજેતરમાં છાશ સહિતની ચિજવસ્તુઓમાં 5 ટકા જીએસટી લાગુ કરવામાં આવતા બરોડા ડેરી દ્વારા છાશ સહિતના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. આ ભાવ વધારાને લઇ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પશુપાલકોના હિતને આગળ ધરીને બાંયો ચઢાવી હતી. તે સાથે 26 જુલાઇના રોજ બરોડા ડેરીની મળનારી વાર્ષિક સાધારણ સભા પૂર્વે રવિવારે સાવલીમાં પશુપાલકોનું સંમેલન મળ્યું હતું. આ સંમલેનમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ હાજર રહ્યા હતા.

પશુપાલકોના હિતની આડમાં ચૂંટણીની તૈયારી ?
સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પશુપાલકોના સંમેલનને સંબોધતા જણાવ્યું હતું કે, ચાર માસ પછી વિધાનસભાની ચૂંટણી પૂરી થઇ જવા દો, પછી કોઇ માઇનો લાલ ડેરી આગળ ઉભો રહેશે તો કેતન યાદ અપાવશે. રહી વિધાનસભાની ચૂંટણીની તો "હું ફોર્મ ભરીને જતો રહીશ તો પણ ચૂંટણી જીતી જઇશ" સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે વિધાનસભાની ચૂંટણીમાં તેઓને રિપીટ કરવામાં આવે કે ન આવે તે પક્ષ નક્કી કરશે. પરંતુ, ચૂંટણી પૂર્વે કરેલો હુંકાર તાલુકાના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે.

મધુ શ્રીવાસ્તવે કહ્યુંઃ ચૌદમુ રતન બતાવી દેશે
ભાજપમાં રહીને પશુ ઉત્પાદકો અને ગરીબોના દૂધના પૈસા ખાતા હોય, એવાને ખાવા નહીં દઉ, પછી ડેરીના પ્રમુખ હોય, કે ડેરીનો એમડી હોય, તમે લોકો જોડે હોય અને પૈસા કાપવાની વાત કરતા હોય, આ મધુ શ્રીવાસ્તવ ચૌદમુ રતન બતાવી દેશે.

સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર
સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર

ભાજપ "નો રિપીટ" ની ચાલતી ચર્ચાઓનો છેદ ઉડાડી દેશે ?
ઉલ્લેખનિય છે કે, સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર પ્રથમ વખત અપક્ષ ચૂંટણી લડ્યા હતા, ત્યારે સમગ્ર ગુજરાતમાં સૌથી યુવા અને સૌથી વધુ 1 લાખ ઉપરાંત મતોથી વિજય થયા હતા. ત્યાર બાદ તેઓ ભાજપમાં આવી ગયા હતા અને ભાજપમાં આવ્યા બાદ પુનઃ સન્માનજનક સરસાઇથી જીત મેળવી હતી, ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ વડોદરા શહેર-જિલ્લાની 10 બેઠકો પૈકી 9 બેઠકો પર "નો રિપીટ" અપનાવશે કે, પછી સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર, ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા), વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલ જેવા મજબૂત મનાતા ધારાસભ્યોને ધ્યાનમાં લઇ ભાજપ "નો રિપીટ" ની ચાલતી ચર્ચાઓનો છેદ ઉડાડી દેશે ?

અન્ય સમાચારો પણ છે...