વડોદરામાં પણ સુરતવાળી:માંજલપુરમાં મારામારીમાં ભાઇને બચાવવા વચ્ચે પડેલા બહેનના ગળા પર હુમલાખોરે ચપ્પુ મારી દીધું, ઇજાગ્રસ્ત ભાઇ-બહેન સારવાર હેઠળ

વડોદરા6 મહિનો પહેલા
પ્રતિકાત્મક તસવીર
  • મિત્રના લગ્નના ગરબામાં ધક્કો વાગતા મામલો બિચક્યો

સુરતમાં પ્રેમી દ્વારા યુવતીનું જાહેરમાં ગળું કાપી હત્યા કર્યાંની ઘટના તાજી છે ત્યાં વડોદરાના માંજલપુર વિસ્તારમાં ભાઇને બચાવવા વચ્ચે પડેલી બહેનના ગળા પર હુમલો કરનારે ચપ્પુ મારી દેતા ચકચાર મચી જવા પામી છે.

લગ્નના ગરબામાં ધક્કો વાગતા મામલો બિચક્યો
ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર માંજલપુરના હવેલીવાળા ફળિયામાં રહેતા હિરેનભાઇ અર્જુનભાઇ સોલંકી (ઉંમર-21 વર્ષ) અને તેમના મોટા ભાઇ કૌશિક સોલંકી મિત્રના ઘરે લગ્ન હોવાથી ગત રાત્રે ગરબાના કાર્યક્રમમાં ગયા હતાં. માંજલપુરના કુંભરાવાડા ફળિયામાં ગરબા રમવા દરમિયાન કૈશિક સોલંકીથી અજાણતાથી નૈનેશ મહેશભાઇ રાજપૂત (રહે. નવાપુરા ફળિયું, માંજલપુર ગામ)ને ધક્કો વાગી ગયો હતો. જેથી કૈશિક સોલંકી અને નૈનેશ વચ્ચે ઝઘડો થયો હતો. જો કે, ઝઘડો ઉગ્ર સ્વરૂપ ધારણ ન કરે અને લગ્ન પ્રસંગ ન બગડે તે માટે હિરેન અને તેનો ભાઇ કૌશિક ત્યાથી ઘરે જવા નિકળી ગયા હતા.

ગળાના ભાગે ચપ્પુ મારી દીધું
દરમિયાન કૌશિક ઘરે જતો રહ્યો હતો અને હિરેન તથા તેનો મિત્ર કિરણ સોલંકી તેમના ફળિયાના નાકે ઉભા હતા. ત્યારે ગરબામાં ઝઘડો કરનાર નૈનેશ મહેશભાઇ રાજપૂત, તેના પિતા મહેશભાઇ છત્રસિંહ રાજપૂત તથા હર્ષદ જગદીશભાઇ સોલંકી અને તેનો મિત્ર જયેશ અમરસિંહ સોલંકી ત્યાંથી પસાર થયા હતા અને તેમને અભદ્રો શબ્દો બોલી માર માર્યો હતો. જેથી બૂમાબૂમ થતાં હિરેનના પરિવારજનો દોડી આવ્યા હતાં. દરમિયાન હર્ષદ સોલંકીએ તેના ખિસ્સામાંથી ચપ્પુ કાઢી હિરેન પર હુમલો કરવા જતાં તેની બહેન કાજલ બચાવવા માટે વચ્ચે આવી હતી. જેથી હર્ષદે કાજલને ગળાના ભાગે ચપ્પુ મારી દીધું હતું. કાજલને ગળા પર ચપ્પુ વાગતા લોહી નિકળવા લાગ્યું હતું, જેથી તેને રિક્ષામાં તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી. હાલ કાજલ સારવાર હેઠળ છે. હિરેન પણ ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...