હત્યા હત્યાની કોશિશ ખંડણી અપહરણ જેવા ગંભીર ગુનાઓમાં સામેલ કુખ્યાત બિચ્છુ ગેંગના અસલમ બોડિયા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. ગુજસીટોકના ગુનામાં નડિયાદ જેલમાં બંધ અસલમ બોડીયાએ વીડિયો કોન્ફરન્સિંગથી મુદત વખતે કોર્ટના અાસિસટન્ટને અવારનવાર ધમકી આપતા ગોત્રી પોલીસ મથકમાં અસલમ બોડિયા વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ છે.બિચ્છુ ગેંગના અસલમ ઉર્ફે બોડિયો શેખ સામે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યાં બાદ પોલીસે તેને બોડેલીના છુછાપુરાથી ઝડપી પાડ્યો હતો.
પોલીસ ધરપકડ બાદ હાલમાં તે નડિયાદ જેલમાં બંધ છે. એપેલેટ કોર્ટમાં જે કેસોમાં ચાર્જશીટ થઈ ન હોઈ તેવા આરોપીઓને વિડીયો કોંફરન્સિંગથી હાજર રાખી હાજરી નોંધવામાં આવે છે અને આગલી મુદતની તારીખ આપવામાં આવે છે. દરમિયાન મે મહિનાની 20મી તારીખે બપોરે અસલમ ઉર્ફે બોડીયોને વીસીમાં હાજર રાખી આગલી મુદતની તારીખ આપવામાં આવી હતી. તે સમયે ત્યાં ફોજદારી શાખાના સ્ટાફને અસલમે કહ્યું હતું કે મારી જેલ ટ્રાન્સફરની અરજીનું શું થયું ? જે અંગે સ્ટાફે જણાવ્યું હતું કે તમારી ટ્રાન્સફરની અરજી નામંજૂર થઈ છે.
જેનાથી ઉશ્કેરાઈ અસલમે ‘’તું એવું ના સમજતો કે હું કોર્ટમાં આવવાનો નથી, કોર્ટમાં આવીશ તો તને જોઈ લઈશ” તેમજ તેણે ધમકી આપી હતી કે “ હું તારા વિરૂધ્ધ હાઇકોર્ટમાં લખી નાખીશ પછી મને કહેતો નહીં”, “ તો મુંડી હલાવવા જેવો પણ નહીં રહે”, તદુપરાંત “તું બેસી રહેવાનો પગાર લે છે, કંઈ કામ કરતો નથી”. આ બાબત મુખ્ય જિલ્લા ન્યાયધીશના ધ્યાને આવતા તેઓએ અસલમ ઉર્ફે બોડિયો વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવા આદેશ કર્યો હતો.
આમ ન્યાયાધીશે ફરિયાદનોં આદેશ કરતાં કોર્ટના સ્ટાફે ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે અગાઉ માર્ચ મહિનામાં પણ ચાર્જશીટ હજુ સુધી કેમ નથી થયું તેમ કહી સ્ટાફને ધમકાવ્યા હતા.
ફાટીને ધુમાડે ગયેલા અસલમ બોડિયા સામે 62થી વધુ ગુના નોંધાયા છે
બીચ્છું ગેંગના કુખ્યાત અસલમ ઉર્ફે બોડીયો શેખ સામે હત્યા, હત્યાની કોશિશ, ખંડણી, અપહરણ સહિતના 62થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે તેની ધરપકડ કરવામાં આવી તે સમયે તેણે પોલીસ સમક્ષ પોતાના દરેક 62 ગુનાઓ વિશે પોપટની જેમ એકરાર કરીને કબુલાત કરી હતી. પોલીસને તેણે પોતાની બિચ્છુ ગેંગની આખી કુંડળી વર્ણવી હતી અને જણાવ્યું હતું કે બિચ્છું ગેંગમાં તેના માત્ર 7 જ સાગરીત છે અને બાકીના 19 સમય જતાં પોતાના સાગરીતની સાથે રહીને બિચ્છું ગેંગમાં ગુના આચરતા હતા અને આ 18 જણા તેના પંટરોના પંટરો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.