• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Asit Misri, An Army Officer Originally From Vadodara, Is The Third Gujarati To Be Promoted To The Rank Of Lieutenant General By The President.

ગૌરવ:મૂળ વડોદરાના આર્મી ઓફિસર અસિત મિસ્રીને રાષ્ટ્રપતિના હસ્તે પરમ વિશિષ્ટ સેવા મેડલ એનાયત, લેફ્ટનન્ટ જનરલના હોદ્દા પર પહોંચનારા ત્રીજા ગુજરાતી છે

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૂળ વડોદરાના લેફ્ટનન્ટ જનરલ મિસ્ત્રી - Divya Bhaskar
મૂળ વડોદરાના લેફ્ટનન્ટ જનરલ મિસ્ત્રી
  • લેફ્ટનન્ટ જનરલ અસિત મિસ્રીએ જમ્મુ-કાશ્મીરમાં પડકારજનક કામગીરીને પાર પાડી હતી

મૂળ વડોદરાના લેફ્ટનન્ટ જનરલ મિસ્ત્રીને સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે પરમ વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરાયો હતો. અસિત મિસ્ત્રી લેફ્ટનન્ટ જનરલના હોદ્દા પર પહોંચનારા ત્રીજા ગુજરાતના આર્મી ઓફિસર છે અને શાંતિ સમયના સર્વોચ્ચ વિશિષ્ટ સેવા પુરસ્કાર પીવીએસએમથી સન્માનિત થયેલા બહુ ઓછા ઓફિસરમાંથી એક છે.

એક્સપેરિમેન્ટલ સ્કૂલમાં પ્રારંભિક શિક્ષણ પ્રાપ્ત કર્યું
લેફ્ટનન્ટ જનરલ મિસ્ત્રીનો જન્મ 25 ઓક્ટોબર, 1961ના રોજ વડોદરામાં થયો હતો. તેમણે એક્સપેરિમેન્ટલ સ્કૂલમાં પ્રારંભિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તેઓ 1972માં બાલાછડી સૈનિક સ્કૂલમાં જોડાયા હતા. 1978માં એનડીએ, ખડકવાસલા માટે તેમની પસંદગી કરાઈ હતી. 1982માં 12 મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીમાં નિયુક્ત કરાયા હતા. 12 મરાઠા એલઆઈમાં નિમણૂક મેળવનારા તે પ્રથમ અધિકારી હતા, પાછળથી જેની તેમણે કમાન સંભાળી હતી.

લેફ્ટનન્ટ જનરલ મિસ્ત્રીનો જન્મ 25 ઓક્ટોબર, 1961ના રોજ વડોદરામાં થયો હતો
લેફ્ટનન્ટ જનરલ મિસ્ત્રીનો જન્મ 25 ઓક્ટોબર, 1961ના રોજ વડોદરામાં થયો હતો

લેફ્ટનન્ટ જનરલના હોદ્દા પર પહોંચનારા ત્રીજા ગુજરાતી આર્મી ઓફિસર છે
તેઓ 31 ઓક્ટોબર, 2021ના રોજ નિવૃત્ત થયા હતા. છેલ્લે તેઓ નેશનલ ડિફેન્સ એકેડેમી, ખડકવાસલાના કમાન્ડન્ટ તરીકે કાર્યરત હતા. જ્યાં 2 હજાર કેડેટ્સની તાલીમની દેખરેખ રાખી હતી. લેફ્ટનન્ટ જનરલ મિસ્ત્રી અગાઉ લેફ્ટનન્ટ જનરલના પદ સુધી પહોંચનારા અન્ય બે ગુજરાતી અધિકારીમાં જનરલ રાજેન્દ્રસિંહજી જાડેજા, સેનાના પૂર્વ કમાન્ડર ઇન ચીફ અને લેફ્ટનન્ટ જનરલ મહિપતસિંહજીનો સમાવેશ થાય છે. નિવૃત્તિ બાદ તેઓ હવે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, ગાંધીનગરમાં સ્કૂલ ઓફ ઇન્ટરનલ સિક્યોરિટી, ડિફેન્સ એન્ડ સ્ટ્રેટેજિક સ્ટડીઝના ડાયરેક્ટર તરીકે જોડાયા છે અને તેઓ અમદાવાદમાં સ્થાયી થશે.

ત્રણ વિશિષ્ટ સેવા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા
લગભગ ચાર દાયકાની લશ્કરી કારકિર્દી દરમિયાન લેફ્ટનન્ટ જનરલ મિસ્ત્રીને અન્ય ત્રણ વિશિષ્ટ સેવા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં અતિ વિશિષ્ટ સેવા ચંદ્રક (એવીએસએમ), સેના મેડલ (એસએમ) અને વિશિષ્ટ સેવા મેડલ (વીએસએમ) ઉપરાંત ચીફ ઓફ આર્મી સ્ટાફ અને જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફની પ્રશંસાનો સમાવેશ થાય છે. 72મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ તેમને પ્રતિષ્ઠિત પીવીએસએમ એનાયત કરવામાં આવ્યો હતો.

લેફ્ટનન્ટ જનરલ મિસ્ત્રીને અન્ય ત્રણ વિશિષ્ટ સેવા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા
લેફ્ટનન્ટ જનરલ મિસ્ત્રીને અન્ય ત્રણ વિશિષ્ટ સેવા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા

જમ્મુ-કાશ્મીરમાં પડકારજનક કામગીરીને પાર પાડી હતી
જનરલ મિસ્ત્રીએ તેમની લાંબી લશ્કરી કારકિર્દી દરમિયાન દ્રાસ અને સિયાચીન ગ્લેશિયરની ગાત્રો ગાળી દેનારી ઊંચાઈથી માંડીને આસામ તેમજ જમ્મુ-કાશ્મીરમાં સક્રિય બળવાખોરી અને આતંકવાદ વિરોધી કાર્યવાહી સુધીની વિવિધ અને પડકારજનક કામગીરી પાર પાડી છે. એક યુવાન કેપ્ટન તરીકે લેફ્ટનન્ટ જનરલ મિસ્ત્રીએ નેશનલ સિક્યોરિટી ગાર્ડ્સમાં ટીમ કમાન્ડર તરીકે સેવા આપી હતી, જે બ્લેક કેટ્સ તરીકે વધુ જાણીતા છે. તેમને સંયુક્ત રાષ્ટ્ર પીસ કીપિંગ મિશનનો વ્યાપક અનુભવ છે અને તેઓ 1996-97માં લાઇબેરિયામાં સંયુક્ત રાષ્ટ્રના લશ્કરી નિરીક્ષક અને 2012-14માં દક્ષિણ સુદાનમાં સંયુક્ત રાષ્ટ્ર મિશનના ડેપ્યુટી ફોર્સ કમાન્ડર હતા.

તેમના પુત્ર પણ સેનામાં જોડાયા છે
લેફ્ટનન્ટ જનરલ મિસ્ત્રીએ શ્રીમતી મીરા મિસ્ત્રી સાથે લગ્ન કર્યાં છે અને તેમના એકમાત્ર પુત્ર મેજર શ્રેય મિસ્ત્રી પણ પિતાના વારસાને આગળ ધપાવીને ભારતીય સેનાના એ જ યુનિટમાં જોડાયા છે. 1960માં સ્થાપિત પીવીએસએમ એ શાંતિ-સમયની સેવાને બિરદાવવા માટે આપવામાં આવતું સૌથી સર્વોચ્ચ લશ્કરી સન્માન છે. લેફ્ટનન્ટ જનરલ મિસ્ત્રી ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ અને હાયર કમાન્ડ કોર્સના સ્નાતક છે. તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી ડિફેન્સ સ્ટડીઝમાં માસ્ટર ડિગ્રી અને ઇન્દોરના દેવી અહિલ્યાબાઈ વિશ્વવિદ્યાલયમાંથી એમ. ફિલ.ની ડિગ્રી મેળવી છે.

અન્ય સમાચારો પણ છે...