તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રેરણાદાયી:વડોદરાના વાડી પોલીસ સ્ટેશનના ASIએ 56 વર્ષની ઉંમરે LLBની ડિગ્રી મેળવી, કહ્યું: 'ભણવાની કોઇ ઉંમર હોતી નથી'

વડોદરા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
વાડી પોલીસ સ્ટેશનના ASI પ્રફૂલચંદ્ર પરમાર - Divya Bhaskar
વાડી પોલીસ સ્ટેશનના ASI પ્રફૂલચંદ્ર પરમાર
  • પોલીસ બન્યા બાદ ASIની વકીલ બનવાની ઇચ્છા અધૂરી રહી ગઇ હતી, જે નિવૃત્તિ ટાણે પૂર્ણ થઇ
  • પોલીસની નોકરીમાંથી સમય કાઢીને ઘણીવાર મોડીરાત સુધી વાંચન કરતા, તો ક્યારેક સવારે ઉઠીને વાંચતા હતા
  • 2017માં આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો, 3 વર્ષમાં LLBનો અભ્યાસ પૂર્ણ કર્યો
  • ASI કહે છે કે, નિવૃત્ત થયા પછી સમાજના લોકોને કાયદાકીય માર્ગદર્શન પુરૂ પાડીશ

વડોદરા શહેરના અત્યંત સંવેદનશીલ મનાતા વાડી પોલીસ મથકમાં ASI તરીકે ફરજ બજાવી રહેલા પ્રફૂલચંદ્ર પરમારે 56 વર્ષની ઉંમરે LLBની ડિગ્રી મેળવી છે. તેઓએ જણાવ્યું કે, ભણવાની કોઇ ઉંમર હોતી નથી. વકીલ બનવાની શરૂઆતથી ઇચ્છા હતી. જે ઇચ્છા હવે પૂરી થઇ છે. પોલીસ તંત્રમાંથી નિવૃત્ત થયા પછી સમાજના લોકોને કાયદાકીય માર્ગદર્શન પુરૂ પાડીશ.

પોલીસમાં ભરતી થયા બાદ LLB કરવાની ઇચ્છા અધૂરી રહી ગઇ હતી
વડોદરાના હરણી રોડ ઉપર આવેલી 303-6, રાજેશ્વર પ્લેનેટમાં પરિવાર સાથે રહેતા પ્રફૂલચંદ્ર વશરામભાઇ પરમારે જણાવ્યું હતું કે, ધો-10 પાસ કર્યાં બાદ રોજગાર કચેરીમાં નોકરી મેળવવા માટે અરજી કરી હતી. ત્યારબાદ બી.એ.માં ગ્રેજ્યુએશન પૂરૂ કર્યું હતું. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યાં બાદ રોજગાર કચેરીમાંથી પોલીસ ભરતી માટે ઇન્ટરવ્યુ આવ્યું હતું. જે ઇન્ટરવ્યુ પાસ કરીને હું પોલીસમાં ભરતી થયો હતો. પોલીસમાં ભરતી થયા બાદ LLB કરવાની ઇચ્છા અધૂરી રહી ગઇ હતી. જે 56 વર્ષે પૂર્ણ થઇ છે.

મારી વકીલ બનવાની ઇચ્છા પૂર્ણ થતાં હું ખુબ જ ખુશ છું
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ વિભાગની કામગીરી દરમિયાન કોર્ટમાં જવાનું થતું હતું. કોર્ટમાં વકીલો સાથે સંપર્ક થવા લાગ્યો. વકીલોની કામગીરી જોઇને મારા મનમાં LLB કરવાની ઇચ્છા પુનઃ જાગૃત થઇ હતી અને વર્ષ-2017માં સરદાર પટેલ યુનિવર્સિટી, આણંદમાં પ્રવેશ મેળવ્યો હતો. ત્રણ વર્ષમાં નોકરીમાંથી મળતા સમયમાં અભ્યાસ કરીને LLBનો અભ્યાસ પૂરો કર્યો છે. મારી વકીલ બનવાની ઇચ્છા પૂર્ણ થતાં હું ખુબ જ ખુશ છું.

પોલીસ ખાતામાં કામ કરતા પોલીસ જવાનો માટે પ્રેરણા પુરી પાડી
પોલીસ ખાતામાં કામ કરતા પોલીસ જવાનો માટે પ્રેરણા પુરી પાડી

પોલીસ જવાનો ઇચ્છે તો ચાલુ નોકરીમાં પણ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકે છે
ASI પ્રફૂલચંદ્ર પરમારે ઉમેર્યું હતું કે, ભણવાની કોઇ ઉંમર હોતી નથી. LLB કરવાનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે, હું ઘરમાં LLBની તૈયારી કરૂ તો તેની અસર મારા બાળકો ઉપર પડે અને તેઓ પણ ઉચ્ચ અભ્યાસ કરે. તે સાથે જે લોકો પોલીસ વિભાગમાં છે અને તેઓ કોઇ કારણોસર પોતાનો અભ્યાસ પુરો કરી શક્યા નથી. તેવા પોલીસ જવાનોને એક પ્રેરણા મળે. પોલીસ વિભાગમાં એવા અનેક પોલીસ જવાનો હશે કે, જેઓ વધુ અભ્યાસ કરવા માંગે છે, પરંતુ, યોગ્ય દિશાના અભાવે કરી શકતા નથી, પરંતુ, આવા પોલીસ જવાનો ઇચ્છે તો ચાલુ નોકરીમાં પણ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકે છે.

હું વહેલી સવારે ઉઠીને તો ક્યારેક મોડી રાત સુધી વાંચતો હતો
તેમણે જણાવ્યુ હતું કે, વાડી પોલીસ મથકમાં છેલ્લા 5 વર્ષથી નોકરી કરૂ છું. પોલીસની નોકરી ઉપરાંત મને જે ટાઇમ મળતો હતો. તે ટાઇમમાં હું અભ્યાસ કરતો હતો. LLBના અભ્યાસ માટે મેં મારૂ ટાઇમ ટેબલ બનાવી દીધું હતું. ક્યારેક હું વહેલી સવારે ઉઠીને તો ક્યારેક મોડી રાત સુધી વાંચતો હતો. બસ મારી એક જ ઇચ્છા હતી કે, હું LLBની ડિગ્રી મેળવું. હું ભલે નિવૃત્તિ બાદ પ્રેકટીસ ન કરૂ. પણ મારા સમાજના લોકોને માર્ગદર્શન પૂરૂ પાડીને મારી LLBની ડિગ્રીને સાર્થક કરીશ.

અન્ય સમાચારો પણ છે...