વડોદરા હાઇ પ્રોફાઇલ દુષ્કર્મ કેસ:આરોપી અશોક જૈન રોકડા રૂ.5 લાખ લઈ 19 દિવસમાં 6 હજાર કિમી સુધી ભાગ્યો

વડોદરા16 દિવસ પહેલા
આરોપી અશોક જૈન.
  • પોલીસે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું ગણિત ક્યાં ખોટું પાડ્યું એની સિલસિલાબંધ કહાની
  • 700થી વધુ ફૂટેજ ચેક કરાતાં હાઇવે પર ભત્રીજાની કારમાં જોવા મળ્યો

હરિયાણાની યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી એ રાત્રે જ વડોદરા છોડીને ફરાર થયેલા અશોક જૈનની પોલીસે રાજસ્થાન અને એમપી તથા મહારાષ્ટ્રમાં શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન એ વખતે અશોક જૈને આગોતરા જામીન અરજી કરતાં કાયદાકીય કાર્યવાહી પણ શરૂ થઈ હતી. એ જ વખતે અશોક જૈન બે દિવસ પહેલાં વડોદરા આવ્યો હોવાની પોલીસને જાણ કરતાં પોલીસે તપાસ કરી હતી, જેમાં શહેરમાં પ્રવેશવાના તથા શહેરની અંદરના જંકશનોના 700થી વધુ સીસીટીવી ફૂટેજ પોલીસે ચેક કરતાં પોલીસને અશોક જૈન હાઇવે પર તેના ભત્રીજા દીપેશ ઉર્ફે શ્રેયાંશની કારમાં બેઠેલો જોવા મળ્યો હતો.

જેથી પોલીસ ચોંકી ઊઠી હતી. અશોક જૈન બે દિવસ સુધી વડોદરામાં કયાં કયાં ગયો હતો એની તપાસ કરી હતી અને વેશપલટો કરી તેનો પીછો કરી એ જે સ્થળે રોકાયો હતો. એ સ્થળ સુધી પોલીસ પહોચી ગી હતી. જોકે અશોક પોલીસને ચકમો આપવામાં સફળ રહ્યો હતો અને શહેર છોડીને જતો રહ્યો હતો, જેથી પોલીસે તેના ભત્રીજાને બોલાવી તથા નિકટના પરિવારના સભ્યોને બોલાવી ઊંડી પૂછપરછ કરી હતી, જેમાં તે અમદાવાદ થઇને બગોદરા તથા ધોલેરા તરફ ગયો હોવાનું જાણવા મળ્યું હતું.

જેથી પોલીસ ધોલેરા સુધી પહોંચી હતી અને ત્યાર બાદ તે પાલિતાણામાં હોવાની બાતમી મળતાં પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી. પોલીસ બાતમી મુજબની ધર્મશાળાની બહાર ગોઠવાઈ અને આખરે અશોક જૈન પકડાઈ ગયો. અશોક જૈન પોલીસથી બચવા માટે ઓનલાઇન ટ્રાન્ઝેકશન કરતો ન હતો અને 5 લાખ રોકડ લઇને નીકળ્યો હતો. 6 હજાર કિમી રખડયા બાદ તે પોલીસના હાથે દોઢ લાખ રોકડ સાથે ઝડપાયો હતો.

ગત સપ્તાહે રાજુ ભટ્ટ જૂનાગઢથી ઝડપાયો હતો અને ત્યાર બાદ અશોક જૈન ગુરુવારે પકડાયો હતો. આ કેસમાં રાજુ ભટ્ટને ભગાડવામાં મદદ કરનારા કાનજી મોકરિયાને પણ પોલીસે ઝડપી લીધો હતો. અશોક જૈનની પૂછપરછમાં દુષ્કર્મ કેસમાં ચોંકાવનારી માહિતી બહાર આવે એવી સંભાવના છે.

અશોક ફોનનો ઉપયોગ બંધ કરી ત્રાહિત વ્યક્તિના ફોનથી કોલ કરતો
પોલીસે જણાવ્યું હતું કે અશોક જૈન ફરાર થયા બાદ તેના પરિવારના સંપર્કમાં ન હતો, પણ માત્ર તેના ભત્રીજાના સંપર્કમાં હતો. તે પોતાનો ફોનનો ઉપયોગ કરતો ન હતો, જેથી પોલીસથી બચી શકાય. અશોકના ભત્રીજાએ આ માટે નવું સિમ કાર્ડ પણ ખરીદ્યું હતું, જેમાં અશોક જૈન સામેથી તેના સમયે ફોન કરતો હતો. તે કયારેક રિક્ષાવાળા કે ફ્રુટની લારીવાળા કે પછી કોઇ હોટલમાંથી તેના ભત્રીજાને ફોન કરતો હતો અને માહિતી મેળવતો હતો.

પોલીસે ફેરિયાના વેશમાં રોકાણ સ્થળે વોચ રાખી
વડોદરામાં સતત બે દિવસ સુધી વેશપલટો કરીને ફરેલા અને રોકાયેલા અશોક જૈનનો પીછો પોલીસે કર્યો હતો. પોલીસ અધિકારીઓએ પણ વેશપલટો કર્યો હતો. પોલીસ અધિકારીઓ શાકભાજીની લારીવાળા બનીને કલાકો સુધી તે જ્યાં રોકાયો હતો એ સ્થળની આસપાસ ફર્યા હતા. ત્યાર બાદ તે વડોદરા છોડીને ભાગ્યો હતો, જેમાં પોલીસને બગોદરા પાસે એક જૈન મંદિરમાં તે જઇ શકે છે એમ જણાતાં પોલીસે ત્યાં પણ તપાસ કરી હતી.

અશોકને શોધવા 1 વર્ષની કોલ-ડિટેઇલ ફંફોસાઈ
અશોક જૈન ક્યાં છુપાયો હોઇ શકે છે એની માહિતી મેળવવા પોલીસે તેના ફોનની 1 વર્ષની કોલ-ડિટેઇલ મગાવીને ચકાસણી કરી હતી અને તે સતત કોના કોના સંપર્કમાં હતો એની માહિતી મેળવતાં તે મોટે ભાગે વ્યાવસાયિક અને પારિવારિક કામ માટે રાજસ્થાન, એમપી અને લખનઉ તથા મહારાષ્ટ્ર જતો હોવાનું જાણવા મળતાં ત્યાં તપાસ કરાઇ હતી. તેના બેંક ખાતાં પોલીસે સીઝ કરી ટ્રાન્ઝેકશનોની પણ તપાસ કરી હતી.

સહારાની ડીલ સાથે સંકળાયેલો હોવા બાબતે પણ પોલીસ તપાસ
રાજુ ભટ્ટની પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે અશોક જૈન ઇન્દોર વડોદરાની સહારાની જમીન અંગે ડીલની પ્રક્રિયા કરી રહ્યો હતો અને એ માટે તેણે ઇન્વેસ્ટર રાજુ ભટ્ટ સાથે પીડિતાની હાજરીમાં મીટિંગ કરી હતી, જેથી પોલીસે હવે અશોક જૈન પકડાતાં સહારાની ડીલ બાબતે તપાસ શરૂ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...