સચીન જીઆઇડીસી ગેસ કાંડમાં મોતને ભેટેલા 6 મજૂરોના ચકચારી પ્રકરણમાં શનિવારે પોલીસે ચાર આરોપીઓને ઇન્ચાર્જ કોર્ટ સમક્ષ રજૂ કરી 12 મુદ્દાના આધારે 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. દલીલો બાદ કોર્ટે ચારેય આરોપીઓ પ્રેમસાગર ગુપ્તા, આશિષ ગુપ્તા, જયપ્રતાપ તોમર અને વિશાલ યાદવને 17મી જાન્યુઆરી સુધીના રિમાન્ડ પર મોકલતો હુકમ કર્યો હતો. સરકાર પક્ષની દલીલ હતી કે, અંકલેશ્વરમાં એક ટેન્કરમાંથી બીજા ટેન્કરમાં વેસ્ટ કેમિકલ ટ્રાન્સફર કરાયંુ હતું. હોટલ ડિસન્ટના કર્મચારીએ આ માટે વીજળીની વ્યવસ્થા કરી આપી હતી.
બીજી તરફ કેમિકલ માફિયાઓ સાથે સાંઠગાંઠ બદલ સચિનના GPCBના અધિકારી, PI-કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરાયા હતા.આ ઉપરાંત રિમાન્ડના મુદ્દામાં જણાવાયંુ હતું કે, મુંબઇની હાઇકેલ કેમિકલ કંપનીમાંથી વેસ્ટ કેમિકલ નિકાલ માટે વડોદરાની સંગમ કંપનીમાં મોકલવામાં આવ્યું હોવાથી આરોપીઓને મુંબઇ ખાતેની કંપનીમાં લઇ જઇ તપાસ કરવાની છે. તથા મુંબઇની હાઇકેલ કંપનીમાંથી વેસ્ટ કેમિકલ ગેરકાયદે કંઇ કંપનીમાં મોકલવાનું હતંુ તે અંગેની બિલ્ટી તથા મેનીફેસ્ટ અંગેની પણ તપાસ કરવાની છે.
ઉપરાંત વેસ્ટ કેમિકલ અંકલેશ્વરથી સુરત લાવવા દરમિયાન રસ્તામાં કોઇ રોકે નહીં તે માટે આરોપી આશિષ ગુપ્તાના માણસે ફેક બિલ્ટી બનાવી સહ આરોપી વિશાલ તથા જયપ્રકાશને આપી હતી, જેથી તે અંગે પણ તપાસ કરવાની છે. તથા ફેક બિલ્ટી ક્યાં અને કોણે અને કેવી રીતે બનાવી તેની પણ તપાસ કરવાની છે. રિમાન્ડના મુદ્દામાં જણાવાયું હતું કે, આરોપી આશિષ ગુપ્તા વડોદરા સહિત અન્ય સ્થળોએ કેમિકલ વેસ્ટ નિકાલ માટે ટ્રાન્સપોર્ટેશનનું કામ કરી ભરૂચ, અંકલેશ્વર અને વડોદરામાં કામરાજ ધરાવતો હોવાથી આરોપીઓને સાથે રાખીને તપાસ કરવા આ સ્થળોએ લઇ જવાના છે. તથા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.
આ સિવાય આ પ્રકારના કોઇ અન્ય ગુનામાં સંડોવાયેલાં છે કે કેમ તેની તપાસ કરવાની છે. ઉપરાંત આરોપીઓના મોબાઇલ કબજે કરી તેમના સીડીઆર મેળવીને સઘન તપાસ કરવાની છે અને આરોપીઓએ ગુનાહિત કૃત્ય દરમિયાન ગુનામાં વાપરેલાં અન્ય વાહનો કબજે કરવાના છે. હાઇકેલ કંપની દ્વારા કેમિકલ વેસ્ટના નિકાલ માટે આરોપીઓને કેટલા નાણા ચૂકવાયા હતા. દરેક આરોપીઓના ભાગે કેટલો હિસ્સો આપવાનો હતો, હાલના આરોપીઓ સિવાય આ ગુનામાં અન્ય કેટલાં આરોપીઓની સંડોવણી છે તે તપાસવાનું છે. આ કેસમાં બબલુ નામના ડ્રાયવરની ભૂમિકા તપાસવાની છે.
શહેરની સંગમ એન્વાયરો કંપનીના 2 ભાગીદારોની સતત પૂછપરછ
વડોદરાની સંગમ એનવાયરો પ્રા.લિ.ના બે ભાગીદારો નિલેશ અને મૈત્રીની હાલમાં પણ સુરત ડીસીબીના અધિકારીઓ પૂછપરછ કરી રહયા છે. જો કે બન્ને ભાગીદારોનો આ પ્રકરણમાં રોલ છે કે કેમ તે અંગે અધિકારીઓ હજુ સુધી કોઈ ફોર્ડ પાડયો નથી. જયારે મુંબઈ તલોજા એમઆઈડીસીની હિક્લ કેમિકલ કંપનીમાં પણ ક્રાઇમબ્રાંચની ટીમ સાથે જીપીસીબીના અધિકારીઓ શુકવારે તપાસ કરવા માટે ગયા હતા. જ્યાંથી પણ જીપીસીબીના અધિકારીઓની સાથે ડીસીબીના સ્ટાફે કંપનીના જરૂરી ડોક્યુમેન્ટ કબજે કર્યા છે. જેમાં આગળ જીપીસીબી સાથે અભ્યાસ કરી કંપનીની સામે કાર્યવાહી કરાશે કે કેમ તે પણ નક્કી કરવામાં આવશે.
વડોદરા પણ જીવતા બોંબ પર બેઠેલું છે
વડોદરા પણ જીવતા કેમિકલ બોંબ પર બેઠેલું છે. ભૂતકાળમાં વડોદરાના અનેક વિસ્તારોમાં રાત્રીના સમયે ગેસની તીવ્ર વાસ પ્રસરતી હોવાના બનાવો બન્યા હતા. ખાસ કરીને નંદેસરી, રણોલી ઉપરાંત મકરપુરામાં ગેસની તીવ્ર વાસ આવતી રહે છે. ભૂતકાળમાં પોલીસે દરોડા પાડીને વિશ્વામિત્રીમાં ઠલવાતા કેમિકલ વેસ્ટ કૌભાંડને ઉજાગર કર્યું હતું અને કેમિકલ માફિયાને ઝડપી લીધા હતા. બીજી તરફ પાદરા પાસે ખાડો ખોડી કેમિકલ વેસ્ટ નિકાલ કરવાનું કૌભાંડ ભૂતકાળમાં પકડાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.