45 ડિગ્રી તાપમાનમાં ઘરે ઘરે જઇને સરકારની તમામ આરોગ્યલક્ષી કામગીરી કરનાર આશા વર્કર તેમજ આશા ફેસિલિટેટર બહેનોને બે માસથી ઈન્સેન્ટિવ ચુકવવામાં પણ તંત્ર દ્વારા ઠાગાઠૈયા કરવામાં આવતા આશા વર્કર મહિલાઓએ આજથી ફરી આંદોલનના મંડાણ કર્યાં છે.
વડોદરા જિલ્લાની તમામ આશા વર્કર બહેનો તેમજ આશા ફેસિલિટેટર બહેનોને છેલ્લા બે માસથી ઈન્સેન્ટિવ ચુકવવામાં આવ્યું નથી તેમજ 3 મહિનાથી 50 ટકાનો વધારો પણ ચૂકવવામાં તંત્ર ઠાગાઠૈયા કરી રહ્યું છે. એટલું જ નહીં પણ કેટલાય સમયથી ટીબીની કામગીરી તેમજ 2020ની જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીની બુથ પર સોંપાયેલી કામગીરીનું મહેનતાણું પણ ચૂકવ્યું નથી, ત્યારે આ કારમી મોંઘવારીમાં ઘર ચલાવવું ખૂબજ મુશ્કેલ પડી રહ્યું છે.
આજે વડોદરા જિલ્લા કલેકટર કચેરી ખાતે મોટી સંખ્યામાં આશા વર્કર તેમજ આશા ફેસિલિટેટર બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડી હતી. મહિલા શક્તિ સેનાનાં પ્રમુખ ચંદ્રિકા સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારની શોષણ ભરી નીતિઓ સામે તો ઝઝૂમી રહ્યા છીએ એ ઓછું હોય તેમ અધિકારીઓ પણ જાણે કોઈ કસર છોડતા નથી એવું લાગી રહ્યું છે. એસી ઓફિસમાં બેસનાર અધિકારીઓ અને પદાધિકારીઓનાં મસ મોટા તોતિંગ પગાર રેગ્યુલર થઈ જતાં હોય છે. જ્યારે 45 ડિગ્રી તાપમાનમાં ઘરે ઘરે જઈને જનતાની સેવા કરીને સરકારની આરોગ્યની તમામ યોજનાઓનો લાભ પહોંચાડનાર આશા વર્કર તેમજ આશા ફેસિલિટેટર બહેનોને પગાર ન મળતા હાલત કફોડી બની ગઈ છે.
આજે મહિલા શક્તિ સેનાનાં નેજાં હેઠળ વડોદરા જિલ્લા કલેકટર કચેરી ખાતે મોટી સંખ્યામાં આશા વર્કર તેમજ આશા ફેસિલિટેટર બહેનો એકત્રિત થઈને કલેક્ટરને આવેદન પત્ર આપી તાત્કાલિકના ધોરણે બાકી પડતું તમામ મહેનતાણુ અગ્રિમતાના ધોરણે ચુકવવામાં આવે તેમજ હવેથી રેગ્યુલર મહેનતાણું ચુકવાય તેવી તકેદારી રાખવા અધિકારીઓને ટકોર કરી હતી.
ચંદ્રિકા સોલંકીએ જણાવ્યું હતું કે, માત્ર મહિલા સશક્તિકરણની વાતો કરવાથી મહિલાઓ સશકત નથી બની જતી. મહિલાઓ સશકત ત્યારે બનશે કે, જ્યારે એ ખુદ આર્થિક, શૈક્ષણિક, સામાજિક અને રાજકીય રીતે મજબૂત હશે. પણ અહીં હકીકતમાં તો ગુજરાતની હજારો આશા વર્કર બહેનો તેમજ આશા ફેસિલિટેટર બહેનો પાસે રાત દિવસ તનતોડ મહેનત કરાવવામાં આવે છે અને એના બદલામાં મામૂલી ઈન્સેન્ટિવ આપીને આર્થિક અને માનસિક શોષણ કરવામાં આવી રહ્યું છે. તે બિલકુલ ગેરબંધારણીય છે. એટલું જ નહીં પણ ઈન્સેન્ટીવ, કોન્ટ્રાક્ટ માનદ વેતન, ફિક્સ પગાર અને આઉટ સોર્સનાં રૂપાળા નામ પાછળ લાખો મહિલાઓનું શોષણ કરીને સરકાર પોતાનો કદરૂપો ચેહરો પણ છુપાવી રહી છે. પરંતુ, મજબૂત લડત થકી એમના મેકઅપને ઉતારીને અસલી ચહેરો બતાવી દઈશું.
જો આવનાર સમયમાં ગુજરાત સરકાર દ્વારા આ તમામ આશા વર્કર તેમજ આશા ફેસિલિટેટર બહેનોને શોષણથી મુક્ત કરી એમનો બંધારણીય અધિકાર લઘુતમ વેતન આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી..
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.