આપઘાત:એકાઉન્ટનું પેપર ખરાબ જતાં છાત્રાએ કેનાલમાં ઝંપલાવ્યું

વડોદરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થિની ITM કોલેજમાં BBAનો અભ્યાસ કરતી હતી
  • હાલોલ રહી ભણતી વિદ્યાર્થિનીની આસોજ કેનાલમાં શોધખોળ

બીબીએના બીજા વર્ષમાં ભણતી 19 વર્ષિય વિદ્યાર્થિનીએ એકાઉન્ટનું પેપર ખરાબ જતાં શુક્રવારે આસોજ નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હોવાની ઘટનાને પગલે હડકંપ મચ્યો હતો. બનાવની જાણ થતાં એનડીઆરએફ અને વડોદરા ફાયરબ્રિગેડ દ્વારા નર્મદા કેનાલમાં મોડી સાંજ સુધી શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ યુવતીનો પત્તો લાગ્યો નથી.

બોડેલીમાં રેસ્ટોરન્ટ ધરાવતા મનુભાઈ ગઢવીની 19 વર્ષીની દીકરી પુનમબેન જરોદ પાસે આવેલી આઈટીએમ કોલેજમાં બીબીએનો અભ્યાસ કરતી હતી. કોલેજની વાર્ષિક પરીક્ષા હોવાથી તે હાલોલ મામાના ઘરે રહેવા આવી હતી, જ્યાંથી પરીક્ષા આપવા જરોદ જતી હતી. ઘટના અંગે પુનમબેનના મામા ઘનશ્યામ ગઢવીના જણાવ્યા મુજબ ગુરુવારે એકાઉન્ટનું પેપર ખરાબ ગયું હોવાની પુનમબેને માતા-પિતાને ફોન દ્વારા જાણ કરી હતી.

ત્યારબાદ શુક્રવારે સવારે 8:30 વાગ્યે પરીક્ષા આપવા ઘરેથી નીકળી હતી, પરંતુ તે કોલેજ નહીં પહોંચતાં તેની બેનપણીએ તેના ફોન પર કોલ કર્યા હતા, પણ તે ફોન રિસીવ કરતી નહોતી. દરમિયાન એક રાહદારીએ પૂનમનો ફોન રિસીવ કરીને જણાવ્યું હતું કે, આસોજ નર્મદા કેનાલની બહાર તેનો ફોન અને પર્સ છે અને યુવતીએ કેનાલમાં ઝંપલાવ્યું હોવાનું જણાય છે. બનાવની જાણ થતાં સ્વજનો, પરિચિતો હાલોલ રોડ પર આવેલી નર્મદા કેનાલ ખાતે દોડી ગયા હતા. સાંજે 6:30 સુધી યુવતીનો પત્તો લાગ્યો નહોતો.

કલરના કોન્ટ્રાક્ટરે ગોરવા ખાતેની કેનાલમાં ભૂસકો મારી આપઘાત કર્યો
કલરના કોન્ટ્રાક્ટર બાજવા વિસ્તારના 46 વર્ષીય વ્યક્તિએ ગુરુવારે સાંજે ગોરવા મધુનગર કેનાલમાં ઝંપલાવ્યું હતું. ફાયરબ્રિગેડે શુક્રવારે તેમનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરનાર કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, મૃતકની માનસિક રોગની દવા ચાલતી હતી.

કોટંબીના તળાવમાંથી મૃતદેહ મળ્યો
ગુરુવારે જરોદ પાસે આવેલા કોટંબી ગામના તળાવ પાસે કપડાં-ચંપલ મૂકીને તળાવમાં ઝંપલાવનાર 52 વર્ષીય મગનભાઈ રાઠોડિયાનો મૃતદેહ વડોદરા ફાયરબ્રિગેડ દ્વારા શુક્રવારે બહાર કાઢવામાં આવ્યો હતો. તેમણે કયા કારણોસર આ પગલું ભર્યું તે જાણી શકાયું નથી.

અન્ય સમાચારો પણ છે...