વડોદરા મહેંદી મર્ડર કેસ:પિતાએ પોલીસનો ફોન આવ્યો હોવાનું કહેતાં જ સચીનના પગ નીચેથી જમીન સરકી ગઈ, પિતાને મધ્યસ્થી બનાવી પોલીસ ગાંધીનગર લાવી​​​​​​​

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી સચીનની તસવીર - Divya Bhaskar
આરોપી સચીનની તસવીર

ગાંધીનગરના પેથાપુર સ્વામિ-નારાયણ મંદિર નજીકની ગૌશાળાના ગેટ પાસેથી મળેલા બાળકના વાલીને શોધવા ગાંધીનગર પોલીસે દિવસ-રાત એક કરી દીધા બાદ બાળકની માતા મહેંદી ઉર્ફે હિનાનું મર્ડર પિતા સચીન દીક્ષિતે કર્યું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ ઘટનામાં સચીને તેના પિતા નંદકિશોરને પણ અંધારામાં રાખી ગોળગોળ ફેરવ્યા હતા. જોકે પિતાને મધ્યસ્થી બનાવીને સચીનને ગાંધીનગર સુધી લાવવામાં પોલીસને સફળતા મેળવી હતી.

ગાંધીનગર પહોંચ્યા પછી પોલીસની મેરેથોન પૂછપરછમાં સચીને મહેંદીની હત્યા કર્યાની કબૂલાત કરતાં પિતા આઘાતમાં સરી પડ્યા હતા. ગાંધીનગર પોલીસના જણાવ્યા અનુસાર તપાસમાં સચીન તેનાં માતા-પિતા, પત્ની અને 4 વર્ષના પુત્ર સાથે રાજસ્થાનના કોટામાં તેના સગાને ત્યાં જવા નીકળ્યો હોવાની પુષ્ટી થઈ હતી. આથી પોલીસે તેનો ફોન નંબર સર્વેલન્સમાં મૂકી તેનો સંપર્ક કરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. જોકે તેનો ફોન સતત સ્વિચ ઓફ આવી રહ્યો હતો.

મહેંદી પત્નીનો દરજ્જો માંગતી હતી
મહેંદી પોતાને પત્ની તરીકેનો કાયદેસરનો દરજ્જો મળે તેવી માગણી કરવા લાગી હતી. આ બાબતે બંને વચ્ચે ચકમક ઝર્યા કરતી હતી. સચીનને પરિવાર સાથે પત્ની આરાધનાના સગાને ડેન્ગ્યૂ થયો હોઇ તેમજ નવરાત્રી પણ હોવાથી કોટા જવાનું આયોજન ગોઠવાયું હતું. આ ઉપરાંત સચીન શનિવાર-રવિવાર ગાંધીનગર જતો હતો. જોકે આ વખતે મહેંદીએ વિરોધ નોંધાવ્યો હતો. જે બાબતે ઝઘડો થતાં શુક્રવારે તેણે મહેંદીનું ગળું દબાવી હત્યા કરી દીધી હતી. તેની લાશને બેગમાં પેક કરી રસોડામાં મૂકી બાળકને કારમાં લઈ ગાંધીનગર આવી ગયો હતો. જોકે બાળકને ઘરે લઈ જવાથી ભાંડો ફૂટી જશે તેવો ડર સતાવતાં તેણે ગૌશાળાના દરવાજા પાસે તેને તરછોડી દીધો હતો. તે પછી પરિવાર સાથે કોટા તરફ રવાના થઈ ગયો હતો.

સચીનને સાઇકોલોજિકલ ટ્રીટમેન્ટ અપાઈ
શરૂઆતમાં તો સચીનના પરિવારને એમ જ હતું કે, તેના અફેરના કારણે જન્મેલ બાળકને તેણે તરછોડી દીધો છે. આ વાતથી અજાણ તેની પત્ની આરાધના ઊંડા આઘાતમાં સરી પડી હતી. ગાંધીનગર આવ્યા પછી સચીન દીક્ષિત બહુ જ ગભરાયેલો હતો, પોલીસ દ્વારા તેને પૂરતો સમય આપવામાં આવ્યો હતો. એક રીતે કહીએ તો સાઇકોલોજિકલ ટ્રીટમેન્ટ પોલીસ આપવા માંડી હતી. સચીનને પૂરતો આરામ કરાવી નાસ્તો-પાણી કરાવી તે થોડો સ્વસ્થ જણાતાં પૂછતાછ શરૂ થઈ હતી.

મેરેથોન પૂછપરછ દરમિયાન સચીન દીક્ષિત ભાંગી પડ્યો
​​​​​​​પોલીસની મેરેથોન પૂછતાછ દરમિયાન સચીન દીક્ષિત એક તબક્કે સાવ ભાંગી પડ્યો હતો અને તેણે બાળકને રાત્રી દરમિયાન અંધકારમાં તરછોડી દીધાે હોવાની કબૂલાત કરી હતી. જોકે તે પછીની તેની કહાની સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ હતી. સચીને પોલીસને કહ્યું હતું કે, પોતે ઓઝોન કંપનીમાં સેલ્સ ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે. આ દરમિયાન તેને મહેંદી ઉર્ફે હિના પેથાણી સાથે પરિચય થયો હતો. આગળ જતાં આ પરિચય પ્રેમમાં પરિવર્તિત થયો હતો.

બાળક અને પ્રેમપ્રકરણ અંગે પરિવારથી છુપાવ્યું
પોલીસે રાજસ્થાનના કોટાથી સચીન દીક્ષિત અને તેના પરિવારને પરત બોલાવ્યો હતો. ત્યારે સવારે 11-30 વાગ્યા સુધી તે પરિવારને એમ પણ કહેતો રહ્યો હતો કે આ બાળક તેને રસ્તામાં મળ્યું હતું અને તે કોનું બાળક છે તે તેને ખબર નથી. શરૂઆતમાં તેણે પોલીસ સમક્ષ પણ બાળકની માતા કોણ છે તે વિશે અજાણ હોવાનો ડોળ કર્યો હતો. જોકે ત્યાર બાદ તે રીતસરનો ભાંગી જ પડયો હતો. અને આખરે તેના દ્વારા પોલીસ સમક્ષ કબૂલાત પણ કરવામાં આવી હતી કે તેનું અને તેની પ્રેમિકા હિનાનું આ બાળક છે.

અન્ય સમાચારો પણ છે...