ક્રાઇમ:લોકડાઉનમાં નશીલા પદાર્થોનો ભાવ આસમાને, બંધાણીઓ હવે પોતાના ઘરમાં ચોરી કરવા લાગ્યા

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પરિવારજનો દ્વારા નશાના રવાડે ચઢેલાં સંતાનોની સારવાર શરૂ

શહેરમાં લોકડાઉનના 60 દિવસના ગાળામાં નશીલા પદાર્થોની હેરાફેરી બંધ થઈ જતાં બંધાણીઓની હાલત કફોડી બની છે. અફીણ અને ગાંજાની એક પડીકી અગાઉ 30 થી 60 રૂપિયામાં મળતી હતી, જેનો ભાવ 400થી 500 બોલાઈ રહ્યો છે, જ્યારે 5 થી 10 મિલિગ્રામ મેથેમ્ફેટામાઇનનો અગાઉ ભાવ 200 રૂપિયા હતો, જે હાલ 700 થી 900 રૂપિયા બોલાઈ રહ્યો છે. નશીલા પદાર્થો મોંઘા બનતાં બંધાણીઓ ઘરમાં ચોરી કરીને પોતાનું વ્યસન પોષી રહ્યા છે.

હાલમાં ઘરમાં સોના-ચાંદીના દાગીના કે રોકડ રકમ ગુમ થાય એટલે માતા-પિતાને પણ પોતાનાં સંતાનો પર શંકા જાય છે, કારણ કે લોકડાઉનમાં ઘરનું એક પણ વ્યક્તિ બહાર ન ગયું હોવા છતાં ચોરી થઈ રહી છે. તપાસમાં પોતાના સંતાને જ ચોરી કરી છે તેવું જણાતાં માતા-પિતાની હાલત વધુ ખરાબ થઈ રહી છે અને પોતાના સંતાનને નશીલા પદાર્થની ચૂંગાલમાંથી મુક્ત કરવા તેઓ વ્યસન મુક્તિ કેન્દ્રો અને મનોચિકિત્સકોની સારવાર માટે મોકલી રહ્યા છે. 

કેસ- 1 /    નશો કરવાનું ન મળતાં યુવકને તાવ ચડ્યો

એક સુખી પરિવારના યુવકને સિગારેટ અને ગાંજાનું વ્યસન હતું. લોકડાઉનમાં તેને વ્યસન કરવા ન મળતાં તેને તાવ આવી ગયો હતો. જેથી પરિવારને કોરોના હોવાની ચિંતા થઈ હતી. આખરે યુવકના કાકાને યુવકને નશાની આદત હોવાનું જણાતાં તેમણે તેને મનોચિકિત્સકની સારવાર લેવડાવી હતી, કાઉન્સેલિંગ બાદ તેની સ્થિતિ થોડી સારી બની હતી.

કેસ- 2 /    બંધાણીએ સોનાની બંગડીઓ ચોરી

મનોચિકિત્સક પાસે સારવાર માટે લેવાયેલા એક યુવકને મેથેમ્ફેટામાઇનનું વ્યસન હતું. લોકડાઉનમાં મેથેમ્ફેટામાઇનનો ભાવ વધી જતાં તેની હાલત કફોડી બની હતી. તેને વ્યસનને પોષવા માટે ઘરમાંથી જ ચારથી પાંચ સોનાની બંગડીઓની ચોરી કરી હતી. જોકે પરિવારને જાણ થઈ જતાં સારવાર માટે લઇ જવાયો હતો.

તમારું સંતાન રઘવાયેલું લાગે તો સતર્ક થઈ જાવ

 સંતાન રઘવાયેલું રહે અને ચીડિયાપણું વ્યક્ત કરે તો માતા-પિતાએ સતર્ક થઈ જવું જોઈએ. કારણ વગર કોઈનો ફોન આવે ત્યારે ઘરની બહાર જતો રહે અને ઘરમાં કોઈ કીંમતી ચીજ ન મળે તો સાવધ થવું જરૂરી છે. તમારું બાળક આખો દિવસ રૂમમાં પુરાયેલું રહે અથવા ટોઇલેટમાં વધુ સમય પસાર કરે અને સાંજે કે વહેલી સવારે 4 થી 7 માં મોનિંગ વોકના બહાને બહાર નીકળે તો તપાસ કરવી જરૂરી છે. > ડો. યોગેશ પટેલ, મનોચિકિત્સક

અન્ય સમાચારો પણ છે...