તકેદારી:કોરોનાના કેસો વધતાં નેકની પ્રિ ઇન્સ્પેક્શન બેઠક આખરે ઓનલાઇન યોજવાનો નિર્ણય

વડોદરા7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

મ.સ.યુનિ.માં 10 દિવસથી અધ્યાપક-કર્મચારી અને વિદ્યાર્થીના કોરોના સંક્રમિત થવાની સંખ્યામાં ઉછાળો આવ્યો છે ત્યારે યુનિ.સત્તાધીશોને ડહાપણ સૂઝ્યું છે. નેક કમિટી માટે વિવિધ ફેકલ્ટીઓમાં ઓફલાઈનથી બોલાવાતી મિટિંગો હવે ઓનલાઇન બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. મ.સ.યુનિ. સત્તાધીશો દ્વારા વિવિધ ફેકલ્ટીઓમાં નેક પ્રી ઇન્સ્પેક્શન યોજાઈ રહ્યું હતું, જેને પગલે અધ્યાપકોમાં સંક્રમણ ફેલાવાની ભીતિ સર્જાઈ હતી. ઓફલાઇન મિટિંગ બોલાવવાની જીદના પગલે અધ્યાપકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. આ અંગે સંકલન સમિતિના સેનેટ સિન્ડિકેટ સભ્યો દ્વારા પણ સત્તાધીશોને રજૂઆતો કરાઈ હતી.

પ્રાધ્યાપકોના વધતા જતા વિરોધના પગલે યુનિ. સત્તાધીશોએ નેકની પ્રી ઇન્સ્પેક્શન મિટિંગો ઓનલાઇન બોલાવવાનું નક્કી કર્યું છે. જેને પગલે યુનિવર્સિટીના અધ્યાપકોએ રાહતનો શ્વાસ લીધો છે. ઉલ્લેખનીય છે કે, સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ ફેકલ્ટીમાં જ 80થી વધારે અધ્યાપકો, બિન શૈક્ષણિક કર્મચારીઓ તથા તેમના પરિવારજનો અને વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. કોરોનાના વધતા જતા સંક્રમણના પગલે નેકની ટીમ યુનિવર્સિટીની મુલાકાતે આવશે કે નહીં તેના પર પ્રશ્નાર્થ ઊભો થયો છે. ઘણા સભ્યોએ સંક્રમણ ઓછું થાય પછી નેકની ટીમ આવે તે માટે પણ રજૂઆતો કરી છે.

અન્ય સમાચારો પણ છે...