બાળકને જાહેરમાં સ્તનપાન કરાવવા યોગ્ય જગ્યાનો અભાવ હોવાથી મહિલાઓને તકલીફનો સામનો કરવો પડે છે. આ અંગે ધ્રુવિતા મહિડાએ પાલિકાના સત્તાધિશો સાથે અઠવાડિયા સુધી વાત કર્યા બાદ હોળી બાદ એસએસજીના પટાંગણમાં બેબી ફીડિંગ સેન્ટર શરૂ કરાશે. આવા પ્રોજેક્ટ માટે પાલિકાના 2023-24ના બજેટમાં સીએસઆર થકી કામગીરી કરાશે તેવો મુદ્દો રજૂ કરાયો હતો.આ અંગે ધ્રુવિતા મહિડાએ કહ્યું કે, એક માતા તરીકે જાણીએ છીએ કે જાહેર સ્થળે મહિલાઓને કેટલી તકલીફ થઈ રહી છે. શું એક માતાએ જાહેર શૌચાલયમાં જઈ બાળકને દૂધ પીવડાવવાનું? વડોદરા સ્માર્ટ સિટી છે.
સતત વિકાસ કરી રહ્યું છે, પણ તંત્ર દ્વારા આ બાબતે કંઈ વિચારાયું નહોતું. આ સમસ્યાનું નિરાકરણ આવે તે માટે તેમણે પરિવારના સહકાર સાથે સ્થાયી ચેરમેન, ડે. કમિશનર સહિતના અધિકારીઓને મળીને ફીડિંગ સેન્ટર પ્રોજેક્ટ માટે સતત બેઠકો કરી હતી. જે બાદ સીએસઆર થકી આ પ્રોજેક્ટ ચાલુ કરાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, પહેલાં શહેરના સિટી બસ સ્ટોપ, સુરસાગર તળાવ, એસએસજી હોસ્પિટલ અને ખંડેરાવ માર્કેટ સહિતનાં વિસ્તારોમાં તપાસ કરી હતી. જોકે ફીડિંગ કરાવી શકાય તેવી કોઈ જ જગ્યા મળી નહોતી.
સીસીટીવીને કારણે મહિલા મૂંઝવાય છે
જાહેર સ્થળે કેમેરા હોવાથી માતા મૂંઝવણ અનુભવે છે. પરિણામે બાળકની તંદુરસ્તી પર વિપરીત અસર પડે છે. સ્માર્ટ સિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં હવે બાળકને ફીડિંગ કરાવવા માટે ફિડિંગ ઝોન પણ બનાવવાની જરૂર છે.
- ધ્રુવિતા મહિડા, આર્કિટેક્ચર, પ્રોજેક્ટની શરૂઆત કરાવનાર
કાયમી અને હંગામી સેન્ટર બનાવવાં જોઈએ
પબ્લિક ટોઈલેટ કે હોસ્પિટલમાં ગંદા સ્થળે, તડકામાં કે વરસાદમાં સ્તનપાન કરાવવામાં મુશ્કેલી પડે છે. ગાર્ડન સહિતના સ્થળે કાયમી અને મેળા-પ્રદર્શન જેવા સ્થળોએ ટેમ્પરરી ફીડિંગ સેન્ટર કરી શકાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.