આગોતરા જામીન અરજી:અરવિંદ સિંધા-અતુલ ગામેચીએ આગોતરા જામીન પરત ખેંચ્યા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રોજેક્ટ બંધ કરાવવાની ધમકી બદલ અર્થ ગ્રૂપે પોલીસને અરજી કરી હતી
  • બંનેએ પોલીસમાં નિવેદનો નોંધાવ્યાં, અમારી સામેના આક્ષેપો ખોટા

શહેરના અર્થ ગૃપ દ્વારા પોતાના દ્વારા ચાલી રહેલા પ્રોજેક્ટને બંધ કરાવવા તથા બદનામ કરવા માટે અતુલ ગામેચી અને અરવિંદ સિંધા દ્વારા ખોટી માગણી કરી ધમકી અપાતી હોવાની ફરિયાદ કરતી અરજી પોલીસ કમિશનર સમક્ષ થતાં ચકચાર મચી ગઇ હતી. દરમિયાન પોલીસ સમક્ષ અરજી થયા બાદ અતુલ ગામેચી અને અરવિંદ સિંધાએ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે આજે વિથડ્રો કરી હતી અને પોલીસમાં પોતાનાં નિવેદન નોંધાવ્યાં હતાં.

તાજેતરમાં અર્થ ગ્રૂપના પ્રિતેશ મહેન્દ્ર શાહે પોલીસ કમિશનર કચેરી અને હરણી પીઆઇ સમક્ષ અરવિંદ અણરસિંહ સિંધા અને અતુલ ગામેચી વિરુદ્ધમાં અરજી કરી હતી કે, તેઓ છેલ્લાં 20 વર્ષથી વડોદરામાં અર્થ ગ્રૂપના નામથી અસંખ્ય પ્રોજેક્ટ કર્યા છે હાલના પ્રોજેક્ટને તથા ગ્રૂપને બદનામ કરવા માટે બંને આરોપી તેમની પાસે ખોટી માગણીઓ કરી ધાક ધમકી આપી તથા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપે છે અને પ્રોજેક્ટને બદનામ કરવાની પણ ધમકી આપે છે. જેથી તેમના પ્રોજેક્ટમાં કોઇ બુકિંગ કરાવે નહીં તેમણે કલેકટર સમક્ષ પણ અવાર નવાર ખોટી અરજી કરેલ છે.

બંને મહાનગર સેવા સદન, વુડા વગેરે વિભાગોમાં જઇને ખોટી અરજીઓ કરે છે અને ખોટી રીતે ધાક ધમકી આપી પૈસા પડાવાના ઇરાદાથી ગેરકાયદેસરનું કૃત્ય કરી દબાણ કરે છે અને આરટીઆઇ એક્ટીવીસ્ટ હોવાનું જણાવી પ્રોજેકટને બદનામ કરવાની ધમકી આપે છે. તેમની સાઇટ પર તેમના મળતીયાઓએ આવીને જે પ્રોજેકટ લોંચ કર્યો છે તેમાં કામકાજ શાંતિપૂર્ણ કરવું હોય તો અરવિંદ સિંધા અને અતુલ ગામેચીને 5 લાખ પહોંચાડી દેવાની માગ કરાઇ હતી.

દરમિયાન અતુલ ગામેચી અને અરવિંદ સિંધાએ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જે પાછળથી વિથ ડ્રો કરી બંને હરણી પોલીસમાં ગયા હતા જયાં પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. અરવિંદ સિંધાએ નિવેદનમાં જણાવ્યું હતું કે જુલાઇથી અત્યાર સુધી પોલીસ તેમના ફોન કોલ લોગ રેકોર્ડ મંગાવે અને જો તેમણે એક પણ ફોન કર્યો હોય તો તેઓ વડોદરા છોડી દેશે.આ ઉપરાંત તેમણે માણસો મોકલ્યા હોવાનો આરોપ લગાવાયો છે તો ઘટના સ્થળે સીસી ટીવી લગાવેલા છે તેમાં પણ ચેક કરાવવું જોઇએ જેથી સાચી હકીકત બહાર આવશે.

અન્ય સમાચારો પણ છે...