એજ્યુકેશન:આર્ટ્સના વિદ્યાર્થી નોંધારા,કોમર્સના વર્ગો શરૂ થતાં યુનિટના ક્લાસ બંધ

વડોદરા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • ગુંબજના સમારકામના પગલે આર્ટ્સ ફેકલ્ટી પાસે ક્લાસરૂમ નથી
  • એફવાયની પ્રવેશ પ્રક્રિયાને કારણે ભાષા ભવન ખાતે પણ વર્ગ બંધ કરાયા

મ.સ.યુનિ.ની આર્ટ્સ ફેકલ્ટીના ગુંબજનું સમારકામ ચાલતું હોવાથી 5 વર્ષથી વિદ્યાર્થી ક્લાસરૂમ વિહોણા છે. આર્ટ્સની પરીક્ષા-અભ્યાસ માટે કોમર્સ, સાયન્સ, સંસ્કૃત જેવી ફેકલ્ટી પર આધાર રાખવો પડે છે. બીજી તરફ કોમર્સના વર્ગો યુનિટ બિલ્ડિંગ પર શરૂ થતાં આર્ટ્સના વિદ્યાર્થીઓનો અભ્યાસ બંધ થઇ ગયો છે. જ્યારે એફવાય બીએની પ્રવેશ પ્રક્રિયા ભાષા ભવન ખાતે શરૂ થતાં ત્યાં પણ ક્લાસ બંધ કરવાનો વારો આવ્યો છે. જેના કારણે એસવાય અને ટીવાયના 800 વિદ્યાર્થીઓનું શિક્ષણ રોકાઇ ગયું છે.

મ.સ.યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય શરૂ થયાના 8 થી 10 દિવસમાં બંધ થઇ ગયું છે. કોમર્સ ફેકલ્ટીના યુનિટ બિલ્ડિંગ ખાતે 6 ક્લાસમાં બીએના વર્ગો ચલાતા હતા. જોકે ટીવાય બીકોમનું શિક્ષણ શરૂ થતાં હવે બીએના વર્ગો બંધ કરવાનો વારો આવ્યો છે. તેવી જ રીતે ભાષા ભવન ખાતે એફવાય બીએની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાતાં 3 વર્ગ બંધ કરાયા છે. એફવાય બીએની કામગીરીમાં તમામ અધ્યાપકો લાગી ગયા છે, ત્યારે વિદ્યાર્થીઓ માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ કરી શકાઇ નથી.

પરિણામોમાં પણ વિલંબ થશે
આર્ટ્સ ફેકલ્ટીનાં પરિણામોમાં પણ વિલંબ થવાની શક્યતા છે. કર્મચારીઓની હડતાળ અને એફવાય બીએની પ્રવેશ કાર્યવાહીના પગલે પરિણામો ઘોંચમાં પડે તેવી શક્યતા છે.

એફવાયના પ્રવેશ માટે કતારો
એફવાય બીએની પ્રવેશ પ્રક્રિયા માટે સતત બીજા દિવસે પણ લાઇનો જોવા મળી હતી. વાલીઓ માટે બીજા દિવસે બેસવાની અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. ડોક્યૂમેન્ટ ચકાસણીની કામગીરી ઓફલાઇન કરાતાં લાઇનો પડી હતી.

અન્ય સમાચારો પણ છે...