વૈકલ્પિક વ્યવસ્થા:આર્ટસના છાત્રોના વર્ગો કોમર્સના એજ્યુકેશન બિલ્ડિંગ પર લેવાશે

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એફવાય બીકોમ શરૂ થશે ત્યારે આર્ટસે અન્ય વ્યવસ્થા કરવી પડશે

એમ.એસ.યુનિ.ની આર્ટસ ફેકલ્ટીના વિદ્યાર્થીઓના વર્ગો કોમર્સના જનરલ એજયુકેશન બિલ્ડિંગ પર લેવાશે. કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશોએ બપોરના સમયે કલાસ લઇ શકાય તેવી વ્યવસ્થા કરી આપી છે. જોકે એફવાય બીકોમ શરૂ થશે પછી આર્ટસ ફેકલ્ટી દ્વારા વિદ્યાર્થીઓ માટે અન્ય વ્યવસ્થા કરવી પડશે.

યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં ગુંબજનું સમાર કામ ચાલી રહ્યું હોવાથી વિદ્યાર્થીઓના ઓફલાઇન કલાસ લઇ શકાય તે પ્રકારની વ્યવસ્થા નથી. જેથી આર્ટસ ફેકલ્ટી દ્વારા કોમર્સ ફેકલ્ટી પાસે વિદ્યાર્થીઓને ઓફલાઇન ભણાવી શકાય તે માટે કલાસરૂમની માંગણી કરી હતી. જેથી કોમર્સ ફેકલ્ટી સત્તાધીશોએ યુનિટ બિલ્ડિંગ ખાતે બપોરના સમયે 10 કલાસ રૂમ ફાળવ્યા છે. એક કલાસ રૂમમાં 140 વિદ્યાર્થીઓને બેસાડવાની ક્ષમતા છે. જેથી સોશ્યલ ડિસ્ટન્સીંગથી 70 વિદ્યાર્થીઓ બેસાડાય તો પણ એક સાથે 700 વિદ્યાર્થીઓ ઓફલાઇન અભ્યાસ કરી શકે તેમ છે.

આર્ટસના એસવાય અને ટીવાયના વિદ્યાર્થીઓ ઓફલાઇન અભ્યાસ કરી શકે તે માટે કોમર્સના યુનિટ બિલ્ડિંગનો ઉપયોગ કરવા માટે મંજૂરી અપાઇ છે જેમાં સવારે કોમર્સના અને બપોરના સમયે આર્ટસના વર્ગો ચલાવાશે. કોમર્સના ડીન કેતન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે અત્યારે એફવાય બીકોમના વર્ગો શરૂ થયા નથી જેથી આર્ટસને હંગામી ધોરણે યુનિટ બિલ્ડિંગ અપાયું છે જયારે એફવાય બીકોમના વર્ગો શરૂ થશે ત્યારે તેમણે બીજી વ્યવસ્થા કરવી પડશે. કોમર્સ માં છાત્રોની સંખ્યા વધારે છે ત્યારે સાયન્સ ફેકલ્ટીએ પણ સી.વી.રામન બિલ્ડિંગ ઉપયોગ માટે આપ્યું છે.