નિઃશુલ્ક વર્કશોપ:વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદીઓ માટે તણાવ મુક્ત થવા માટે આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા 'પ્રિઝન સ્માર્ટ' પ્રોગ્રામ યોજાયો

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કેદીઓ માટે શિબિર. - Divya Bhaskar
કેદીઓ માટે શિબિર.

આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરજીની આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા વડોદરા સેન્ટ્રલ જેલમાં 50 જેટલા કેદીઓ માટે "પ્રિઝન સ્માર્ટ" નામનો 6 દિવસીય નિઃશુલ્ક વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપ આર્ટ ઓફ લિવિંગના પ્રશિક્ષકો જીતેન્દ્ર ખીમલાણી તેમજ જવલંત દેસાઈ દ્વારા સંચાલિત કરવામાં આવ્યો હતો જેમાં જેલના કેદીઓને ગુસ્સા પર કાબૂ મેળવવા, તણાવ મુક્ત થવા માટેની ધ્યાન તેમજ પ્રાણાયામની વિવિધ પ્રક્રિયાઓ શીખવાડવામાં આવી હતી.

તણાવ, ડિપ્રેશન વગેરે પર નિયંત્રણ લાવી શકાય
સંસ્થાના સ્થાપક ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરના મત મુજબ પોતાના ગુસ્સા પર કાબૂ ન રાખવાને કારણે અને સજગતા ન હોવાને કારણે વ્યક્તિ ગુનો કરે છે. તેઓને તેમના કરેલા ગુનાનો પસ્તાવો થાય છે જેના કારણે તેઓ તણાવ, ડિપ્રેશન વગેરેનો ભોગ બને છે. આ બધી નકારાત્મક ભાવનાઓથી તેઓ મુક્ત થાય તેમજ પોતાનામાં તેમજ સમાજમાં તેઓ સકારાત્મક બદલાવ લાવી શકે તે ખુબ જરૂરી છે. વર્કશોપમાં સુદર્શન ક્રિયા જે એક શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે તે શીખવાડવામાં આવે છે જેના નિયમિત અભ્યાસથી ગુસ્સો, તણાવ, ડિપ્રેશન વગેરે પર નિયંત્રણ લાવી શકાય છે.

કેદીઓમાં સકારાત્મક બદલાવ જોવા મળ્યો
આ વર્કશોપમાં કરાવેલી પ્રક્રિયાઓ બાદ કેદીઓમાં એક અસાધારણ સકારાત્મક બદલાવ જોવા મળ્યો હતો. તેઓએ પોતાનો અનુભવ જણાવતા કહ્યું કે, આ વર્કશોપમાં ભાગ લીધા પછી તેમણે સતત વિચારતા રહેવાની સમસ્યાથી મુક્તિ મળી તેમજ તેમના ગુસ્સા તેમજ બદલાની ભાવના પર તેમણે કાબૂ મેળવ્યો. કેટલાક કેદીઓએ જણાવ્યું કે, મન શાંત થવાથી તેઓને મળેલી સજાને સ્વીકારવાની આંતરિક શક્તિ મળી. અમુક કેદીઓએ એવું પણ જણાવ્યું કે, હવે તેઓને સારી ઊંઘ આવે છે. આવી શિબિરોનું આયોજન થતું રહે તેવા મંતવ્ય પણ કેદીઓએ આપ્યા હતા.

ભારતમાં 100થી વધુ જેલોમાં સક્રિય
​​​​​​​વર્કશોપ પૂર્ણ થયા બાદ કેદીઓ તેમજ જેલના કર્મચારીઓએ આર્ટ ઓફ લિવિંગ સંસ્થા તેમજ વર્કશોપ સંચાલિત કરનાર પ્રશિક્ષકો માટે આભાર વ્યક્ત કર્યો હતો. અત્રે નોંધનીય છે કે, આર્ટ ઓફ લિવિંગનો આ નિઃશુલ્ક "પ્રિઝન સ્માર્ટ" પ્રોગ્રામ 65થી વધુ દેશોમાં તેમજ ભારતમાં 100થી વધુ જેલોમાં સક્રિય છે.

અન્ય સમાચારો પણ છે...