આઝાદી કા અમૃત મહોત્સવના નેજા હેઠળ ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સ (IGNCA) દ્વારા ત્રણ દિવસીય "રાજા રવિ વર્મા મહોત્સવ'નો આજથી પ્રારંભ થયો છે. રાજા રવિ વર્માના લક્ષ્મી વિલાસ સ્થિત સ્ટુડિયોના રિનોવેશન બાદ આજે કેન્દ્રીય સંસદીય બાબતો અને સંસ્કૃતિ રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલના હસ્તે આ સ્ટુડિયો તેમજ કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ મધ્યપ્રદેશમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન થયેલા તોફાનો અંગે જણાવ્યું હતું કે, દરેક નાગરિકોને ઉજવણી કરવાનો અધિકાર છે. તેમાં અવરોધ ઉભો કરવો જોઇએ નહીં. તો રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડે રાજા રવિ વર્માને ભારત રત્ન આપવામાં આવે તેવી લાગણી વડોદરાના લોકો વતી વ્યક્ત કરી હતી.
રાજા રવિ વર્માના નવનિર્મિત સ્ટુડિયોનું ઉદ્ઘાટન
આ પ્રસંગે કેન્દ્રીય સંસ્કૃતિ રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલ સાથે ગાયકવાડ પરિવારના રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ, સાંસદ ડો. સોનલ માનસિંહ, વડોદરાના મેયર કેયુર રોકડિયા, ડે. મેયર નંદાબેન જોશી, IGNCAના વડોદરા કેન્દ્રના રિજનલ ડાયરેકટર અરૂપા લાહિરી સહિત ના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમના ઉદ્ઘાટન સાથે રાજા રવિ વર્માના નવનિર્મિત સ્ટુડિયોનું ઉદ્ઘાટન કર્યું હતું.
મંત્રીએ પેઇન્ટિંગ્સના ભરપેટ વખાણ કર્યાંં
રાજા રવિ વર્માના અમૂલ્ય પેઇન્ટિંગ્સ આજે પ્રદર્શન અર્થે મુકવામાં આવ્યા હતા. મંત્રી અર્જુન રામ મેઘવાલ સહિત ના મહાનુ ભાવોએ આ પેઇન્ટિંગ્સ નિહાળી રાજા રવિ વર્માની અદ્દભૂત કલાના ભરપેટ વખાણ કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન પ્રસ્તુત લોકનૃત્યએ પણ ભારે આકર્ષણ જમાવ્યું હતું. પુસ્તક વિમોચન દ્વારા આ મહાન કલાકારને શ્રદ્ધાંજલિ આપવા માટે 15થી 17 એપ્રિલ 2022 સુધી આયોજિત આ ઉત્સવમાં પ્રવચનો, નૃત્ય, નાટક, કવિતા, સંગીત, ફિલ્મ સ્ક્રિનિંગ અને પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું છે.
યાત્રા લક્ષ્મી વિલાસ પેલેસ પાસે પૂરી થઈ
આ ઉપરાંત ગત સાંજે ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ દ્વારા રાજા રવિ વર્મા મહોત્સવ અંતર્ગત મહોત્સવની શરૂઆત પહેલા પ્રી-ઇવેન્ટ ચિત્ર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજા રવિ વર્મા સ્ટુડિયોથી નીકળેલી આ યાત્રા લક્ષ્મી વિલાસ પેલેસના ગેટ નંબર 4 થઈને ગેટ નંબર 4 પર પૂરી થઈ હતી.
પાંચ લોકનૃત્ય અને કલાનો સમાવેશ કરવામાં આવ્યો
ચિત્રયાત્રામાં ભાગ લેનાર કલાકારોએ તેમના પર્ફોર્મન્સથી આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. યાત્રામાં પાંચ લોકનૃત્ય અને કલાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વરિષ્ઠ ગરબા ડાન્સર પારુલ શાહની આગેવાની હેઠળની યાત્રામાં સૌથી આગળ ગુજરાતનું લોકનૃત્ય ‘ગરબા’ રજુ કરવામાં આવ્યું હતું. માતાની પછેડી પણ કલાના ભાગરૂપે પ્રદર્શિત કરવામાં આવી હતી. ચિત્રયાત્રાએ આ આધુનિક વિશ્વમાં લુપ્ત થઈ રહેલી લોક કલાઓને જાળવવા અને વિકાસ કરવા માટે ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર, વડોદરાની પહેલ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.