નાણાકીય ગેરરીત:72 લાખની ઉચાપત બદલ 28 તલાટી સામે પોલીસ ફરિયાદની મંજૂરી મગાઇ

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાઘોડિયાની 50 ગ્રામ પંચાયતોમાં એક જ એજન્સીનાં બિલ મુકાયાં.
  • સેનેટાઇઝરના 25 હજાર અને હેન્ડ ગ્લવ્ઝના 4500 બોગસ બિલથી ચૂકવાયા હતા

વાઘોડિયા તાલુકા પંચાયતની 50 ગ્રામ પંચાયતોના 28 તલાટીઓએ નિધિ અને રોયલ એન્ટરપ્રાઈઝ નામની બોગસ એજન્સીઓ મારફતે રૂા.72 લાખની ઉચાપત કર્યાની ઘટનામાં DDOએ ડેપ્યુટી DDOને તપાસ સોંપી છે. જેમાં તલાટીઓએ મૂકેલા બિલોની તપાસ થશે. કૌભાંડ બહાર આવે તો પહેલી વખત 28 તલાટી વિરુદ્ધ ફરિયાદ નોંધાશે. TDO કાજલબેન આંબલિયાએ જણાવ્યું કે, વલ્લભા ગામની દફતર ચકાસણીમાં એક એજન્સીનું શંકાસ્પદ બિલ મળ્યું હતું. સેનેટાઈઝર રૂા.25 હજાર અને હેન્ડ ગ્લવ્ઝ રૂા.4500 મળી મોટી રકમનું બિલ ચૂકવાયું હતું. જેમાં GSTની વિગતો ન હતી.

મોટાભાગની ગ્રામ પંચાયતોમાંથી મોટા પ્રમાણમાં ખર્ચ થયો હોવાનું બહાર આવતાં તલાટીઓની પૂછપરછમાં તેમણે કબૂલ્યું કે, તત્કાલીન TDOના કહેવાથી આ ચુકવણી રોયલ અને નિધિ એન્ટરપ્રાઈઝને કરી છે. જેમાં તલાટીઓને નોટિસ ઈશ્યુ કરાઇ હતી. તલાટીઓએ ખુલાસા રૂપે કોરોનાકાળમાં આ ખર્ચ કર્યો હોવાનું જણાવ્યું હતું.

જોકે તલાટીઓએ મિટિંગનો બહિષ્કાર કર્યો હતો. જ્યારે ડીડીઓને બેંક સ્ટેટમેન્ટ સાથે રિપોર્ટ થયો છે. જેમાં 28 તલાટીએ 50 ગ્રામ પંચાયતોમાંથી 72 લાખની ઉચાપત કર્યાનું જણાયું છે. ઘટનામાં પોલીસ ફરિયાદ કરવા મંજૂરી મગાઇ છે.

કુલ 50 ગ્રામ પંચાયતોમાંથી બોગસ એજન્સીઓ મારફતે 71.85 લાખનાં બોગસ બિલો ચૂકવાયાનું બહાર આવ્યું
વાઘોડિયા પોલીસ અનુસાર, બોગસ એજન્સી થકી 50 અન્ય ગ્રામ પંચાયતોના 28 તલાટીઓએ રૂા.71.85 લાખની નાણાકીય ગેરરીતિ કરી હોવાનું બહાર આવ્યું છે. પોલીસ અન્ય તાલુકાઓમાં પણ બોગસ નિધિ અને રોયલ એન્ટરપ્રાઈઝ મારફતે 28 તલાટીઓ દ્વારા ચેક વટાવ્યા છે કે કેમ તે અંગે તપાસ કરી રહી છે. 28 તલાટી કમ મંત્રીઓને કમિશન પેટે કેટલા રૂપિયા અપાયા તેમજ ભૂતપૂર્વ ટીડીઓની આ કૌભાંડમાં શું ભૂમિકા છે તે અંગે પણ તપાસ શરૂ થઈ છે.

સરપંચોએ TDOની બદલી ન કરવા ગાંધીનગર અરજી કરી
વાઘોડિયાનાં ટીડીઓ કાજલબેન આંબલિયાની બદલી ન થાય તે માટે વાઘોડિયા તાલુકાના 30થી વધુ સરપંચોએ ગાંધીનગર સુધી અરજી અને આવેદનો આપ્યાં છે. સરપંચો અનુસાર મહિલા ટીડીઓ વિરુદ્ધ તલાટીઓ ખોટા આક્ષેપો કરી રહ્યા છે.

28 તલાટીઓના બચાવમાં તલાટી મંડળ મેદાને પડ્યું
​​​​​​​72 લાખની ઉચાપતના કેસમાં સંડોવાયેલા 28 તલાટીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ ન નોંધાય અને એક્શન ન લેવાય તે માટે રાજ્ય અને જિલ્લા તલાટી મંડળ મેદાનમાં કૂદ્યું છે. તલાટી મંડળે TDOને પણ તલાટીઓ માટે ભલામણ કરી હતી.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...