શહેરના માંજલપુર વિસ્તારમાં સુબોધનગર સ્થિત એક બંગલામાં વિપુલ ગોઢકિયા નામના યુવકનો કૂતરો બાંધવાના પટ્ટે લટકતો મૃતદેહ મળી આવ્યો હતા. જે મામલે આજે પરિવારજનો કલેક્ટર કચેરી ખાતે મોરચો લઇને આવ્યા હતા અને નિષ્પક્ષ તપાસની માંગણી કરી હતી.
બે ભાઇ કામ કરતા હતાં
11 દિવસ પહેલા શહેરના માંજલપુરના સુબોધનગરના બંગલામાં દીપીકાબેન શાહને ત્યાં વિપુલ અને રણજીત બે ભાઈઓ કામ કરતાં હતા. જ્યાંથી ભેદી સંજોગોમાં વિપુલનો મૃતદેહ કૂતરો બાંધવાના પટ્ટાથી લટકતો મળ્યો હતો. જેને પગલે વિપુલના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. તે પછી વિપુલના મૃતદેહને પોસ્ટમોટર્મ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી પોલીસે એડી દાખલ કરી હતી. પોલીસે પરિવારજનોના નિવેદનો લીધા હતા.
વિપુલનું પેનલ પીએમ કરાયું હતું
વિપુલના પરિવારજનોએ કલેકટર, પોલીસ કમિશનર સમક્ષ આ આપઘાત નહી પણ હત્યા છે જેથી પીએમ પેનલ થવું જોઈએ તેવી માગ કરી હતી. જેથી પેનલ પીએમ કરાયું હતું. ફોરેન્સીક વિભાગના વડા ડો.સુનીલ ભટ્ટ અને ડો.આદિત્ય ઇટારેના નેજા હેઠળ પીએમ કરવામાં આવ્યું હતું. ફોરેન્સીક વિભાગ અનુસાર વિપુલના શરીર પર ઇજાના કોઈ નિશાન નથી, વિપુલનું મોત આપઘાતથી થયું હોવાનું પ્રાથમિક જણાયું છે. આમ છતાં વિસેરા તપાસ માટે મોકલી અપાયા છે.
રાજકીય ઇશારે નિષ્પક્ષ તપાસ નથી થતી: પરિવારજન
આજે વડોદરા કલેક્ટર કચેરીએ આવેલા વિપુલના કાકા વિનય ગોઢકિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી વિપુલ દીપીકા શાહને ત્યાં કામ કરતો હતો. તેમની પાસેથી રૂપિયા લીધા હતા એટલે તેમને ત્યાં કામ કરતો હતો. દીપીકા શાહે ભાદરવા સ્થિત ચેહર જોગણીનું મંદિર છે ત્યાંથી મદદ અપાવવાની વાત પણ કરી હતી. પરંતુ રાજકીય ઇશારે નિષ્પક્ષ તપાસ નથી થઇ રહી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.