આશંકા:નિર્માણાધીન સ્કીમને ધિરાણની બેંકોની યોજનાનો લાભ લઈ અપૂર્વે કૌભાંડ કર્યું

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેંકના અધિકારીઓ-કર્મીઓની પણ સંડોવણીની આશંકા
  • અપૂર્વને પકડવા સીઆઇડી ક્રાઇમ અને શહેર પોલીસ મેદાનમાં

મહા ઠગ બિલ્ડર અપૂર્વ પટેલને શોધવા પોલીસની 2 જુદી જુદી એજન્સીઓ સીઆઇડી ક્રાઈમ અને શહેર પોલીસની ટીમો મેદાને પડી છે. મામલો છેક વડાપ્રધાન કાર્યાલય સુધી પહોંચ્યો છે ત્યારે સિદ્ધિ વિનાયક ડેવલપર દ્વારા બાંધકામની જુદી જુદી સ્કીમ મૂકી કરાતી છેતરપિંડીની વિગતો બહાર આવી છે. જેમાં બેંકના ઉચ્ચ અધિકારીઓથી માંડી કર્મચારીઓની પણ સંડોવણી હોવાનું છેતરાયેલા લોકોનું માનવું છે.

અત્યાર સુધી છેતરાયેલા ગ્રાહકોથી માંડી પોલીસ અધિકારીઓને એક જ મકાન પર 2 બેંકોમાંથી જુદા જુદા નામે લોન કેવી રીતે મળી શકે તેવો સવાલ મૂંઝવતો હતો. ભોગ બનેલા લોકોએ બેંકનો સંપર્ક કરતાં અપૂર્વ પટેલની છેતરપિંડી નવી જ તરકીબ બહાર આવી છે અને વડાપ્રધાન કાર્યાલયને થયેલી ફરિયાદમાં પણ તેની વિગતો જણાવાઈ છે.

બેંકો દ્વારા બાંધકામ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા અંડર કન્સ્ટ્રક્શન સ્કીમને પણ આસાનીથી કરવામાં આવતા ધિરાણની યોજનાનો અપૂર્વ દ્વારા લાભ ઉઠાવી છેતરપિંડીનું મોટું કૌભાંડ કર્યું હોવાનું બહાર આવ્યું છે. જેમાં નોટરી કરેલા બાનાખત પર અન્યના નામે લોન લઈ એ મિલકત બજાર ભાવ કરતાં ઓછા ભાવે વેચી દસ્તાવેજ કરી આપવામાં આવતો હતો.

જેમાં એ મિલકત પર લીધેલી લોનની કોઈ નોંધ દેખાતી નહિ હોવાથી દસ્તાવેજ રજિસ્ટર્ડ થતો હતો. આ પ્રકારે 150 જેટલા લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી. જે પૈકી કેટલાક લોકોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જ્યારે કેટલાક લોકો ફરિયાદ કરવાની તૈયારીમાં હોવાનુ બહાર આવ્યું છે.

મેપલ મિડોઝમાં છેતરાયેલા ગ્રાહકોની યાદી
ફ્લેટ લીધા બાદ છેતરાયેલા ગ્રાહકોએ બેંકમાં જઈ માહિતી મેળવી છે અને પોલીસને પણ યાદી આપી છે. મિડોઝનો ફ્લેટ 101માં પ્રવીણભાઈ રાણાના નામે બાનાખતના આધારે લોન અપાઈ છે, જ્યારે એ જ ફ્લેટનો દસ્તાવેજ રમેશભાઈના નામે બોલે છે. એવી જ રીતે બી-402 વિનયભાઈ મિસ્ત્રી અને કેતનભાઈ બારોટ, બી-505 મીનેશભાઈ શાહ અને ઋષિભાઈ પટેલ, બી-506 જીતેશભાઇ શાહ અને હેમાક્ષી ગઢવી, 304 વિજયભાઈ પટેલ અને અમિતભાઈ શુક્લા એમ એક જ ફ્લેટના 2 માલિક મિડોઝમાં હોવાનું ખૂલ્યું છે. હજી તપાસમાં બીજાં નામો અને બેંક બહાર આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...