અધ્યક્ષની આકરી ટકોર:પૌષ્ટિક આહારની કિટ આપવા સિવાય કુપોષિત બાળકોને મળવા જતા જ નથી

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપની કારોબારીની બેઠકમાં અધ્યક્ષની આકરી ટકોર
  • ચૂંટાયેલા પ્રતિનિધિ-હોદ્દેદારોએ કુપોષિત બાળકોને દત્તક લીધાં છે

શહેર ભાજપની કારોબારીની બેઠકમાં કુપોષિત બાળકોને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પક્ષના હોદ્દેદારોએ દત્તક લીધા હતા. તે મુદે શહેર ભાજપ અધ્યક્ષે જાહેરમાં ટકોર કરી હતી કે, શહેર ભાજપ સમિતિ પૌષ્ટિક આહારની કીટ આપે ત્યારે તે બાળકોને આપવા જાવ છો, બાકી કોઈ કુપોષિત બાળકને મળવા જતા નથી.

શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહે કારોબારીની મીટીંગમાં ડોક્ટર સેલ દ્વારા બાળકોના મેડિકલ ચેકઅપ કેમ્પનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, કુપોષિત બાળકોને સુપોષિત કરવાના અભિયાનમાં સકારાત્મક પરિણામ મળ્યા નથી. કુપોષિત બાળકોને દત્તક લેવાના અભિયાનમાં યોગ્ય કામગીરી થઇ ના હોવાની નોંધ ભાજપની કારોબારીની બેઠકમાં લેવામાં આવી હતી.

શહેર ભાજપ પ્રમુખે કોર્પોરેટરોને સંબોધીને કહ્યું હતું કે પક્ષના કાર્યક્રમોમાં હાજરી આપે છે પરંતુ કોર્પોરેશનના કાર્યક્રમોમાં જતા નથી. વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોર્પોરેટરોઓ અને વોર્ડ કક્ષાના કાર્યકર્તાઓમાં સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે. સરકારની ગ્રાન્ટનો ઉપયોગ મનસ્વી રીતે થઇ રહ્યો છે.

જેથી કોર્પોરેટર અને કોર્પોરેટર વચ્ચે તેમ જ વોર્ડના કાર્યકરોને સાથે રાખી ગ્રાન્ટ અંગે જે અગત્યના પ્રજા લક્ષી કાર્યો હોય તેને પ્રાધાન્ય આપવું જરૂરી છે. કારોબારીમાં થયેલી ચર્ચા ભાજપમાં ચર્ચાના એરણે ચડી છે. કોર્પોરેટરોની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, વિધાનસભાની ચૂંટણી નજીકના જ સમયમાં આવી રહી છે. કોર્પોરેટરો, પક્ષના હોદેદારો અને કાર્યકરો લોકો સુધી પહોંચે તે દિશામાં પ્રયાસો થઇ રહ્યા છે. જોકે શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહે આ પ્રકારની કોઇ પણ ટકોર તેમના દ્વારા કારોબારીની મીટીંગમાં કરવામાં આવી ના હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...